Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AMC has a fleet of 3000 vehicles but not a single EV

Ahmedabad: AMCનો 3000 વાહનોનો કાફલો છતાં એક પણ EV નહીં; પ્રજાના પૈસે લહેર કરતા પદાધિકારીઓ ક્યારે સ્માર્ટ બનશે?

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: AMCનો 3000 વાહનોનો કાફલો છતાં એક પણ EV નહીં; પ્રજાના પૈસે લહેર કરતા પદાધિકારીઓ ક્યારે સ્માર્ટ બનશે?
સોર્સ : GSTV

આજે કોઈ પાનના ગલ્લે અને ચાની કીટલી પર પણ ઈલેક્ટ્રિક વાહનોની ચર્ચા ચાલતી હોય છે. પરંતુ સ્માર્ટ સિટીના અમદાવાદ અધિકારીઓ અને પદાધિકારીઓની ટૂંકી દ્રષ્ટિના લીધે તેને ક્યારે પોતાના વાહનોના કાફલામાં પેટ્રોલ-ડીઝલના બદલે ઈવી સામેલ કરવાનો સ્માર્ટ વિચાર આવ્યો નહીં! અમદાવાદ મ્યુનિસિપલ પાસે હાલ અધિકારીઓ, પદાધિકારીઓને અપાતી વૈભવી ગાડીઓ, ફિલ્ડમાં જવા માટે વપરાતી વાન સહિત કુલ ત્રણેક હજાર વાહનો છે. જેના પાછળ છેલ્લાં પાંચ વર્ષમાં એક કરોડ લીટર ઈંધણ અને 110 કરોડ રૂપિયાનો ધુમાડો કરાયો છે.

App Store

પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે ફિલ્ડ વિઝિટમાં જ કાપ મૂકવો પડે તેવી સ્થિતિ

અમદાવાદના મેયર, ડે. મેયર, પક્ષ નેતા, વિપક્ષ નેતા, સમિતિઓના ચેરમેન સહિતના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર, ડે. મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, ઈજનેર, આરોગ્ય સહિત વિવિધ વિભાગોના વડાને પ્રજાના પૈસે ઈનોવા અને અર્ટિગા જેવી વૈભવી કાર આપવામાં આવે છે. જેની કુલ સંખ્યા આશરે 600થી 700 છે. ઉપરાંત એન્ફોર્સમેન્ટ વાન, ડોર-ટુ-ડોર વાન સહિત શહેરમાં મ્યુનિસિપલના ત્રણેક હજાર વાહનો ફરી રહ્યા છે. જેમાં મ્યુનિસિપલની પોતાની માલિકીના અને કોન્ટ્રાક્ટર પરની એજન્સીઓ તથા ભાડે લેવાયેલા વાહનોનો સમાવેશ થાય છે. પરંતુ પોતાને એડવાન્સ ગણાવતા આ અધિકારીઓ અને પદાધિકારીઓમાંથી કોઈને પણ આજ સુધી ઈલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો નહીં. 

સ્માર્ટ સિટીના મ્યુનિસિપલ પાસે આજે એક પણ ઈવી નથી. ઉલટાનું દર વર્ષે મ્યુનિ.ના વાહનો દ્વારા 21 હજાર લિટર પેટ્રોલ-ડીઝલનો ધુમાડો કરાય છે. આજે ઈંધણની કટોકટી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા વડાપ્રધાન દ્વારા અપીલ કરાઈ છે. તેવામાં ઈવીના અભાવે હવે મ્યુનિ.ને ફિલ્ડ વિઝિટ ઘટાડવાનો વારો આવ્યો છે. જેનાથી શહેરના જરૂરી કામ પણ ખોરવાઈ શકે છે.

200 બીઆરટીએસ અને આઠ એએમટીએસ જ ઈલેક્ટ્રિક

જાહેર પરિવહનમાં પણ ઈવીનું પ્રમાણ માંડ 20થી 25 ટકા છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હાલમાં સરેરાશ 800 બસ ઓન રોડ દોડાવવામાં આવે છે. આ તમામ સીએનજી બસ છે. ઉપરાંત આઠ ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ છે. વધુ 50 ઈલેક્ટ્રિક બસ આવી રહી છે. બીઆરટીએસમાં હાલમાં 200 ઈલેક્ટ્રિક બસ છે. 50 સીએનજી બસ છે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા આપવામાં આવેલી 100 સીએનજી એસી બસ પણ બીઆરટીએસ દ્વારા ઓનરોડ દોડાવવામાં આવી રહી છે.

આસિસ્ટન્ટ કમિશનરોને અપાયેલી 20 ઈલેક્ટ્રિક કાર ભંગારમાં

ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા છ વર્ષ અગાઉ કોર્પોરેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો માટે વીસ ઈલેક્ટ્રિક કાર કોન્ટ્રાક્ટથી લેવામાં આવી હતી. દર મહિને પ્રતિ કાર કોર્પોરેશન 21 હજાર રૂપિયા ભાડું પણ ચૂકવતું હતું. ઓગસ્ટ-25માં કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા આ તમામ કાર હાલમાં જમાલપુરમાં આવેલા સેન્ટ્રલ વર્કશોપ ખાતે ધૂળ ખાય છે. કોઈ નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવતો નથી.