Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Fake IPS officer arrested in Ahmedabad: Policeman threatened at Kalupur station

અમદાવાદમાં નકલી IPSનો રોફ: કાલુપુર સ્ટેશન પર પોલીસ જવાનને ધમકાવ્યો, "સેલ્યુટ કેમ ન મારી, વર્દી ઉતરાવી દઈશ"

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં નકલી IPSનો રોફ: કાલુપુર સ્ટેશન પર પોલીસ જવાનને ધમકાવ્યો, "સેલ્યુટ કેમ ન મારી, વર્દી ઉતરાવી દઈશ"
સોર્સ : gstv

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં એક યુવકે પોતાની જાતને IPS જોન ડેનિયલ તરીકે ઓળખાવીને ફરજ પરના પોલીસ કર્મચારી સાથે સરાજાહેર દાદાગીરી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ શખસે ન માત્ર ફરજમાં રુકાવટ ઊભી કરી, પરંતુ પોલીસ જવાનને બેફામ અપશબ્દો કહીને તેની વર્દી ઉતરાવી દેવાની ધમકી પણ આપી હતી. આ ગંભીર ઘટના સંદર્ભે ભોગ બનનાર કોન્સ્ટેબલ અજય દેસાઈએ કાલુપુર રેલવે પોલીસ મથકમાં કથિત IPS સામે ફરિયાદ નોંધાવી છે.

App Store

કાલુપુર સ્ટેશન પર નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો!

મૂળ સાબરકાંઠાના અને હાલ કાલુપુર રેલવે પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અજય દેસાઈ સ્ટેશન બહાર બંદોબસ્તમાં હતા. તેજસ એક્સપ્રેસનો સમય હોવાથી અને આસપાસ વિકાસના કામો ચાલતા હોવાથી ત્યાં ટ્રાફિક સર્જાયો હતો. આ દરમિયાન કારમાં આવેલા શખસે ટ્રાફિક જામ અંગે સવાલ કરતા કોન્સ્ટેબલે યોગ્ય કારણ જણાવ્યું હતું. જો કે, સાચો જવાબ સાંભળતા જ તે શખસ અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને 'તે મને સેલ્યુટ કેમ ન માર્યું?' તેમ કહીને કોન્સ્ટેબલને ધક્કો મારી વર્દી ખેંચવાનો પ્રયાસ કરી ગેરવર્તન કર્યું હતું.

'મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ...'

મામલો ગરમાતા અન્ય પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, છતાં આ યુવકે પોતાનો રોફ ઝાડતા ધમકી આપી હતી કે, 'હું IPS જોન ડેનિયલ છું, તારી વર્દી ખાઈ જઈશ અને ડીજી સાહેબને કહીને તારું બહુ દૂર ટ્રાન્સફર કરાવી દઈશ.'

ત્યારબાદ તેણે પોતાના મોબાઈલમાં ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ચીમકી આપીને ત્યાંથી ચાલતી પકડી હતી. કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પોલીસે આ નકલી જોન ડેનિયલ સામે ગુનો દાખલ કરી, તેની અસલી ઓળખ મેળવવા અને અગાઉ તેના દ્વારા આવા કોઈ ગુના આચરવામાં આવ્યા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.