Gujarat ATS: આતંકવાદી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલી આરોપી શમા પરવીનના રિમાન્ડ પૂર્ણ થતા જેલભેગી કરાઈ

Gujarat ATS: વૈશ્વિક આતંકવાદી સંગઠન અલકાયદા અને તેની સાથે સંકળાયેલી આરોપી શમા પરવીનને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે બાદ તેને તપાસ સંસ્થા તરફથી વધુ રિમાન્ડ માંગવામાં નહોતા આવ્યા જેથી શમા પરવીનને જેલહવાલે કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ગુજરાત એટીએસ દ્વારા બેંગલોરથી ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડ માટે મોકલી આપી હતી. જે બાદ તેની પૂછપરછમાં ઘણા મોટા ઘટસ્ફોટ થયા હતા. જે બાદ આજે તેના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે બાદ વધુ રિમાન્ડ ન માગતા આખરે તેને જેલમાં મોકલી આપી છે.
કોણ છે શમા પરવીન ?
Gujarat ATSએ 22 જુલાઈ, 2025ના રોજ કુખ્યાત આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય મહિલા શમા પરવીનની બેંગલુરુથી ધરપકડ કરી હતી. શમા પરવીન પર ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર જેહાદી ષડયંત્ર રચવાનો અને દેશવિરોધી વીડિયો અપલોડ કરીને યુવાનોને જેહાદી કૃત્ય માટે ઉશ્કેરવાનો આરોપ છે, જે તેણે કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે. મહત્ત્વનું છે કે, 23 જુલાઈ 2025ના રોજ ગુજરાત ATSએ અમદાવાદ અને મોડાસાના 2 સહિત કુલ 4 આતંકીઓની ધરપકડ કરી હતી, જે આતંકી જૂથની માસ્ટર માઈન્ડ શમા પરવીન હોવાની માહિતી મળી છે.
શમા પરવીન મૂળ ઝારખંડની છે અને હાલમાં બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં તેના ભાઈ સાથે રહે છે, જે એક ખાનગી કંપનીમાં કામ કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત ATSના અધિકારીઓ શમા પરવીનની પ્રવૃત્તિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યા હતા. શમા પરવીન સોશિયલ મીડિયા અને કેટલીક શંકાસ્પદ એપ્લિકેશન દ્વારા અલ કાયદાની વિચારધારા સાથે જોડાઈ હતી અને તેને ફેલાવવા સુધીની ગતિવિધિઓમાં સક્રિય હતી. એવી પણ આશંકા છે કે શમા પરવીન કેટલાક લોકોને સંગઠનમાં જોડીને કોઈ મોટા ષડયંત્રનો પ્લાન ઘડવાની તૈયારી કરી રહી હતી.

