Ahmedabad news: સાણંદ તાલુકામાંથી નશાકારક કફ સીરપની 2520 બોટલ સાથે અમદાવાદના 2 શખ્સો ઝડપાયા

રાજ્યના સાણંદ તાલુકામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સાણંદ તાલુકાના મટોડા ગામમાં નશાકારક કફ સીરપની ૨૫૨૦ બોટલ સાથે અમદાવાદના બે શખ્સ ઝડપાયા છે. પોલીસે રૂ.૪.૧૫ લાખની કફ સીરપ સહિત ૮.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાંગોદર પોલીસ મથકે પાંચ શખ્સ સામે ગુનો નોંધાયો છે.
ચાંગોદર પોલીસે બે શખ્સોની ધરપકડ કરી
સાણંદ તાલુકાના મટોડા ગામમાં રહેતા સીજલો ચુનારા તથા ટીનો ચુનારાએ અમદાવાદના પ્રદિપ કનોજીયા પાસેથી પ્રતિબંધિત નશાકારક કોડેઇન યુક્ત કફ સીરપની બોટલ મંગાવી છે તેવી બાતમીના આધારે ચાંગોદર પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે જોગણી માતાની ડેરી પાસેથી નરોડાથી આવેલી ઇનોવા ગાડી (જીજે-૧૮-બીએ-૬૧૭૧)માંથી એફએસએલ અધિકારીની હાજરીમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન કોડેઈનયુક્ત કફસિરપની ૨૫૨૦ બોટલ મળી આવી હતી.
કફ સીરપની ૨૫૨૦ બોટલ સહિત કુલ ૮,૧૬,૮૦૦/-ના મુદ્દામાલ દબોચ્યો
પોલીસે કફ સીરપની ૨૫૨૦ બોટલ સહિત કુલ ૮,૧૬,૮૦૦/-ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપ્યા છે. બન્ને શખ્સોની ઓળખ પ્રદિપ પ્રમોદભાઇ કનોજીયા અને રાકેશકુમાર બુધાલાલ ગજેરા તરીકે થઈ છે. તો બીજી તરફ ત્રણ શખ્સો સામે પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, સીજલો રસીકભાઈ ચુનારા, ટીનો ઉર્ફે રાજેશભાઈ ચુનારા અને જસબીર શેખ સામે પોલીસેએનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

