Ahmedabad: બાઈક ચાલકે કારને ટક્કર મારી વિવાદ ઊભો કર્યો, ઉગ્ર બોલાચાલીમાં હાથફેરો કરી 2.50 લાખ રોકડા લઈ ફરાર

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બે શખસે એક નવી તરકીબ અપનાવીને ચોરીને અંજામ આપ્યો છે. મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમોએ સૌપ્રથમ એક કારને સામાન્ય ટક્કર મારીને વાદ-વિવાદ ઊભો કર્યો હતો, જેથી કારચાલકનું ધ્યાન ભંગ થાય. કારચાલક બોલાચાલીમાં વ્યસ્ત થયો તે દરમિયાન, ચોરોએ નજર ચૂકવીને કારની અંદર મૂકેલો એક થેલો ચોરી લીધો હતો, જેમાં રૂપિયા 2,50,000 રોકડા સહિત ફરિયાદીના પાનકાર્ડ, આધારકાર્ડ અને બેંકની ચેકબુક જેવા અનેક મહત્વના દસ્તાવેજો હતા. આ ઘટના બાદ બંને આરોપીઓ તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, અને આ આખી ઘટના અંગેની ફરિયાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
શુ હતી ઘટના?
આ ચોરીની ઘટના અંગે મળેલી માહિતી પ્રમાણે, સાબરમતીના રહેવાસી ફરિયાદી અલ્પેશભાઈ સુખડીયા, જે નવરંગપુરા ખાતે 'કેપિટલ ટ્રાવેલ્સ'ની ઓફિસ ધરાવે છે, તેઓ ગત 6 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે 6.30 વાગ્યે પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા. જ્યારે તેઓ નારણપુરા ફાટક પાસે કપિલકુંજ સોસાયટીના ગેટ નંબર 1 સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પલ્સર જેવી મોટરસાયકલ પર આવેલા બે શખસોએ તેમની કારના પાછળના ભાગે જાણી જોઈને સામાન્ય ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ તરત જ આ બંને ઈસમોએ કારના કાચ પર જોરથી હાથ પછાડીને અલ્પેશભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરવાનું નાટક શરૂ કર્યું હતું.
બોલાચાલી દરમિયાન જ્યારે ફરિયાદી અલ્પેશભાઈએ કારનો ડાબી બાજુનો કાચ ખોલ્યો, તે જ સમયે મોટરસાયકલ પર પાછળ બેઠેલા શખસે તેમની નજર ચૂકવીને ચપળતાથી કારની આગળની સીટ પર મૂકેલો કાળા કલરનો થેલો ચોરી લીધો હતો. થેલો ચોરી થયા બાદ બંને ચોર શખ્સો તરત જ પોતાની મોટરસાયકલ લઈને ઉસ્માનપુરા રેલવે ક્રોસિંગ તરફ ભાગી ગયા હતા.
અઢી લાખ રોકડ સહિત દસ્તાવેજો ચોરાયા
ચોરાયેલા થેલામાં રૂપિયા 2,50,000 રોકડા, ICICI બેંકની ઓરીજનલ ચેક બુક, પાનકાર્ડ, આધારકાર્ડ, ડેબીટ કાર્ડ, તેમજ ઓફિસની ચાવીઓ જેવી કિંમતી વસ્તુઓ હતી. અલ્પેશભાઈએ ચોરોને પકડવા બૂમાબૂમ કરી હતી, પરંતુ તેઓ પકડાયા નહોતા. તેમણે પોલીસને આપેલા વર્ણન મુજબ, ચાલકે હેલ્મેટ પહેર્યું હતું, જ્યારે પાછળ બેઠેલા શખ્સે કાળું જેકેટ, વાદળી જીન્સ પહેર્યું હતું અને મોઢા પર કાળું મફલર બાંધેલું હતું. આ સમગ્ર મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

