Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Farmer Status Can’t Be Lost by Marriage: HC

VIDEO: ‘ખેડૂતની પુત્રી જન્મથી જ ખેડૂત’, લગ્ન કે રેકોર્ડમાંથી નામ કઢાવવાથી દરજ્જો નહીં જાય: ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત હાઈકોર્ટે મહિલાઓના સંપત્તિ અધિકારોના રક્ષણને લગતા મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ખેડૂત પરિવારમાં જન્મેલી પુત્રી લગ્ન કર્યા બાદ પણ ખેડૂત તરીકેનો દરજ્જો ગુમાવતી નથી. એટલું જ નહીં, મહેસૂલી રેકોર્ડમાંથી તેનું નામ છેતરપિંડીથી દૂર કરવામાં આવ્યું હોય તો પણ તેનો મૂળ ખેડૂત દરજ્જો સમાપ્ત થતો નથી. જસ્ટિસ દિવ્યેશ એ. જોષીએ પોરબંદર કલેક્ટરનો 19 ઓગસ્ટ 2016નો આદેશ રદ કરીને અરજદાર બહેનનું નામ મહેસૂલી રેકોર્ડમાં દર્શાવતી 26 મે 1990ની નોંધો પુનઃસ્થાપિત કરવાનો આદેશ કર્યો હતો. આ મામલો રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાનો હતો.

App Store

ખેડૂતની પુત્રીને જન્મથી જ ખેડૂતનો દરજ્જો

જસુમતીબહેન નવલદાસ દસાણી તથા અન્યના કેસમાં હાઈકોર્ટે જણાવ્યું કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમમાં થયેલા સુધારા બાદ પુત્રીને પણ પિતાની સંપત્તિમાં સહ વારસદાર તરીકેનો અધિકાર મળે છે. માત્ર મહેસૂલી રેકોર્ડમાંથી બહેનનું નામ કાઢી નાખવાથી, ખાસ કરીને છેતરપિંડીથી નામ દૂર કરાયું હોય તો, તેનો ખેડૂત તરીકેનો કાયદેસર દરજ્જો ખતમ થઈ શકતો નથી.

ખેડૂત પ્રમાણપત્રને પણ માન્ય ગણાયું

હાઈકોર્ટે નોંધ્યું કે સંબંધિત સત્તાધિકારીઓ એ હકીકતને યોગ્ય રીતે ધ્યાનમાં લીધી નહોતી કે અરજદારના ભાઈ રમેશ પાસે વારસામાં મળેલી ખેતીની જમીન હતી. અરજદાર ખેડૂત પરિવારમાં જન્મેલી હોવાથી તેને ખેડૂત તરીકેનો દરજ્જો મળતો હતો. તલાટી-કમ-મંત્રી દ્વારા રેકોર્ડની ચકાસણી બાદ અરજદારને ખેડૂત પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેથી તેણે બનાવટી દસ્તાવેજોના આધારે ખેડૂતનો દરજ્જો મેળવ્યો હોવાનું કહી શકાય નહીં. કોર્ટના મતે અરજદાર મૂળથી જ ખેડૂત હતી.

દાદા અને પિતા બંને ખેડૂત હોવાથી અધિકાર

ચુકાદામાં હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે અરજદારના દાદા ખેડૂત હતા અને તેમની ખેતીની જમીન તેમના ત્રણ પુત્રોમાં વહેંચાઈ હતી, જેમાં અરજદારના પિતાનો પણ સમાવેશ થતો હતો. આથી અરજદાર ખેડૂતની પુત્રી અને પૌત્રી હોવાથી જન્મથી જ ખેડૂતનો દરજ્જો ધરાવતી હતી. માત્ર તેનું નામ મહેસૂલી રેકોર્ડમાંથી કથિત છેતરપિંડીથી દૂર કરવામાં આવ્યું હોવાના કારણે આ દરજ્જો છીનવી શકાય નહીં.

