Gujarat High Court: જૂનાગઢમાં ખોદકામ દરમ્યાન પાઈપ ફાટવા મુદ્દે અધિકારીઓની બેદરકારી અંગે હાઈકોર્ટની લાલ આંખ

Gujarat High Court: ગુજરાતમાં અધિકારીઓની બેદરકારી અને સિસ્ટમ સુધરવા મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે આજે તંત્રની ઢીલી નીતિ, અધિકારીઓની લાપરવાહીને આડે હાથ લીધું હતું. જૂનાગઢ શહેરમાં ખોદકામ દરમ્યાન પાઈપલાઈન ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાંત્રણ લોકો મોતને ભેટયા હતા. જેમાં કેટલાક લોકો દાઝી જવાથી કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે અંગે સુનાવણી દરમ્યાન ગુજરાત હાઈકોર્ટે વેધક સવાલ કર્યા હતા.
જૂનાગઢ કોર્પોરેશનના અધિકારીઓ સામે ગુન્હો નોંધાયો છે કેમ?, હાઈકોર્ટે આગળ અવલોકન કર્યું કે, સિસ્ટમ સુધરતી નથી અને માણસો મરતા જાય છે. જૂનાગઢ મનપાએ ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટથી કામ આપ્યું હતું,જેમા કામ કરતા JCB ચાલક સામે પોલીસ ફરિયાદ નોધાઇ હતી. જે અંગેની રજૂઆત બાદ હાઈકોર્ટે સવાલ કર્યો કે, શું Dyspની ડ્યુટી નહોતી કે એ તપાસ ઉપર નિરીક્ષણ કરે ? કોર્ટ આકરાં પગલાં લેવા ચીમકી ઉચ્ચારે પછી કોર્ટ સમક્ષ હાજર થાય છે !
આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં વરસાદી પાણીથી કરન્ટ લાગતા પતિ-પત્નીના મોત થયા અંગેનો મુદ્દો પણ ચર્ચાયો હતો. જેથી ગુજરાત હાઈકોર્ટે આખા રાજ્યની સ્થિતિ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. જે SOP અને ગાઈડલાઇન બનાવી છે તે મુજબ કામ કરવાનું કે નહીં ? તેવો હાઈકોર્ટે હાજર તમામને સવાલ કર્યો હતો. જૂનાગઢ SP ને જરૂરી રિપોર્ટ સબમિટ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ અંગેની 6 ઑક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે.

