શતરંગ / પુરુષની સુંદરતા શેમા?
- ફેસબુકથી હાર્ટબુક સુધીસાહિત્ય પુરુષો માટે બહુ ઓછું લખાયું છે એવું મહેણું વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ.સ્ત્રીઓની

- ફેસબુકથી હાર્ટબુક સુધી
સાહિત્ય પુરુષો માટે બહુ ઓછું લખાયું છે એવું મહેણું વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ.સ્ત્રીઓની આંખોથી લઈને એની બુટ્ટી માં રહેલા લાલ લીલાં મોર વિશે પણ લખાય. જ્યારે પુરુષો માટે લખાય ત્યારે કદાચ ક્રાંતિકારી પરિવર્તન વિશે જ લખાતું હોય છે! ઘણીવાર તો એવું થાય કે આ સ્ત્રી પુરુષ એવું શું કામ હશે? બધું જ સહજ સાશ્વત પ્રેમ એવું કેમ નહિ હોય?
ગીતામાં કૃષ્ણએ પોતાના ગુણોમાં નારીના ગુણો જણાવ્યા - કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા પણ પુરુષની સુંદરતા શેમાં હશે..?
કદાચ એની શરીર પર ઉગેલી રુવાંટીમાં કે પછી એના ચહેરા પર ફૂટેલી બે દિવસની નવી નવી દાઢીમાં! ડાર્ક, હેન્ડસમ, ફેર, ટોલ અને થોડા રંગીન મિજાજી પુરુષ પણ આકર્ષક હોય તો ક્યારેક થોડા ધિર ગંભીર, શરમાળ અને ઓછા બોલા પુરુષ પણ આકર્ષક લાગે... રમૂજ કરીને હસાવી જાણતા પુરુષો તો આ બધામાં મોખરે રહ્યાં છે!
પણ કદાચ મારા મતે પુરુષની સુંદરતા એના સંઘર્ષોમાં છે.જે એણે ક્યારેક કોઈને કીધા નથી. કે પછી એવું કોઈ મળ્યું નથી!
સતત સમાજ તરફથી મળેલા મજબુત રહેવાના કાયદાઓથી છુપાઈને જ્યારે એનું આંસુ પોતાના પ્રિયપાત્રની હથેળી પર પડે ત્યારે કદાચ એને એ પુરુષ દુનિયામાં સૌથી સુંદર દેખાતો હોય છે! આમ તો એનો અહમ પણ સુંદર લાગે, પણ જ્યારે પ્રેમની હૂંફમાં એ અહમ ઓગળે, ત્યારે કદાચ એ પુરુષ સમર્પણમાં સ્ત્રીત્વને પણ હંફાવી દેતો હોય છે!
કેટલાય ડુમાઓ પીધા પછી એની આંખોમાં ઉદભવેલી એ ચમક , જવાબદારીઓનો થેલો ઉપાડીને ઘસાઈ ગયેલા એ ચપ્પલ અને ફોર્મલ શર્ટની આડમાં છુપાયેલ એ કડક દ્રઢ થઈ ગયેલી હથેળી અને કેટલીય લીલીછ્મ રંગીન લાગણીઓ.
બધું જ કેટલું સુંદર હોય છે!
ઉત્તેજનના બધા જ ઉભરાઓ શામાઈ ગયા પછી, બાળકની જેમ એક વ્હાલનો ખૂણો પોતાના પ્રિયપાત્રમાં શોધતો પુરુષ કેટલો સાહજિક રીતે આકર્ષક હોય છે!
ભર બજારે સિગરેટ હાથમાં લઈને સળગાવતા પુરુષના મનમાં રહેલી કેટલીય અસમંજસ અને હૂંફની એ ઝંખના હોય કે પછી દફતરેથી ઘરે આવીને પોતાની પત્નીની ફરિયાદો સાંભળતો પુરુષ હોય, પોતાની વ્યક્તિને સુખ આપવા overtime કરતો પુરુષ, પરફેક્ટ ગિફ્ટ નહિ લાવી શકે તો? એવા વસવસામાં એના પાંચ મિત્રોને કામે લગાવતો પુરુષ, પોતે શું કર્યું છે કે કરે છે એનું પ્રમાણપત્ર ક્યારેય ન માગતો પુરુષ કે પોતાની વ્યક્તિ એને ઉઠાવી જ લેશે એવા વિચારથી પોતાનો ભીનો ટુવાલ પૂરા હક સાથે બેડ પર છોડીને જતો પુરુષ કેટલો સાહજિક આત્મીય હોય છે નહિ?
