ટ્રેનમાં ગેરકાયદે વેચાણ પર બ્રેક, 5 વેન્ડરો સામે કાર્યવાહી

સાબરમતી રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં અનધિકૃત રીતે ખાદ્યપદાર્થો અને પીણાંનું વેચાણ કરતા વેન્ડરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદ અને RPF સાબરમતી દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાબરમતી રેલવે સ્ટેશન ઉપરાંત સાબરમતી–જમ્મુ તાવી એક્સપ્રેસ અને યોગા એક્સપ્રેસ ટ્રેનમાં પણ તપાસ કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન કુલ પાંચ અનધિકૃત વેન્ડરો ઝડપાયા હતા. વેન્ડરો પાસેથી અનધિકૃત રીતે વેચાણ કરવામાં આવતું પાણી અને છાશ જપ્ત કરવામાં આવ્યું હતું. તમામ સામે રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો છે.
IRCTC અમદાવાદના પ્રેસ પ્રવક્તા જિતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું કે, મુસાફરોને ગુણવત્તાયુક્ત અને અધિકૃત સેવાઓ મળી રહે તે માટે અનધિકૃત વેન્ડરો સામે ચેકિંગ ચાલુ રહેશે. IRCTC અને RPFની ટીમ દ્વારા આગળ પણ સ્ટેશન અને ટ્રેનોમાં સતત તપાસ કરવામાં આવશે.

