Sensex today: શેરબજારમાં વર્ષ 2026ના પહેલા દિવસે ફલેટ કારોબાર, આ શેર્સમાં ભારે કડાકો જોવા મળ્યો, જાણો કારણ

Sensex today: નવા વર્ષના પહેલા દિવસે ભારતી શેરબજારમાં સપાટ કારોબાર જોવા મળ્યો હતો. 1 જાન્યુઆરી, 2026ના રોજ બીએસઈ (BSE) સેન્સેક્સ 32.00 પોઈન્ટ્સ (0.04%)ના સામાન્ય ઘટાડા સાથે 85,188.60 પોઈન્ટ્સ પર બંધ થયો હતો. જ્યારે, એનએસઈ (NSE)નો નિફ્ટી-50 ઈન્ડેક્સ 16.95 પોઈન્ટ્સ (0.06 ટકા)ના હળવા ઉછાળા સાથે 26,146.55 પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. આજથી સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો પર કામચલાઉ લેવીને બદલે કાયમી એક્સાઇઝ ડ્યૂટી લાગુ કરવામાં આવી છે, જેના કારણે તમાકુ કંપની આઈટીસી (ITC)ના શેરમાં આજે લગભગ 10 ટકા જેટલો મોટો કડાકો નોંધાયો હતો. ITCમાં આજના આ મોટા ઘટાડાએ સેન્સેક્સના દેખાવ પર ખરાબ અસર પાડી હતી, જેના કારણે આજે સેન્સેક્સ લાલ નિશાનમાં બંધ થયો હતો.
NTPCના શેરમાં શાનદાર તેજી
અઠવાડિયાના ચોથા દિવસે ગુરુવારે સેન્સેક્સની 30માંથી 22 કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની તમામ 8 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. તેવી જ રીતે, આજે નિફ્ટી-50ની 50 માંથી 38 કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા અને બાકીની તમામ 12 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા. આજે સેન્સેક્સની કંપનીઓમાં સામેલ NTPCના શેર સૌથી વધુ 2.08 ટકાના વધારા સાથે બંધ થયા હતા અને ITCના શેર સૌથી વધુ 9.69 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
મહિન્દ્રા સહિત આ કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા
સેન્સેક્સની અન્ય કંપનીઓમાં આજે એટર્નલના શેર 2.05 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.40 ટકા, એલએન્ડટી 1.38 ટકા, પાવરગ્રીડ 1.23 ટકા, ટાટા સ્ટીલ 1.00 ટકા, ટેક મહિન્દ્રા 0.98 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.95 ટકા, ઈન્ફોસિસ 0.81 ટકા, અદાણી પોર્ટ્સ 0.78 ટકા, એચસીએલ ટેક 0.68 ટકા, ટીસીએસ 0.66 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.60 ટકા, સન ફાર્મા 0.41 ટકા, ટ્રેન્ટ 0.40 ટકા, રિલાયન્સ 0.35 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.33 ટકા, એક્સિસ બેંક 0.31 ટકા, એસબીઆઈ 0.25 ટકા, ભારતી એરટેલ 0.21 ટકા અને મારુતિ સુઝુકીના શેર 0.15 ટકાના વધારા સાથે બંધ થયા હતા.
નવા વર્ષે આ શેરોમાં નુકસાન થયું
બીજી તરફ, ગુરુવારે બજાજ ફાયનાન્સના શેર 1.46 ટકા, એશિયન પેઈન્ટ્સ 0.63 ટકા, બીઈએલ (BEL) 0.50 ટકા, આઈસીઆઈસીઆઈ (ICICI) બેંક 0.42 ટકા, ટાઈટન 0.19 ટકા, બજાજ ફિનસર્વ 0.14 ટકા, એચડીએફસી (HDFC) બેંક 0.10 ટકા અને ટાટા મોટર્સના શેર 0.13 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

