અમદાવાદમાં AMTS બસ બેકાબૂ બની ડિવાઈડર પર ચડી, ડ્રાઈવર ફરાર થતા CCTVથી શોધખોળ શરૂ

અમદાવાદ શહેરમાં AMTSના ચાલકોની બેદરકારી અને બેફામ ડ્રાઈવિંગની ઘટના સામે આવતી હોય છે, ત્યારે શનિવારે (1 ઓગસ્ટ) એલિસબ્રિજ છેડે આવેલી દારૂબંધી અને આબકારી વિભાગની કચેરી નજીક AMTS બસ અચાનક રોડના સેન્ટ્રલ ડિવાઈડર પર ચડી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના બાદ પકડાઈ જવાના ડરે બસનો ડ્રાઈવર બસ ઘટનાસ્થળ પર જ મૂકીને રફુચક્કર થઈ ગયો હતો. જેને લઈને સ્થળ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
પ્રાથમિક માહિતી અનુસાર, AMTS બસ એલિસબ્રિજ તરફથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ધડાકાભેર રોડના મધ્યમાં આવેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં અન્ય કોઈ વાહન કે રાહદારી ઝપેટમાં આવ્યા ન હતા, જેથી એક મોટી દુર્ઘટના ટળી હતી.
ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર
અકસ્માત સર્જાયા બાદ તુરંત જ બસ ચાલક પોલીસ આવે તે પહેલાં જ વાહન છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ત્યારબાદ ક્રેન અને અન્ય મશીનરીની મદદથી ડિવાઈડર પર ફસાયેલી બસને ખસેડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
ડ્રાઈવર નશામાં હોવાની આશંકા પર પોલીસ તપાસ
પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત કયા કારણોસર સર્જાયો તે હજુ અસ્પષ્ટ છે. બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે ડ્રાઈવર દારૂ કે અન્ય કોઈ નશાકારક પદાર્થની અસર હેઠળ વાહન ચલાવી રહ્યો હતો, તે તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. હાલ પોલીસે બસ ચાલકને શોધવા CCTV ફૂટેજના આધારે વધુ તપાસ આગળ ધપાવી છે.

