Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Anti-social elements go wild in Himmatnagar, break windows of vehicles in societies late at night, entire incident captured on CCTV

VIDEO: હિંમતનગરમાં અસામાજિક તત્વો બેફામ, મોડી રાત્રે સોસાયટીઓમાં ગાડીઓના કાચ ફોડ્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Timeછેલ્લું અપડેટ : 02 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો હોય તેમ જણાય છે. ગત મોડી રાત્રે શહેરના શાંત ગણાતા રહેણાંક વિસ્તારોમાં અજ્ઞાત તત્વોએ આતંક મચાવી પાર્ક કરેલી ગાડીઓમાં તોડફોડ કરી હતી, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
 
મળતી વિગતો અનુસાર, હિંમતનગર શહેરની નૂતન વિહાર સોસાયટી અને રાયકા નગર વિસ્તારમાં મોડી રાત્રે તોડફોડની ઘટના બની હતી. મોટર સાયકલ પર સવાર થઈને આવેલા બે અજાણ્યા યુવાનોએ રસ્તા પર પાર્ક કરેલી બે મોંઘીદાટ ગાડીઓને નિશાન બનાવી હતી. આ અસામાજિક તત્વોએ પથ્થર કે અન્ય હથિયાર વડે ગાડીઓના કાચ ફોડી નાખ્યા હતા અને ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયા હતા. 

App Store

પોલીસકર્મીના પરિવારની ગાડીને પણ નિશાન બનાવી
નવાઈની વાત એ છે કે, આ તત્વોને કાયદાનો જરા પણ ડર રહ્યો હોય તેમ લાગતું નથી. તોડફોડનો ભોગ બનેલી ગાડીઓ પૈકી એક ગાડી ખુદ એક પોલીસકર્મીના ભાઈની હોવાનું સામે આવ્યું છે. રહેણાંક વિસ્તારમાં ઘૂસીને આ રીતે નુકસાન પહોંચાડવાની ઘટનાથી લોકોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.

સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
આ સમગ્ર ઘટના વિસ્તારમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે યુવાનો મોટર સાયકલ પર આવે છે અને પળવારમાં ગાડીઓના કાચ ફોડીને ત્યાંથી નાસી છૂટે છે. આ ફૂટેજ હવે પોલીસ તપાસમાં મહત્વનો પુરાવો સાબિત થઈ શકે છે.

પોલીસ કાર્યવાહીની તજવીજ
ઘટનાને પગલે વહેલી સવારથી જ સોસાયટીના રહીશો એકઠા થઈ ગયા હતા. ભોગ બનનાર વાહન માલિકો દ્વારા આ મામલે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રહીશોની માંગ છે કે સીસીટીવી ફૂટેજના આધારે આ તત્વોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે. હિંમતનગર જેવા વિકસતા શહેરમાં ધોળા દિવસે કે મોડી રાત્રે બનતી આવી ઘટનાઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલિયા નિશાન ઉભું કરે છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ ગઠિયાઓને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.