Ahmedabad: દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ કરતો આરોપી ઝડપાયો, કુલ ₹13.55 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા

અમદાવાદ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. દુબઈમાં રહીને સાઈબર ફ્રોડની ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા આરોપી દિલીપ ઉર્ફે મોનુ સિંધીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ અમદાવાદના એરપોર્ટ સર્કલ નજીક આવેલી એક હોટલમાંથી કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે દિલીપ ઉર્ફે મોનુ સિંધી તેના ભાઈ અને અન્ય સાગરિતો સાથે મળીને એક સુસંગઠિત સાઈબર ફ્રોડ સ્કીમ ચલાવતો હતો. આ ગેંગ દુબઈથી ભારત આવી લોકોને લોભલાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવતી હતી. આ એકાઉન્ટ્સનો ઉપયોગ ગેરકાયદે નાણાકીય વ્યવહારો માટે કરવામાં આવતો હતો. આરોપી મુંબઈથી નવા સિમકાર્ડ લઈને બેંક એકાઉન્ટમાં રજિસ્ટર કરાવતો અને ગૂગલ મેસેન્જર દ્વારા QR કોડ સ્કેન કરી એકાઉન્ટ્સ ઓપરેટ કરતો હતો.
આ ગુનાહિત પ્રવૃત્તિમાં 19 બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને કુલ ₹13.55 કરોડના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આ મામલે કચ્છના આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે SOGએ તપાસ શરૂ કરી હતી. આ ધરપકડથી સાઈબર ફ્રોડના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે, અને પોલીસ હવે આ ગેંગના અન્ય સભ્યોની શોધખોળમાં છે.

