VIDEO: મેમનગરની S.P. ગર્લ્સ હૉસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ, 57 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી, 21 હોસ્પિટલમાં દાખલ
VIDEO/Ahmedabad: અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી જાણીતી S.P. ગર્લ્સ હૉસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની એક મોટી ઘટના સામે આવી છે. હૉસ્ટેલમાં રહેતી કુલ 900 વિદ્યાર્થિનીઓમાંથી 57 વિદ્યાર્થિનીઓને અચાનક ઊલ્ટી અને ડાયેરિયાની ફરિયાદ ઉઠતા સમગ્ર કેમ્પસમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અસરગ્રસ્ત તમામ વિદ્યાર્થિનીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
હોસ્પિટલની સ્થિતિ અને સારવાર
મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કુલ 57 વિદ્યાર્થિની સારવાર માટે આવી હતી. જેમાંથી પરિસ્થિતિની ગંભીરતા જોતા 21 વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે 18 વિદ્યાર્થિનીને અત્યારે ઓબ્ઝર્વેશન (નિરીક્ષણ) હેઠળ રાખવામાં આવી છે, જ્યારે અન્યને ઓપીડી સારવાર આપી રજા આપવામાં આવી છે. ત્રણ વિદ્યાર્થિનીઓની તબિયતમાં નોંધપાત્ર સુધારો જણાતા તેમને પણ રજા આપી દેવાઈ છે.
ઝેર ક્યાંથી ફેલાયું? તપાસ ચાલુ
ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે કેટલીક વિદ્યાર્થિનીઓએ હૉસ્ટેલ બહાર પાણીપૂરી અને દાબેલી જેવો નાસ્તો કર્યો હતો, જ્યારે કેટલીક છોકરીઓએ હૉસ્ટેલનું જ ભોજન લીધું હતું. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગ દ્વારા હૉસ્ટેલના રસોડા અને પાણીના નમૂના લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ ચેપ હૉસ્ટેલના ખોરાકથી ફેલાયો છે કે બહારના ફાસ્ટ ફૂડથી.

