VIDEO: અંબાજીમાં અબ્દુલ અને સુંદર મામા: પોષી પૂનમના ભવ્ય મહોત્સવની પૂર્વસંધ્યાએ સેલિબ્રિટી દર્શન!
VIDEO: ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી હાલ શાકંભરી નવરાત્રી અને માતાજીના આગામી પ્રાગટ્ય મહોત્સવના રંગે રંગાયું છે. આ પાવન અવસરે દેશભરમાં જાણીતી કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના લોકપ્રિય કલાકારો મયુર વાકાણી (સુંદર મામા) અને શરદ સાંખલા (અબ્દુલ) આજે અંબાજી પહોંચ્યા હતા. કલાકારોની હાજરીથી મંદિર પરિસરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
નવચંડી યજ્ઞમાં આહૂતિ અને ભાવપૂર્વક દર્શન
માતાજીના દર્શન કર્યા બાદ, મંદિર ટ્રસ્ટ દ્વારા બંને કલાકારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ ચાચર ચોકમાં આવેલી હવનશાળામાં ચાલી રહેલા નવચંડી હવનમાં જોડાયા હતા. બંને કલાકારોએ શ્રદ્ધાપૂર્વક યજ્ઞમાં આહુતિ આપી વિશ્વ કલ્યાણ અને ભક્તોના સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
પોષી પૂનમ અને પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય તૈયારીઓ
આવતીકાલે, તા. 03/01/2026, શનિવાર ના રોજ પોષ સુદ પૂનમના પવિત્ર દિવસે માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ મહોત્સવ અંતર્ગત આયોજિત કાર્યક્રમોની વિશેષતાઓ નીચે મુજબ છે:
મહાશક્તિ યાગ: ચાચર ચોકમાં 101 યજમાનો દ્વારા ભવ્ય મહાયજ્ઞ કરવામાં આવશે.
ભવ્ય શોભાયાત્રા: શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા અંબાજી નગરમાં માતાજીની સવારી સાથે વિશાળ શોભાયાત્રા નીકળશે.
2100 કિલો સુખડીનો પ્રસાદ: ભક્તો માટે ખાસ 2100 કિલો સુખડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.
શાકોત્સવ અન્નકૂટ: માં જગદંબાને વિવિધ પ્રકારના શાકભાજીથી સજ્જ શાકોત્સવ યુક્ત અન્નકૂટ અર્પણ કરવામાં આવશે.
કલાકારોનો ભક્તોને સંદેશ
દર્શનાર્થે આવેલા મયુર વાકાણી અને શરદ સાંખલાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, માં અંબાના ધામે આવીને તેઓ ધન્યતા અનુભવે છે. તેમણે દેશ-વિદેશમાં વસતા તમામ શ્રદ્ધાળુઓને પોષી પૂનમના પાવન અવસરે અંબાજી પધારવા અને માતાજીની શોભાયાત્રા તેમજ મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું.

