મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / જયારે મોહનદાસ ગાંધીનું મોબ લીન્ચિંગ થયું!

- ઇતિહાસ ગાથા આ વાત છે ગાંધીજી ‘મહાત્મા’ નહોતા બન્યા ત્યારની. ગાંધીજી દક્ષિણ

શતરંગ / જયારે મોહનદાસ ગાંધીનું મોબ લીન્ચિંગ થયું!

- ઇતિહાસ ગાથા

આ વાત છે ગાંધીજી ‘મહાત્મા’ નહોતા બન્યા ત્યારની. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા અને ત્યાં ભારતીયોના અધિકારો માટે લડ્યા એ વાત તો જગજાહેર છે. આફ્રિકામાં પીટર મારિત્ઝ્બર્ગ ખાતેના રેલવે સ્ટેશને તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં તેઓને ડબ્બામાંથી ઉતારી દેવામાં આવ્યા. આ ઘટનાની જાણ બધાને છે. પણ એક ઓછો જાણીતો પ્રસંગ એ છે કે તેમના પર એક ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો અને તેઓ માંડ માંડ બચ્યા હતા.  

અમેરિકન લેખક અને ગાંધીજીથી પ્રભાવિત એવા જેમ્સ ડગ્લાસે તેમના પુસ્તક 'Gandhi The Unspeakable'માં આ ઘટનાને સંદર્ભો સાથે વિસ્તૃત રીતે નોંધી છે. પુસ્તકની શરૂઆતમાં જ તેઓ ગાંધીજીનું આ વિધાન ટાંકે છે- ‘જેમ હિંસાની તાલીમમાં એક વ્યક્તિ માટે બીજાને મારવાની કળા શીખવાનું જરૂરી છે, એવી જ રીતે અહિંસાની તાલીમમાં જરૂરી છે જાતે મરવાની કળા શીખવાનું.’ અત્યંત સામાન્ય લાગતા આ એક વિધાનમાં જ ગાંધીજીની સમગ્ર ફિલસૂફી સમજાઈ જાય એટલી ગહન વાત છે. હત્યાને જો એક કળા કહીએ તો હત્યારા સામે નિર્ભયતાથી ઊભા રહેવું કે પોતાના સિદ્ધાંતો માટે જાન કુરબાન કરવા માટે તૈયાર રહેવું એ એનાથી પણ મોટી અને મહાન કળા છે. પહેલી કળા માટે તમારે જંગલિયતની સીમાઓ ઓળંગવી પડે અને બીજી કળા માટે માનવતાની સીમાઓ ઓળંગવી પડે. પહેલી કળા નફરત માંગે, જયારે બીજી મનુષ્યની મૂળભૂત સારપ પર અતૂટ વિશ્વાસ. બીજી કળા ગાંધીજી માટે સહજ સાધ્ય હતી. તેઓ મરવાની કળાને આ રીતે વ્યાખ્યાયિત કરે છેઃ "મરવાની કળા જીવવાની કળાના સ્વાભાવિક પરિણામ સ્વરૂપે જન્મે છે." અને એટલે જ ગાંધીજી પોતાના સમગ્ર જીવનમાં ક્યારેય જેલ જતા કે મરતા ડર્યા નથી. જયારે માણસના મનમાંથી ડર જતો રહે ત્યારે અઘરામાં અઘરા કામ સરળ થઇ જતા હોય છે. 

ગાંધીજી જયારે આફ્રિકામાં હતા ત્યારે તેમણે રંગભેદની નીતિ વિરુદ્ધ ઘણું કામ કર્યું. ઉચ્ચ અધિકારીઓને પત્રો લખ્યા, જરૂર પડી ત્યાં આંદોલનો કર્યા, પોતાની વાત જાહેર જનતા સુધી પહોંચાડવા પત્રકારત્વમાં પણ ઝંપલાવ્યું. આ લડતમાં તેમને રંગભેદની નીતિ વિરુદ્ધ લડનારા લોકોનો સાથ અને રંગભેદની નીતિના કટ્ટર સમર્થકોની દુશ્મની પણ મળી. કટ્ટરવાદીઓના કોઈ સિદ્ધાંત હોતા નથી. રંગભેદની નીતિ વિરુદ્ધની આ લડાઈમાં ગાંધીજી પર પહેલો હુમલો થયો જાન્યુઆરી, ૧૮૮૭માં. આ હુમલો એટલે ટોળા દ્વારા તેમને મારવાની થયેલી કોશિશ. 

