10 કરોડ ખર્ચ્યા છતાં શ્વાનના કરડવાના કેસો વધ્યા! અમદાવાદમાં રોજ 211 કેસ, એક વર્ષમાં 29%નો ઉછાળો

અમદાવાદ શહેરમાં શ્વાન કરડવાના (Dog Bite) કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં શહેરમાં શ્વાન કરડવાના કુલ 77,019 કેસ નોંધાયા છે. આ આંકડા પ્રમાણે અમદાવાદમાં દરરોજ સરેરાશ 211 લોકો શ્વાનના કરડવાનો ભોગ બને છે. ખાસ વાત એ છે કે ગત વર્ષે આશરે 60 હજાર કેસ નોંધાયા હતા, એટલે કે માત્ર એક વર્ષમાં જ ડોગ બાઈટના કેસોમાં લગભગ 29 ટકાનો વધારો થયો છે.
ખસીકરણ પાછળ 10 કરોડનો ખર્ચ છતાં ડોગ બાઈટના કેસો વધ્યા
અમદાવાદમાં રખડતા શ્વાનની સંખ્યા નિયંત્રિત કરવા માટે છેલ્લા પાંચ વર્ષમાં આશરે 1.35 લાખ શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરી પાછળ લગભગ રૂ.10 કરોડનો ખર્ચ થયો હોવા છતાં શ્વાન કરડવાના બનાવોમાં ઘટાડો જોવા મળ્યો નથી. વધતા કેસોને કારણે રખડતા શ્વાનની સમસ્યા ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવી છે.
હડકવા દિવસ અને મૃત્યુના આંકડામાં મોટો તફાવત
દર વર્ષે 28 સપ્ટેમ્બરે વિશ્વ હડકવા દિવસ (World Rabies Day) મનાવવામાં આવે છે. આ પ્રસંગે ભારતમાં હડકવાના વાસ્તવિક ભાર અંગે પણ ચર્ચા થાય છે. ICMRની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજીના 2024ના અહેવાલ મુજબ ભારતમાં દર વર્ષે અંદાજે 5,726 લોકો હડકવાના કારણે મૃત્યુ પામે છે.
બીજી તરફ, કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા મુજબ 2024માં દેશમાં હડકવાથી માત્ર 54 લોકોના મૃત્યુ નોંધાયા હતા. આ બંને આંકડાઓ વચ્ચેનો મોટો તફાવત હડકવાથી થતા મૃત્યુના અંડર-રિપોર્ટિંગ (Under-reporting) તરફ ઈશારો કરે છે. WHOએ પણ ભારતમાં હડકવાના વાસ્તવિક કેસ અને મૃત્યુ સત્તાવાર આંકડા કરતાં વધુ હોવાની શક્યતા દર્શાવી છે.
અમદાવાદમાં આ વર્ષે મહિના પ્રમાણે ડોગ બાઈટના કેસ
અમદાવાદમાં 2026ના પ્રથમ છ મહિનામાં નોંધાયેલા શ્વાન કરડવાના કેસ પર નજર કરીએ તો જાન્યુઆરીમાં 8,658, ફેબ્રુઆરીમાં 7,773, માર્ચમાં 8,186, એપ્રિલમાં 7,830, મેમાં 7,389 અને જૂનમાં 6,818 કેસ નોંધાયા છે.
શ્વાન કે અન્ય પ્રાણી કરડે તો તરત શું કરવું?
શ્વાન, બિલાડી, વાંદરો અથવા અન્ય કોઈ સ્તનધારી પ્રાણી કરડે કે ખંજવાળે અને તેની લાળ ખુલ્લા ઘા પર લાગે તો લક્ષણોની રાહ ન જોવી જોઈએ. ઘાને તરત જ ઓછામાં ઓછા 15 મિનિટ સુધી સાબુ અને વહેતા પાણીથી સારી રીતે ધોઈ લેવો જોઈએ. ત્યારબાદ તાત્કાલિક તબીબી સલાહ મેળવી રેબીઝની રસી (Rabies Vaccine) અંગે જરૂરી સારવાર શરૂ કરાવવી જોઈએ.
શરૂઆતમાં હડકવાના કયા લક્ષણો દેખાય છે?
હડકવાની શરૂઆતમાં તાવ, માથાનો દુખાવો, થાક, નબળાઈ, ચિંતા, ચીડિયાપણું, ઊંઘમાં તકલીફ અને ભૂખ ઓછી થવી જેવા લક્ષણો જોવા મળી શકે છે. કરડેલા સ્થળે દુખાવો, ખંજવાળ, બળતરા અથવા ઝણઝણાટી પણ થઈ શકે છે.
સ્થિતિ ગંભીર બને ત્યારે દેખાય છે આ લક્ષણો
રોગ આગળ વધે ત્યારે પાણી પીવામાં મુશ્કેલી અથવા પાણીથી ગભરાટ (Hydrophobia), હવા લાગવાથી ગળામાં ખેંચાણ, વધુ પડતી લાળ, પ્રકાશ અથવા અવાજ પ્રત્યે અસહજતા, બેચેની, ગૂંચવણ, અસામાન્ય વર્તન, શરીરના કેટલાક ભાગોમાં નબળાઈ અથવા લકવો જેવા ગંભીર લક્ષણો જોવા મળી શકે છે.
અંતિમ તબક્કામાં કોમા અને શ્વાસ લેવામાં મુશ્કેલી
હડકવાનો રોગ ગંભીર તબક્કામાં પહોંચે ત્યારે દર્દીને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડી શકે છે અને તે કોમામાં જઈ શકે છે. તેથી પ્રાણીના કરડ્યા બાદ લક્ષણો દેખાય તેની રાહ જોવાને બદલે ઘાની તાત્કાલિક સફાઈ અને તબીબી સારવાર લેવી અત્યંત જરૂરી છે.
અમદાવાદમાં પ્રાણી કરડવાના કેસ
| વર્ષ | કૂતરાં | બિલાડી | વાંદરા |
| ૨૦૨૦ | ૫૧,૨૪૪ | ૬૬૩ | ૨૨૯ |
| ૨૦૨૧ | ૫૦,૬૬૮ | ૬૮૩ | ૨૫૪ |
| ૨૦૨૨ | ૫૮,૧૨૫ | ૮૧૮ | ૨૪૩ |
| ૨૦૨૩ | ૬૭,૭૯૦ | ૧,૬૨૮ | ૦૦ |
| ૨૦૨૪ | ૬૦,૬૬૩ | ૨,૨૬૬ | ૩૬૬ |
| ૨૦૨૫ | ૭૭,૦૧૯ | ૪,૭૭૦ | ૬૭૩ |

