નડિયાદ રેલવે સ્ટેશન પરથી 4 કરોડના સોનાની લૂંટનો પર્દાફાશ, PI સહિતની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી 4 આરોપીઓને પકડ્યા

અમદાવાદ ગ્રામ્ય પોલીસે નડિયાદ રેલવે સ્ટેશન ખાતે થયેલી આશરે રૂ.4 કરોડની કિંમતના સોનાની લૂંટનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 2.90 કિલો સોનું અને લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી બે કાર જપ્ત કરી છે.
વિરમગામ આરોપી હોવાની બાતમી મળી
મળતી માહિતી મુજબ, કલકત્તાની ગ્રો મોર બુલિયન કંપનીનું સોનું કલકત્તાથી અમદાવાદ લાવવામાં આવી રહ્યું હતું. નડિયાદ રેલવે સ્ટેશન પર કર્મચારીઓ ફૂટ ઓવરબ્રિજ પરથી સોનાનો જથ્થો લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમને પાડી દઈ સોનાની લૂંટ કરી હતી. ત્યારબાદ આરોપીઓ બલેનો અને ટિયાગો કારમાં ફરાર થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાં અમદાવાદ ગ્રામ્ય LCBએ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. નડિયાદથી અમદાવાદના રૂટ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. દરમિયાન પોલીસને આરોપીઓની કારની ઓળખ મળી હતી અને વિરમગામ-સચાણા તરફ આરોપીઓ હોવાની માહિતીના આધારે પોલીસ ટીમોએ પીછો કર્યો હતો.
PI એસ.એ. ગઢવીએ ફિલ્મી ઢબે આરોપીઓને પકડ્યા
પોલીસે ટ્રક અને અન્ય વાહનો રસ્તા પર આડા મૂકી આરોપીઓની કારને ઘેરી લીધી હતી. આ દરમિયાન PI એસ.એ. ગઢવી ચાલુ કારમાં ઘૂસી ગયા હતા. આરોપીઓએ કાર ભગાવવાનો પ્રયાસ કરતાં PI ગઢવી આશરે 500 મીટર સુધી ઘસડાયા હતા. તેમ છતાં તેમણે કારનું સ્ટિયરિંગ પોતાના કાબૂમાં લઈ હેન્ડબ્રેક ખેંચી કાર રોકી હતી અને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
4 આરોપીઓની ધરપકડ
પોલીસે આકાશ પ્રજાપતિ, કિરણ ચૌધરી, દશરથ પ્રજાપતિ અને સાવન ચૌધરીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, સાવન ચૌધરી અગાઉ આ કંપનીમાં નોકરી કરતો હતો. ફરિયાદી આરોપીઓ પૈકીના એકને ઓળખતો હોવાથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી હતી.
દિયોદરમાં ઘડાયો હતો લૂંટનો પ્લાન
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપીઓએ લૂંટનો પ્લાન આશરે ચાર મહિના પહેલા બનાવ્યો હતો. દિયોદરમાં સાવનના પાન પાર્લર પર આરોપીઓની બેઠક યોજાઈ હતી અને ત્યાં લૂંટની યોજના ઘડવામાં આવી હતી. લૂંટ બાદ આરોપીઓ સોનાનો જથ્થો લઈને ફરાર થઈ રહ્યા હતા. પોલીસે બલેનો કારની સીટના કવર અંદર છુપાવવામાં આવેલું આશરે રૂ.4 કરોડનું સોનું રિકવર કર્યું છે. હાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર લૂંટકાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

