SD Pay કૌભાંડ મુદ્દે કોંગ્રેસ મેદાનમાં, 6.5 લાખ લોકોના રૂ.1,200 કરોડ પરત અપાવવા PMને મોકલશે પિટિશન

અમદાવાદ SD Pay એપ્લિકેશન મારફતે થયેલા કથિત દેશવ્યાપી ઓનલાઈન ફ્રોડને લઈને હવે રાજકીય સ્તરે પણ સવાલો ઉઠ્યા છે. આ કૌભાંડમાં સૌથી વધુ નુકસાન ગુજરાતના લોકોને થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આશરે 6.5 લાખ લોકો પાસેથી રૂ.1,200 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ કૌભાંડનો આંકડો રૂ.3,000 કરોડ સુધી પહોંચવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આક્ષેપ મુજબ, ધવલ પટેલ અને નરેન્દ્રસિંહ ઝાલા સહિતના લોકોએ SD Pay એપ્લિકેશનના માધ્યમથી લોકોને છેતર્યા હતા. અનેક લોકોએ પોતાની જીવનભરની બચત આ એપ્લિકેશનમાં રોકી હતી, પરંતુ પૈસા પરત ન મળતાં પીડિતોએ ફરિયાદો નોંધાવી હતી. જોકે, પીડિતોના નાણાં ક્યાં ગયા અને તેમની રકમ પરત કેવી રીતે મળશે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

જાહેરાત

આ મામલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ભૂમિકા અને મૌન સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સવાલ કરતા માંગ કરવામાં આવી છે કે પીડિતોના નાણાં ક્યાં ગયા તેની તપાસ કરવામાં આવે અને જવાબદારી નક્કી કરવામાં આવે.આ મામલે હવે પિટિશન દાખલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. પિટિશનમાં તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવશે. સાથે જ પીડિતો માટે અલગ પોર્ટલ બનાવવામાં આવે, જેમાં તેમની ફરિયાદો અને નાણાં પરત મળવાની પ્રક્રિયાની માહિતી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા ઓનલાઈન પિટિશન શરૂ કરવામાં આવશે. જેમાં SD Pay કૌભાંડના પીડિતો પોતાની સહી સાથે વિગતો રજૂ કરી શકશે. ત્યારબાદ એકત્રિત કરવામાં આવેલી સહીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પિટિશન મોકલવામાં આવશે.હવે સૌથી મોટો સવાલ એ છે કે 6.5 લાખ લોકોની મહેનતની કમાણી ક્યાં ગઈ? રૂ.1,200 કરોડથી લઈને સંભવિત રૂ.3,000 કરોડ સુધીના આક્ષેપોની તપાસ ક્યારે થશે અને પીડિતોને તેમના પૈસા ક્યારે પરત મળશે?

આ સમાચાર શેર કરો

જાહેરાત