ગાંધીજી પર આ હુમલાનું કારણ કૈંક એવું હતું કે, ગાંધીજીએ ભારત આવીને આફ્રિકામાં ભારતીયો પર થતા ભેદભાવ વિશે બ્રિટીશ સરકારને એક પત્ર લખ્યો હતો. એ પત્રના અનુસંધાનમાં આફ્રિકાના ગોરાઓએ ગાંધીજી વિરુદ્ધ ખુબ લખ્યું. અને ગાંધીજી જયારે આફ્રિકા પરત ફર્યા ત્યારે તેમના વિરુદ્ધ એવો દુષ્પ્રચાર કરવામાં આવ્યો કે, ગાંધીની સાથે આવી રહેલા લોકોમાં પ્લેગનું જોખમ હોવા છતાં ગાંધી જાણીબૂજીને અનેક ભારતીયોને સાથે લાવી રહ્યા છે.

આ દુષ્પ્રચારના પરિણામે તમામ ગાંધી વિરોધીઓ એક થઇ ગયા અને તેમને ગાંધીનો વિરોધ કરવાનું નક્કર બહાનું મળી ગયું. જેના માટે તાત્કાલિક 'યુરોપિયન પ્રોટેક્શન સોસાયટી'ની રચના કરવામાં આવી અને ભારતીયોને દરિયાકિનારે ન ઊતરવા દેવાના નિશ્ચય સાથે અનેક લોકોને ભેગા કરવામાં આવ્યા. તેમનો ઈરાદો તો હિંસક જ હતો. એક સમયે નાતાલની સર્વોચ્ચ અદાલતમાં ગાંધીની તરફેણમાં દલીલ કરનારા અને નાતાલના કાર્યકારી પ્રધાનમંત્રી બનેલા એસ્કોમ્બે પણ ચૂંટણી આવી રહી હોવાથી એ વિરોધ કરનાર લોકો સાથે જોડાઈ ગયા. પ્લેગની અફવાના કારણે ભારતીયોને લાંબો સમય જહાજમાં જ રોકી દેવામાં આવ્યા હતા. લોકો જાન્યુઆરીની ઠંડીમાં પણ જહાજમાં રહેવા માટે મજબૂર હતા. બહારનું ટોળું સતત તેમને હિન્દુસ્તાન પાછા મોકલી દેવા માટે જીદ કરી રહ્યું હતું અને એવી ચીમકી આપવામાં આવી રહી હતી કે, એક પણ ભારતીય જો જહાજમાંથી બહાર ઊતર્યો તો તેને મારી નાખવામાં આવશે. આવા સમયે ગાંધીજી સતત પ્રવાસીઓની સાહસિકતા વધારવાની કોશિશ કરી રહ્યા હતા. 

આફ્રિકાની અંગ્રેજ સરકારે લાઠીચાર્જ કરીને હિંસક ટોળાને તો ભગાડી મુક્યું. પરંતુ ગાંધીજી માટે તો ખતરો ઊભો ને ઊભો જ હતો. તેથી તેઓને છુપાઈને શહેરમાં આવવાની સલાહ આપવામાં આવી. પરંતુ તેમણે એનો ઇનકાર કર્યો અને ત્યાંથી સાંજે એક મિત્ર સાથે બે માઈલ ચાલીને ડરબનમાં પોતાના કોઈ મિત્રના ઘરે જવા નીકળી પડ્યા. 

હુમલાના ડરથી નિર્ભય બનેલા ગાંધીજીને  રસ્તામાં જ એક ઝનૂની ટોળાએ ઘેરી લીધા અને તેમના પર પથ્થરમારો કર્યો. હુમલાખોરો ગાંધીજી પર એ હદે તૂટી પડ્યા હતા કે, ગાંધીજીએ જીવતા રહેવાની આશા પણ છોડી દીધી હતી. બરોબર એ જ સમયે ડરબનના પોલિસ વડાના પત્ની શ્રીમતી જેન એલેકઝાન્ડર ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. તેમના પ્રયાસોના કારણે ગાંધીજીનો જીવ બચી ગયો. પરંતુ  ટોળાએ તેમના મિત્રનું ઘર ઘેરી લીધેલું અને ‘સળગાવી દો, મારી નાખો’ની બૂમો ચારે તરફથી સંભળાતી હતી. આવા સમયે ત્યાંના પોલિસ વડાએ ગાંધીજીને સંદેશો મોકલ્યો કે, તમે તમારા મિત્ર અને તેમના પરિવારનો જીવ શા માટે જોખમમાં મૂકી રહ્યા છો? ત્યારે ગાંધીજી પોલિસ અધિકારીનો વેશ ધારણ કરીને ત્યાંથી નીકળવા તૈયાર થયા. 

ગાંધીજી પર થયેલા હુમલાની શી પ્રતિક્રિયા આવી અને ગાંધીજીએ એ પછી શું કર્યું એની કથા આગળના પ્રકરણમાં...

- રક્ષા ત્રાપસિયા

આ સમાચાર શેર કરો