Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : BJP's 'victory path' in local body elections is thorny

Gujarat News: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો 'વિજય પથ' કાંટાળો; ટિકિટ ન મળતા કાર્યકરોમાં અસંતોષ, તો સુવિધાઓના અભાવે મતદારોમાં આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Gujarat News: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો 'વિજય પથ' કાંટાળો;  ટિકિટ ન મળતા કાર્યકરોમાં અસંતોષ, તો સુવિધાઓના અભાવે મતદારોમાં આક્રોશ
સોર્સ : GSTV

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, તેમાં ભાજપ માટે ચૂંટણી જીતવાનો રસ્તો વધુ અઘરો બની રહ્યો હોય તેમ અત્યારે લાગી રહ્યું છે. કારણ કે, એક તરફ ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપમાં આંતરિક કલહ વધુ ઘેરો બની રહ્યો છે, જ્યારે બીજી તરફ વિકાસના કામો અને પ્રાથમિક માળખાકીય સુવિધાના કામો ન થતાં ઠેર-ઠેર મતદારો ભાજપના ઉમેદવારોનો વિરોધ કરી રહ્યા છે. સ્થિતિ એટલી હદે કથળી રહી છે કે, હવે તો ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવો પણ મુશ્કેલ બન્યો છે, કારણ કે લોકો હુરિયો બોલાવી રહ્યા છે. અમદાવાદથી માંડીને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સુધી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેનાથી ભાજપ પ્રદેશ નેતાગીરીની ઊંઘ હરામ થઈ છે.

App Store

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ માહોલ ઠંડો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર હજુ જામતો નથી ત્યારે ભાજપે પોલીસ-સરકારી તંત્રની મદદથી ૭૦૦ બેઠકો બિનહરીફ મેળવી લીધી હોવાનો દાવો કરાયો છે, પણ હવે ભાજપની ખરી પરીક્ષા છે. તેનું કારણ એ છે કે, આ વખતે ઉમેદવારોની પસંદગી સગાવાદ-જૂથવાદને આધારે થઈ છે, પરિણામે સંનિષ્ઠ અને પાયાના કાર્યકરોની ધરાર અવગણના થઈ છે, જેનાથી કાર્યકરોમાં અસંતોષની આગ ભભૂકી છે. આ તરફ, મહાનગરપાલિકાથી માંડીને જિલ્લા-તાલુકા પંચાયતમાં શાસન હોવા છતાં ભાજપના શાસકો પાણી, રોડ, સફાઈ અને નાગરિક સુવિધાઓ જેવા મુદ્દાઓ લાંબા સમયથી ઉકેલી શક્યા નથી. આ જોતાં મતદારોમાં ભારે નારાજગી વ્યાપી છે, પરિણામે ઠેર-ઠેર ભાજપના ઉમેદવારોને કડવો અનુભવ થઈ રહ્યો છે.

નેતાઓને લોકો પુછી રહ્યા છે સવાલ

લોકો સવાલ પૂછી રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવારો પાસે વચન-વાયદા સિવાય કશું હોતું નથી. આ જોતાં અમદાવાદથી માંડીને સુરત સહિત દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રની સોસાયટીઓમાં ભાજપના ઉમેદવારોએ પ્રચાર અધૂરો મૂકીને ભાગવાનો વારો આવ્યો છે. ઘણી સોસાયટીઓની બહાર "ભાજપવાળાએ મત માંગવા આવવું નહીં" જેવા સૂત્રો સાથે બેનરો લગાવી દેવાયાં છે. લોકોનું એક જ કહેવું છે કે, વર્ષોથી ભાજપને વોટ આપ્યા પણ પ્રજાલક્ષી કામો તો થયા નથી. વિવિધ વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને મળી રહેલો જાકારો જ મતદારોનો મૂડ દર્શાવી રહ્યો છે. આ વખતે લોકોના પ્રશ્નો ચૂંટણીના મુખ્ય મુદ્દા બની રહ્યા છે, જેના કારણે પ્રચાર દરમિયાન તણાવ અને વિરોધના કિસ્સા જોવા મળી રહ્યા છે. આ બધી જ ઘટનાઓ ચૂંટણી પરિણામો પર અસરકારક પ્રભાવ પાડી શકે તેમ છે. આ વખતે ભાજપ ધારે છે એટલો જીતનો રસ્તો સરળ નથી.

