Video: 42 કરોડના રોડની દરખાસ્ત પરત, દાણાપીઠ ફાયર સ્ટેશનના નવીનીકરણ પર બ્રેક

અમદાવાદમાં પ્રિસન્ટ રોડના મામલે એએમસીએ હવે તકેદારી દાખવી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં બનનારા પ્રિસન્ટ રોડની દરખાસ્ત પરત કરવામાં આવી છે અને રોડ કમિટીએ વરસાદી પાણીના નિકાલ અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે. રોડ બન્યા બાદ તેની પહોળાઈમાં કોઈ ફેરફાર થશે કે કેમ તે અંગે પણ ખુલાસો માગવામાં આવ્યો છે. અગાઉ મીઠાખળી વિસ્તારમાં રોડની પહોળાઈ ઓછી થવાની શક્યતાને પગલે પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કામગીરી અટકાવી હતી. હવે માનસી સર્કલથી વસ્ત્રાપુર તળાવ, સજીવણી હોસ્પિટલ થઈ હિમાલયા મોલ સુધી અંદાજે 42 કરોડ 32 લાખ રૂપિયાના ખર્ચે બનનારા પ્રિસન્ટ રોડની દરખાસ્ત પર ફરી વિચારણા થશે. દાણાપીઠ ફાયર સ્ટેશનના નવીનીકરણની દરખાસ્ત પર હાલ બ્રેક લાગી છે. વર્ષ 2022માં અંદાજે 100 કરોડ રૂપિયાના ખર્ચે લોકાર્પણ કરાયેલા ફાયર સ્ટેશનના નવીનીકરણ માટેની દરખાસ્તમાં રોડ કમિટીએ વધુ સ્પષ્ટતા માગી છે. નિર્ધારિત 24 મહિનાની સમયમર્યાદા સામે કોન્ટ્રાક્ટરે વધુ 26 મહિનાનો સમય માગ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત લોખંડ અને સ્ટીલના ભાવમાં વધારાને કારણે ખર્ચના તફાવત અંગે પણ સવાલો ઊભા થયા છે.




