Ahmedabad: ઓવરબ્રિજ અને રોડ બનાવવા 50 વર્ષ જૂના લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવાની મંજૂરી

અમદાવાદમાં ત્રણ સ્થળે ફ્લાય ઓવરબ્રિજ બનાવવા તથા એક સ્થળે આઈકોનિક રોડ બનાવવા 50 વર્ષ જૂના એવા લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવા મંજૂરી અપાઈ છે. શહેરનું ગ્રીન કવર વધારવાના બણગા ફૂંકનારા સત્તાધારી પક્ષના હોદ્દેદારો અને તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓને ન્યાયતંત્રની પણ પરવાહ ના હોય એ પ્રમાણે મંજૂરી અપાઈ રહી છે. 273 વૃક્ષો પૈકી નરોડા પાટિયા ફોરલેન ફલાય ઓવરબ્રિજ બનાવવા સૌથી વધુ 142 વૃક્ષો જડમૂળથી કાપી નાંખવામાં આવશે.આ પૈકી કેટલાક વૃક્ષો કપાવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.
40 લાખ રોપાં-વૃક્ષ વાવવા માટે 69 કરોડથી વધુનો ખર્ચ
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વર્ષ-2025-26માં શહેરના વિવિધ વિસ્તારમાં 40 લાખ રોપાં-વૃક્ષ વાવવા માટે 69 કરોડથી વધુનો ખર્ચ કરવામા આવ્યો હતો. શહેરમાં અત્યાર સુધીમાં ટ્રી-સેન્સસ કામગીરી અંતર્ગત 12 લાખથી વધુ વૃક્ષોની ગણતરી પુરી કરાઈ હોવાનો દાવો અધિકારીઓ કરી રહ્યા છે. આ પરિસ્થિતિની વચ્ચે આર.ટી.ઓ.સર્કલથી સાબરમતી ચાંદખેડા તરફના ચીમનભાઈ પટેલ બ્રિજની બાજુમાં ટોરેન્ટ પાવર તરફના બ્રિજને પહોળો કરી નવો રેલવે ઓવરબ્રિજ બનાવવા બ્રિજના એલાઈમેન્ટમાં આવતા 73 પૈકી પાંચ વૃક્ષને બચાવી નડતરરુપ 68 વૃક્ષોને દૂર કરવા 11 ડિસેમ્બરે કોર્પોરેશન તરફથી જાહેર હરાજી કરાશે.
ટ્રી પ્લાન્ટેશન પાછળ કરાયેલો ખર્ચ
| વર્ષ | રોપા (લાખમાં) | ખર્ચ (કરોડમાં) |
| 2019 | 11.58 | 1.94 |
| 2020 | 12.82 | 3.32 |
| 2021 | 12.82 | 7.39 |
| 2022 | 20.00 | 9.00 |
| 2023 | 20.00 | 30.00 |
| 2024 | 40.00 | 68.00 |
આ ઉપરાંત લૉ-ગાર્ડનથી પંચવટી જંકશન થઈ શેઠ સી.એન.વિદ્યાલય સુધી ફ્લાય ઓવર બ્રિજ બનાવવા નડતરરુપ 49 પૈકી હાલમાં ચાર વૃક્ષ બચાવી 17 વૃક્ષને જડમૂળથી કાપીને લઈ જવા જાહેર હરાજી કરવામાં આવશે. અમદાવાદની સતત પ્રદૂષિત બનતી જતી હવાના શુદ્ધિકરણ માટે પ્રયાસ કરવાના બદલે રાજકારણીઓ અને કોર્પોરેશનના અધિકારીઓ વર્ષો અગાઉ બાપદાદાએ જતન કરી ઉગાડેલા લીલાછમ વૃક્ષોનું નિકંદન કઢાવી રહ્યા છે, છતાં તેમનુ રૂવાડું પણ ફરકતુ નથી.
કયાં-કેટલા વૃક્ષો કપાશે?
ચીમનભાઈ બ્રિજ વાઈડનીંગ કામગીરી-68
પંચવટી જંક્શન ફ્લાય ઓવર કામગીરી-17
નરોડા પાટિયા ફ્લાય ઓવર કામગીરી-142
દહેગામ સર્કલ સુધી આઈકોનિક રોડ માટે-49
7થી 12 મીટર ઉંચાઈના કયા-કયા વૃક્ષો કપાશે?
ચીમનભાઈ બ્રિજ અને પંચવટી જંક્શન ફ્લાય ઓવર બ્રિજની કામગીરી માટે નડતરરુપ એવા 7થી 12 મીટર ઊંચાઈ ધરાવતા લીમડાના વૃક્ષો ઉપરાંત પીપળો, કણજી, અરડુસી, ગુંદી, સીસમ, ગોરસ આમલી, જાંબુડો તેમજ આસોપાલવ, બદામ, પેલ્ટફોમ, ઉમરો, આંબલી, કાઈજેલીયા, કરેંજ સહિતના વૃક્ષોનો સમાવેશ થાય છે.
ધારી રકમ ન મળતા ફરીથી હરાજી કરાશે
કોર્પોરેશનના ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન અમરિશ પટેલે ચીમનભાઈ પટેલ અને પંચવટી જંક્શન માટે નડતરરુપ વૃક્ષો કાપી નાંખવાની જાહેર હરાજીને મુદ્દે કહ્યું કે, અગાઉ આ વૃક્ષો કાપી નાંખવા હરાજી કરાઈ હતી. પરંતુ ધારી રકમ નહીં મળવાથી ફરીથી 11 ડિસેમ્બર 2025ના રોજ બગીચા ખાતાની રસાલા ગાર્ડન કચેરી ખાતે ફરીથી હરાજી કરાશે.
કોર્પોરેશને કયા વર્ષમાં કેટલા વૃક્ષો કાપ્યા?
| વર્ષ | વૃક્ષોની સંખ્યા |
| 2017 | 1068 |
| 2018 | 2243 |
| 2019 | 3143 |
| 2020 | 1003 |
| 2021 | 871 |
| 2022 | 1200 |
| 2023 | 1416 |