મંત્રી મનીષા વકીલને લોકોએ ઘેર્યા, દહેગામના ધારાસભ્યને રસ્તામાં રોક્યા

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં આ જોવા મળ્યું. પ્રભારી મંત્રી મનીષા વકીલને ગ્રામજનોએ ઘેર્યા હતા. એટલું જ નહીં, ગામમાં વર્ષોથી વણઉકેલાયેલા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો, જેના લીધે મહિલા મંત્રી માટે જવાબ આપવાનું ભારે પડ્યું હતું. આ તરફ, મધુર રેરીનો મુદ્દો સળગી રહ્યો છે ત્યારે ગ્રામજનોએ દહેગામના ભાજપના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની કાર રોકી લોકોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ, મંત્રી અને ભાજપના ધારાસભ્યને પણ મતદારોનો કડવો અનુભવ થયો હતો.

મંત્રી સમાજનું કામ જ કરતાં નથી તો આપણું ક્યાંથી કરશે?

ટિકિટ ન મળતાં દાવેદારો ભાજપ પ્રદેશ નેતાગીરીથી ભારોભાર નારાજ છે. અમદાવાદ શહેર ભાજપના ગ્રુપમાં મહિલા કાર્યકરોએ આક્ષેપ કરી રોષ ઠાલવ્યો કે, મંત્રી સમાજનું કામ કરતા નથી તો બીજાની ક્યાં માંડવી? તેઓ વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરોને બદલે પૈસાવાળા અને માનીતાઓને ટિકિટ અપાઈ હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

શહેરી વિકાસ મંત્રીના વિસ્તાર અસારવામાં લોકોએ ઉમેદવારોને ભગાડ્યા

ગઈકાલે મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોએ ભગાડ્યા હતા. જ્યારે આજે શહેરી વિકાસ મંત્રીના મત વિસ્તાર અસારવામાં પણ ભાજપના ઉમેદવારોને પ્રચાર કરતા લોકોએ અટકાવ્યા હતા. એટલું જ નહીં, લોકોએ ભાજપના ઉમેદવારોને રોકડું પરખાવ્યું કે, પ્રજાના કામો કરવા નથી ને મત માંગવા નીકળી પડ્યા છો? શરમ નથી આવતી?

અસંતોષ ભલે ભભૂકે, કમલમને શ્રદ્ધા, ‘કમળ’ની જીત નિશ્ચિત

અમદાવાદ, શુક્રવાર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધારાસભ્ય અને ટિકિટ મુદ્દે નારાજગી વધી છે. વર્તમાન કોર્પોરેટરોના પત્તા કાપીને યુવા-નવા ચહેરાઓને તક અપાઈ છે જેના પગલે અસંતોષ ભભૂક્યો છે. જોકે, આ વિરોધ વંટોળ વચ્ચે પણ કમલમને પૂરેપૂરી શ્રદ્ધા છે કે ગમે તે થાય, જીત તો ભાજપની જ થશે. પ્રદેશ નેતાગીરીનું માનવું છે કે, ચૂંટણી આવે ત્યારે નારાજગી પ્રવર્તે તે સ્વાભાવિક છે. અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે અસંતોષ વચ્ચે પણ ચૂંટણીમાં ભાજપનો ભગવો જ લહેરાયો છે. ભાજપ પાસે એવી રાજકીય આવડત છે કે, વિરોધ વંટોળ વચ્ચે પણ EVM ભાજપના મતોથી છલકાઈ જાય.

‘ચોર લોકો છે, વોટની ભીખ માંગવા આવ્યા છે’ : સ્થાનિક અને ભાજપ કાર્યકરો વચ્ચે ઝપાઝપી

સુરત મ્યુનિ.ની ચૂંટણીમાં કતારગામ અને અડાજણ બાદ ઉધના વિસ્તારમાં પણ ભાજપ સામે રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર ૨૮માં ભાજપના ઉમેદવાર કાર્યકરો સાથે પ્રચાર માટે પહોંચ્યા ત્યારે, "આ ચોર લોકો છે, વોટની ભીખ માંગવા આવ્યા છે" તેવા આક્ષેપ સાથે હોબાળો મચ્યો હતો.

અમરાઈવાડીના ધારાસભ્યએ ટિકિટનો ‘વહીવટ’ કર્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટિકિટ મુદ્દે ભાજપમાં અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે. અમરાઈવાડી વિધાનસભા ભાજપના ગ્રુપમાં એવા મેસેજ વહેતા થયા છે કે, અમરાઈવાડીના ધારાસભ્યએ ટિકિટનો વહીવટ કર્યો છે અને માનીતાઓને ગોઠવી દીધા છે.