VIDEO: સાવરકુંડલાના હાડિડા ગામે 5 વર્ષીય પુત્રીની હત્યા કર્યા બાદ પિતાનો આપઘાત, આર્થિક સંકડામણ કારણભૂત હોવાની આશંકા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડિડા ગામે પિતા-પુત્રીના મોતની કરુણ ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, કિશોરભાઈ નામના પિતાએ પોતાના પાંચ વર્ષીય પુત્રી હિમાંશીનું ગળું દબાવી મોત નિપજાવ્યા બાદ પોતાનું પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.
આર્થિક મુશ્કેલીઓ કારણભૂત હોવાની આશંકા
ઘટનાની જાણ થતાં સાવરકુંડલા રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી બંને મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં પરિવારની આર્થિક મુશ્કેલીઓ કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. નાનકડા એવા હાડિડા ગામમાં પિતા અને પુત્રીના એકસાથે મોતના સમાચારથી અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

