મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કબૂતરબાજોમાં ફફડાંટ / ગુજરાતના 1,700 સહિત ભારતના 3,500 એજન્ટ્સ EDની રડારમાં

અમેરિકાએ 104 ગેરકાયદે ભારતીય વસાહતીઓને હાથકડી અને પગમાં સાંકળ પહેરાવીને અપમાનજનક રીતે

કબૂતરબાજોમાં ફફડાંટ / ગુજરાતના 1,700 સહિત ભારતના 3,500 એજન્ટ્સ EDની રડારમાં
અમેરિકાએ 104 ગેરકાયદે ભારતીય વસાહતીઓને હાથકડી અને પગમાં સાંકળ પહેરાવીને અપમાનજનક રીતે ભારત તગેડી મૂક્યા છે અને આ મુદ્દે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે. વિપક્ષે સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડતા એજન્ટોના નેટવર્કનો ઘટસ્ફોટ કર્યો છે. ઈડીએ કહ્યું કે, તે અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસનારા 4200 ભારતીયોની તપાસ કરી રહી છે અને 8500 નાણાકીય વ્યવહારો પર તેની ચાંપતી નજર હોવાનું કહ્યું હતું.   એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેનેડાની સરહદે ડિંગુચા ગામના એક જ પરિવારના ચાર લોકોના મોતના પગલે 2023માં નોંધેલી એફઆઈઆરને ધ્યાનમાં લઈને એન્ટી-મની લોન્ડરિંગ કાયદા હેઠળ તેમણે તપાસ હાથ ધરી હતી, જેમાં ગુજરાતથી કેનેડા સ્થિત વિવિધ કોલેજોમાં કરાયેલા 8500થી વધુ નાણાકીય વ્યવ્હારો શંકાસ્પદ હોવાનું જણાયું છે.    ગુજરાત અને પંજાબ સ્થિત એજન્ટો વિરુદ્ધ ચાલી રહેલી તપાસ હેઠળ ઈડીને ભારતીયોને કેનેડા મોકલવા અને ત્યાંથી અમેરિકા લઈ જવા સંબંધિત 4000થી વધુ શંકાસ્પદ લેવડ-દેવડ મળી છે. આ એજન્ટ્સ નિયમિતરૂપે અલગ અલગ માર્ગથી લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલે છે.    અધિકારીઓએ જણાવ્યું કે, વિદેશમાં ભંડોળ મોકલતી કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ પર તેની ચાંપતી નજર છે. ઈડીએ એક વર્ષમાં 35 દરોડા પાડયા હતા અને રૂ. 92 લાખની સંપત્તિ જપ્ત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે 104 ભારતીયોને અમેરિકામાંથી કાઢી મૂકતા આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે.    ઈડીની તપાસમાં જણાયું છે કે, અનેક એજન્ટોએ અમેરિકામાં ભારતીયોને ગેરકાયદે રીતે ઘૂસાડવા માટે શિક્ષણનો માર્ગ અપનાવ્યો છે. તેના હેઠળ અમેરિકા જવા ઈચ્છતા ભારતીયોને કેનેડાની કોલેજોમાં પ્રવેશ અપાવાય છે. આ પ્રવેશના આધારે તેમને કેનેડાના વિઝા મળે છે અને તેઓ ભારતથી કેનેડા પહોંચી જાય છે, પરંતુ આ વિદ્યાર્થીઓ ક્યારેય કોલેજ જતા નથી અને કેનેડામાં એજન્ટો દ્વારા જમીન માર્ગે અમેરિકા પહોંચે છે.   તપાસ એજન્સીએ કહ્યું કે, તેની તપાસમાં જણાયું છે કે ગુજરાતમાં અંદાજે 1700 એજન્ટ્સ અને સમગ્ર ભારતમાં અંદાજે 3500 એજન્ટ્સ ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવાનું કામ કરતા હોવાનું મનાય છે, જેમાંથી 800 એક્ટિવ છે. આ સિવાય કેનેડામાં 112 કોલેજોએ એક કંપની અને અન્ય કંપની સાથે 150થી વધુ કોલેજો સાથે વિદ્યાર્થીઓના પ્રવેશ માટે કરાર કર્યા છે. જેમને પાછળથી ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસાડવામાં આવે છે.   ઈડીની તપાસ રિપોર્ટમાં કહેવાયું છે કે તપાસ દરમિયાન જણાયું કે, કેનેડા સ્થિત કોલેજોને ફીની ચૂકવણી એબિક્સકેશના માધ્યમથી કરાતી હતી, જે નાણાકીય સર્વિસ કંપની છે અને વિદેશમાં નાણાં મોકલવાની સુવિધા પૂરી પાડે છે. એબિક્સકેશની પૂછપરછ કરતા જણાયું કે, 7 ડિસેમ્બર 2021થી 9 ઑગસ્ટ 2024 સુધી ગુજરાતના વિદ્યાર્થીઓ તરફથી કેનેડા સ્થિત વિવિધ કોલેજોમાં 8500માંથી લગભગ 4300ની ડુપ્લિકેટ લેવડદેવડ થઈ હતી, જે દર્શાવે છે કે એક જ વ્યક્તિ સાથે બે વખત લેવડ-દેવડ થઈ હતી. ઈડીને શંકા છે કે આ એક જ મોડસ ઓપરેન્ડીથી 370 લોકો ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા.

આ સમાચાર શેર કરો