રોજ સાથે ઉઠતા બેસતા વ્યક્તિઓની સાથે સૌથી વધારે હસી મજાક કરતો પુરુષ , ક્યારેક બ્લેક અને લાલ કપડામાં કોઈ સુંદરતા લપેટાયેલી જોઈને પોતાના હોઠ ફફડાવી દેતો પુરુષ આપણને સતત દેખાય છે. દેખાતો નથી એ એની પાછળ છુપાયેલો એક ચહેરો કે જે પોતાની સૌથી ખરાબ આદતો અને સાઈડ બેજીજક તમારી સામે લાવીને મૂકવા તત્પર હોય છે , પોતાના શર્ટના એ એક એક બટન ખોલતા પહેલા પોતાના આત્માના અત્યાર સુધીના બધા ઘાવ બધા ડર બધી અસલામતી ખોલીને તમારી સામે મૂકવા સજ્જ અને સમર્પણ કરીને દેતો પુરુષ કેટલો અદભુત! સ્ત્રી સર્જનશક્તિ અને ઉષમામાં વિશ્વાસ કરતો પુરુષ , આખી દુનિયાના બંધનોથી મુક્ત થવા તમારી પાસે આવતો અને કાયમ માટે બાંધ્યા વિના જ બંધાઈ જતો પુરુષ આ દુનિયાનું શ્રેષ્ઠ સર્જન નહિ તો બીજું શું?
તમને એ સાંભળીને પીડા થશે એવું વિચારીને પોતાના ઘાવ છુપાવી લેતો પુરુષ કદાચ ઝંખતો હશે ફક્ત એવી નજર જે એના સોંસરવા ઉતરી ગયેલા ઘાવને આંખથી વાચી શકે. એ ઝંખતો હશે સ્વીકાર, સ્ત્રીત્વને સમજવાની હોડમાં તો આપણે મૂક્યો એને બાકી સ્ત્રીત્વને પચાવી અને માણી લેતો પુરુષ તો ક્યાં આપણને દેખાય?
આ બધા જ પ્રકારની આપણે ક્યાં નોંધ લેતા હોઈએ છીએ!? પરફેક્ટ પુરુષ સારો લાગે , અને imperfect પુરુષ પોતાનો લાગે! સાચું કહીએ ને તો પુરુષની સાચી સુંદરતા એના સુંદર ના હોવામાં જ તો હોય છે ... કે પછી એમ પણ કહી શકાય કે એની સુંદરતા એના પુરુષ હોવામાં જ છે!
મને હંમેશા એવું લાગ્યું છે કે આ દુનિયા સ્ત્રી કે પુરુષ એવા કશાયથી નથી ચાલતી, એ ચાલે છે પ્રેમથી… કોઈ એક વ્યક્તિ બીજાને પૂર્ણ કરે કે પછી પોતે પૂર્ણ થવા બીજાને મળે અને આ યુનિયન ફક્ત પ્રેમ દ્વારા થાય . ભારતનો ઈતિહાસ સ્ત્રી બુદ્ધિધનનો પુરાવો છે એટલે સશક્તિકરણની વાત તો સાવ અયોગ્ય છે પણ સમજણ કદાચ શ્રેષ્ઠ વસ્તુ છે કે જે ફક્ત પ્રેમ આપણને આપે.કોઈ વ્યક્તિ સાથે જીવી જાણવાની ઝંખના એ પ્રેમમાંથી જન્મે અને પછી સ્ત્રી પુરુષ એવું કયા કઈ રહે? ફક્ત સમર્પણ અને આરાધના જ તો બચે છે. સ્ત્રી હોય કે પુરુષ જો એ સમજણ , સ્વીકાર , હુંફ અને સંવેદનશીલતાના સંબંધથી જોડાયેલા હોય તો એમનામાંથી સર્જાતો નવો જીવ પણ ઈશ્વરનો ધરતી પર મોકલેલો પ્રેમદુત જ તો હોય છે ને? આપણને પ્રેમના પાઠ ભણાવવા. આપણી કરુણતા ફક્ત એ છે આપણે સ્ત્રી પુરુષમાં એટલા ખૂપી જઈએ છીએ કે એના માટે પ્રેમનું બલિદાન આપવા તૈયાર થઈ જઈએ તો બીજી બાજુ કદાચ પ્રેમ અને આકર્ષણ વચ્ચેની પાતળી ભેદરેખા/ લક્ષ્મણરેખા પરત્વે બેધ્યાન થઈ જઈએ છીએ.
ચાલો સાથે કામના કરીએ એવા વિશ્વની જ્યાં પુરુષત્વને પ્રેમની રૂએ રાજી ખુશીથી પોષતી સ્ત્રીઓ હોય અને સ્ત્રીત્વને વધાવી લેતું પુરુષત્વ હોય ને પછી હોય ફક્ત પ્રેમ પ્રેમ અને પ્રેમ….
દરેક નવું સર્જન સંભોગ નહિ પ્રેમનું પ્રતીક હોય જે કોઈ જવાબદારી કે તકનિકી રીતે નહિ પણ પ્રેમરૂપી પુષ્પ થઈને આવ્યું હોય chaos થી ભરેલા વિશ્વને મહેકાવવા.
- પ્રેરણા દવે