જમીનના વેચાણ બાદ પણ નોંધો રદ કરવામાં આવી હતી

અરજદારે ખેડૂત તરીકે ખરીદેલી જમીન બાદમાં નોંધાયેલા વેચાણ દસ્તાવેજો મારફતે તૃતીય પક્ષોને વેચી દીધી હતી અને તેની મહેસૂલી નોંધો પણ કરવામાં આવી હતી. આ તમામ હકીકતોને ધ્યાનમાં લેતાં હાઈકોર્ટે પોરબંદર કલેક્ટરનો 19 ઓગસ્ટ 2016નો વિવાદિત આદેશ રદ કર્યો હતો. સાથે જ 26 મે 1990ની અરજદારનું નામ દર્શાવતી મહેસૂલી નોંધો પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો હતો.

ભાઈએ છેતરપિંડીથી નામ દૂર કરાવ્યું હોવાનો આક્ષેપ

આ મામલો રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના જસપર ગામનો છે. અરજદાર જસુમતીબહેનના પિતા નાથાલાલનું 1967માં અવસાન થયું હતું. ત્યારબાદ તેમના ભાઈ રમેશે છેતરપિંડી કરીને બનાવટી દસ્તાવેજોના આધારે મહેસૂલી રેકોર્ડમાંથી બહેનનું નામ દૂર કરાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ કારણે અરજદારના ખેડૂત તરીકેના અધિકાર અંગે વિવાદ ઊભો થયો હતો. જોકે, પરિવારની ખેતીલાયક જમીનના આધારે સ્થાનિક મહેસૂલી અધિકારીઓએ તેમને ખેડૂત પ્રમાણપત્ર આપ્યું હતું, જેના આધારે તેમણે 1990માં ખેતીની જમીન ખરીદી હતી.

તૃતીય પક્ષે વાંધો ઉઠાવતાં વિવાદ વધ્યો

જમીન વ્યવહાર અંગે તૃતીય પક્ષકારોએ વાંધો ઉઠાવી દાવો કર્યો હતો કે અરજદાર ખેડૂત નથી, કારણ કે મૂળ જમીનના રેકોર્ડમાં તેમનું નામ ઉપલબ્ધ નહોતું. આ વાંધા બાદ સત્તાવાળાઓએ કાર્યવાહી શરૂ કરી હતી અને સુઓમોટો કાર્યવાહી હેઠળ જમીન વ્યવહારોની મહેસૂલી નોંધો રદ કરવામાં આવી હતી. બિનખેડૂત વ્યક્તિ ખેતીની જમીનનો વ્યવહાર કરી શકે નહીં તેવી દલીલના આધારે કાર્યવાહી થતાં અરજદાર બહેને ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

હાઈકોર્ટના મહત્વના અવલોકનો

  • ખેડૂતની પુત્રી જન્મથી જ ખેડૂતનો દરજ્જો ધરાવે છે અને લગ્ન અથવા મહેસૂલી નોંધમાં છેડછાડથી આ દરજ્જો સમાપ્ત થઈ શકતો નથી.
  • 1990ની મહેસૂલી નોંધો સામે સત્તાવાળાઓએ 19 વર્ષ બાદ સુઓમોટો રીતે પુનરીક્ષણની સત્તાનો ઉપયોગ કર્યો હતો.
  • કાયદામાં ચોક્કસ સમયમર્યાદા ન હોય તો પણ પુનરીક્ષણની સત્તાનો ઉપયોગ વાજબી સમયગાળામાં થવો જરૂરી છે.
  • અંતિમ નિર્ણય પહેલાં કાયદામાં સુધારો થયો હોય તો સંબંધિત પક્ષકારોને તેની યોગ્ય તક આપવી જરૂરી છે.
  • પક્ષકારને તક આપ્યા વિના સુધારેલી જોગવાઈના આધારે નિર્ણય કરવો કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે.
  • હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમમાં થયેલા સુધારા મુજબ પુત્રી પણ પિતાની સંપત્તિમાં સહ વારસદાર ગણાય છે.