સાહેબનો 50% હિસ્સો! કલેક્ટર કચેરીમાં ચાલતું હતું લાંચનું 'શેરબજાર', EDના હાથમાં આવ્યું લિસ્ટ

Ahmedabad news: ગુજરાતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવતા એક કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને તેમના મળતિયાઓ દ્વારા જમીનના પ્રીમિયમ અને CLU (Change of Land Use) ની પ્રક્રિયામાં જે રીતે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હતી, તેના પુરાવા હવે સત્તાવાર રીતે સામે આવ્યા છે.
PA અને નાયબ મામલતદારની કબૂલાત: ભ્રષ્ટાચારનું 'ગણિત'
ED દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં કલેક્ટરના અંગત સચિવ (PA) જયરાજસિંહ ઝાલા અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ પોપટની જેમ બધું જ સત્ય ઓકી દીધું છે. આ તપાસમાં સામે આવ્યું છે કે લાંચની રકમની વહેંચણી કોઈ કોર્પોરેટ ઓફિસની જેમ ચોક્કસ ટકાવારીમાં થતી હતી.
કોને કેટલો હિસ્સો મળતો હતો? (કબૂલાત મુજબ): તપાસ દરમિયાન નાયબ મામલતદાર મોરીએ સ્વીકાર્યું છે કે ભ્રષ્ટાચારની રકમ નીચે મુજબ વહેંચાતી હતી:
કલેક્ટર (રાજેન્દ્ર પટેલ): 50% (સૌથી મોટો હિસ્સો)
RAC (રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર): 25%
ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર): 10%
મામલતદાર: 10%
ક્લાર્ક: 5%
ચરણબદ્ધ પુરાવા: શીટ નંબર 1 થી 68
તપાસ એજન્સીને ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી અત્યંત મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. જેમાં 1 થી 68 નંબરની શીટ મળી છે. આ શીટમાં કઈ ફાઈલ ક્યારે આવી, કોની પાસેથી કેટલા રૂપિયા લીધા અને તેમાંથી કોને કેટલો હિસ્સો મોકલવામાં આવ્યો તેની તમામ વિગતો 'કોડ વર્ડ' અને સ્પષ્ટ આંકડાઓમાં નોંધાયેલી છે. આ ડાયરી અને શીટ હવે કલેક્ટર રાજેન્દ્ર પટેલ માટે મજબૂત પુરાવો બની ગઈ છે.
PA જયરાજસિંહ ઝાલાની ભૂમિકા
કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલાએ ED સમક્ષ સ્વીકાર્યું છે કે તેઓ કલેક્ટર વતી તમામ હિસાબ-કિતાબ સંભાળતા હતા. CLU ની મંજૂરી માટે આવતી ફાઈલોમાં રકમ નક્કી કરવી અને વહીવટ પૂરો થયા બાદ જ સહી કરાવવાની પ્રક્રિયા તેમની દેખરેખ હેઠળ થતી હતી. વધુમાં, 'ચેતન' નામના એક વ્યક્તિએ પણ ED સમક્ષ નિવેદન આપીને આ આખી સાંકળ કઈ રીતે કામ કરતી હતી તેની પુષ્ટિ કરી છે.
વહીવટી તંત્રમાં ફફડાટ
એક કલેક્ટર કક્ષાના અધિકારી સીધી રીતે 50% લાંચ લેતા હોવાની વિગતો બહાર આવતા મહેસૂલ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે. ED હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ રકમ ક્યાં રોકવામાં આવી છે. શું આ કાળાં નાણાંથી બેનામી મિલકતો ખરીદવામાં આવી છે?
શું છે સમગ્ર મામલો?
સુરેન્દ્રનગરમાં ખેતીની જમીનને NA (બિનખેતી) કરાવવાના મોટા પાયે ચાલેલા ખેલમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. આ કૌભાંડની ગંભીરતાને જોતા EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, સત્તાનો દુરુપયોગ કરીને કરોડોની જમીન બિનખેતી કરવાના બદલામાં મોટી રકમની લેતી દેતી થઈ હતી. આ મામલે અગાઉ સુરેન્દ્રનગર એસીબી (ACB)માં પણ ભ્રષ્ટાચાર નિરોધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગાંધીનગર સ્થિત નિવાસે EDના ધામા
આજે વહેલી સવારથી જ EDની ત્રણ અલગ-અલગ ટીમો રાજેન્દ્ર પટેલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કલાકો સુધી ચાલેલી સઘન પૂછપરછમાં અધિકારી સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા, જેના પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી છે.
અન્ય અધિકારીઓ પણ રડારમાં
માત્ર કલેક્ટર જ નહીં, પરંતુ આ કૌભાંડમાં સામેલ અન્ય કર્મચારીઓ સામે પણ સકંજો કસાયો છે. આ કેસમાં અગાઉ ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર), મયૂર ગોહિલ (કલેક્ટર ઓફિસ ક્લાર્ક) અને જયરાજસિંહ ઝાલા (કલેક્ટરના અંગત મદદનીશ) સામે પણ ગુના નોંધાયા હતા. રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ હવે આ કૌભાંડમાં અન્ય કયા મોટા માથાઓના નામ બહાર આવે છે તેના પર સૌની નજર છે.
સરકારે અગાઉ જ કરી હતી બદલી
કૌભાંડની ગંધ આવતા અને તપાસ શરૂ થતા જ રાજ્ય સરકાર દ્વારા રાજેન્દ્ર પટેલની સુરેન્દ્રનગરથી તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. જોકે, EDએ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના પાસાઓની તપાસ ચાલુ રાખી હતી, જેનો અંત આજે ધરપકડમાં પરિણમ્યો છે.

