Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 3 accused including the mastermind who became a civil bogus purchase officer and committed fraud with AI arrested

સિવિલના બોગસ પર્ચેઝ ઓફિસર બની AI થી ઠગાઈ આચરનાર માસ્ટરમાઈન્ડ સહિત ૩ આરોપીઓ ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સિવિલના બોગસ પર્ચેઝ ઓફિસર બની AI થી ઠગાઈ આચરનાર માસ્ટરમાઈન્ડ સહિત ૩ આરોપીઓ ઝડપાયા
સોર્સ : gstv

અમદાવાદ સિવિલ હોસ્પિટલના પર્ચેઝ ઓફિસરની બોગસ ઓળખ આપી તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને નકલી ઓર્ડર બનાવી વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગનો સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસે પર્દાફાશ કર્યો છે. ગ્રીન પ્લાસ્ટિક બેગના ઉત્પાદક પાસેથી GeM પોર્ટલ મારફતે સરકારી ઓર્ડર અપાવવાની લાલચ આપીને વિવિધ સર્ટિફિકેટ્સ અને EMD ડિપોઝિટના બહાને 9.60 લાખ રૂપિયા પડાવી લેનાર માસ્ટરમાઇન્ડ સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

App Store

બાળપણના મિત્રોએ ઘડ્યું ઠગાઈનું નેટવર્ક

પોલીસે ગણતરીના સમયમાં જ દરોડો પાડીને મુખ્ય માસ્ટરમાઇન્ડ રાહુલ શર્મા અને તેના બે સાગરીતો અમન કુશવાહા તથા વિપુલ તોમરની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના વતની છે, પરંતુ લાંબા સમયથી અમદાવાદના મેઘાણીનગરમાં રહે છે અને બાળપણથી મિત્રો છે.

મુખ્ય આરોપી રાહુલ શર્મા અગાઉ 3 વર્ષ સુધી કન્સલ્ટન્સી સર્વિસીસમાં કામ કરી ચૂક્યો હોવાથી તેને સરકારી પોર્ટલ્સની પ્રક્રિયાઓ અને જરૂરિયાતો વિશે ઊંડી માહિતી હતી. તે ઓનલાઈન પરથી પ્લાસ્ટિક બેગ મેન્યુફેક્ચરર્સના નંબરો શોધતો અને AI સાધનોનો ઉપયોગ કરીને હૂબહૂ સાચા જેવા દેખાતા ફેક પર્ચેઝ ઓર્ડર અને સરકારી આઈ-કાર્ડ બનાવીને વેપારીઓને વોટ્સએપ પર મોકલી ફસાવતો હતો.

સર્ટિફિકેટ અને EMDના નામે 9.60 લાખ પડાવ્યા

ગ્રીન બાય-પ્રોડક્ટ પ્લાસ્ટિક બેગ બનાવતી કંપની ધરાવતા વેપારીનો વોટ્સએપ પર સંપર્ક કરી આરોપીએ પોતાની ઓળખ સિવિલ હોસ્પિટલના પર્ચેઝ ઓફિસર તરીકે આપી હતી. સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ગ્રીન પ્લાસ્ટિક બેગની જરૂરિયાત હોવાનું કહી સરકારી ઈ-પ્રોક્યોરમેન્ટ (GeM) પોર્ટલ દ્વારા પર્ચેઝ ઓર્ડર આપવાના બહાને કોટેશન મંગાવ્યું હતું.

ત્યારબાદ પ્રક્રિયા આગળ વધારવાના બહાને વેપારી પાસેથી ZED સર્ટિફિકેટ, CPCP સર્ટિફિકેટ અને OEM સર્ટિફિકેટ કઢાવી આપવાના નામે 15000 થી 40000 રૂપિયા સુધીની રકમ પડાવવામાં આવી હતી. વેપારી પાસે NEAC સર્ટિફિકેટ ન હોવાથી તે કઢાવવા અને અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD) નામે અલગ-અલગ બહાને કુલ 9.60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરી હતી.

અન્ય વિસ્તારોના વેપારીઓને પણ બનાવ્યા ભોગ

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ત્રિપુટીએ અત્યાર સુધીમાં ફરિયાદી સહિત કુલ 6 જેટલા વેપારીઓ સાથે આ પ્રકારે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. આરોપીઓ સામે રખિયાલ અને ચાંગોદર વિસ્તારના વેપારીઓ સાથે પણ આશરે 18 લાખ રૂપિયાની ઠગાઈ કરવા બદલ ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરીને વધુ વિગતો મેળવવાની કવાયત શરૂ કરી છે.