વડોદરામાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં નાના બાળક સાથે અત્યાચાર મામલે ડોક્ટરને ફટકારાઈ નોટિસ
વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં એક સંસ્થામાંથી બાળકોને ધમકાવવાનો મામલો સામે આવ્યો

વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં એક સંસ્થામાંથી બાળકોને ધમકાવવાનો મામલો સામે આવ્યો હતો. વડોદરામાં ન્યૂ હોરાઈઝન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સંસ્થામાં દિવ્યાંગ બાળકોને ડરાવવા ધમકાવવાનો મામલો સામે આવ્યો છે. સ્પીચ થેરાપીના નામે બાળક પર અત્યાચાર ગુજારવાનો માતાપિતા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાના વીડિયો પણ વાઇરલ થયા હતા.
સેન્ટરના હેડ ડો.મીરા અને પૂજાને ફટકારાઈ નોટિસ
આ મામલે પોલીસ દ્વારા ડો. મીરા અને પૂજાને નોટિસ પાઠવવામાં આવી છે. નોટીસને આધિન જવાબ લખાવવા માટે મકરપુરા પોલીસે ફરમાન મોકલ્યું છે. જુવિનાઈલ જસ્ટિસ એક્ટ મુજબ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તેમજ હોરાઈઝન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે સિક્યોરિટી તૈનાત કરવામાં આવી છે. પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
શહેરના એક વેપારીનો 4 વર્ષનો દીકરો ઓછું બોલતો હતો. તેની ઉંમરના બાળકો સાથે તે યોગ્ય રીતે વાતચીત અને દોસ્તી પણ કરતો નહતો. જેથી, તેને 25 ફેબ્રુઆરીએ પ્રતાપનગર પોલીસ હેડ ક્વાટર્સની સામે આવેલા ન્યૂ હોરિઝોન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂકાયો હતો. જે સેન્ટરના હેડ મીરાબેન છે. ગત 15 ફેબ્રુઆરીએ માતા-પિતા પુત્રને સેન્ટર પર મૂકવા ગયા ત્યારે તે ખૂબ જ રડતો હતો. પરંતુ, રૂમમાં અંદર ગયા પછી થોડીવારમાં તે ચૂપ થઈ ગયો હતો. ક્લાસ પૂરો થયા પછી પુત્રને લઈને માતા-પિતા કારમાં પરત જતા હતા. તે સમયે દીકરાએ માતાને કહ્યું કે, 'મેડમ બહોત ગુસ્સે મેં થી ઔર મુજે મારા.' જેથી, માતાએ મીરા મેડમને પૂછ્યું તો તેમણે આવું કંઈ થયું હોવાની ના પાડી હતી. માતાએ સીસીટીવી કેમેરા જોવાનું કહેતા મેડમે એવો જવાબ આપીને વાત ટાળી દીધી કે, તેનું એક્સેસ મુંબઈ હેડ ઓફિસમાં છે એટલે બેથી ત્રણ દિવસ લાગશે.
માતા-પિતાએ સીસીટીવી જોતા તેઓ ચોંકી ઉઠ્યા
ત્રણ દિવસ પછી માતા-પિતાએ સીસીટીવી જોતા તેઓ ચોંકી ગયા હતા. મીરા મેડમે તેમના દીકરાને પટકારીને ખૂણામાં બેસાડી દીધો હતો. ત્યારબાદ તેઓ બાળકના પગ પર બેસી ગયા હતા અને તેના મોંઢા પાસે જઈ ડરાવી ધમકાવ્યો હતો. તેમજ તેમનો બાળક જ્યારે રૂમમાં ગયો ત્યારે પૂજા મેડમ ઝૂલા ઝૂલતા હતા. પરંતુ, તેમણે કોઈ ધ્યાન નહતું આપ્યું. ઉપરોક્ત આક્ષેપ કરતી ફરિયાદના આધારે મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.





