મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય કે દગાખોરી?

- ઇતિહાસ ગાથા ઇતિહાસ ગાથામાં આગળના પ્રકરણમાં આપે વાંચ્યું હશે કે કેવી રીતે માત્ર પાંચ શિલિંગનો ભાવ વધારો

શતરંગ / ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય કે દગાખોરી?

- ઇતિહાસ ગાથા 

ઇતિહાસ ગાથામાં આગળના પ્રકરણમાં આપે વાંચ્યું હશે કે કેવી રીતે માત્ર પાંચ શિલિંગનો ભાવ વધારો ભારતની ગુલામીનું કારણ બન્યો. બ્રિટીશ વ્યાપારીઓના જહાજનો કપ્તાન હોકીન્સ જહાંગીરના દરબારમાં જઈને ભારતમાં વ્યાપાર કરવાનો પરવાનો લઇ આવે છે. જહાંગીરની ‘શાહી ખાતેદારી’ મેળવીને ખુશ થયેલા હોકિન્સને મુંબઈમાં વ્યાપારી કોઠી સ્થાપવાનો પરવાનો મળ્યો. અંગ્રેજોને આંગળી મળી ગઈ હતી. ‘વિસ્તાર નહીં, વ્યાપાર અમારી નીતિ’ એ સુત્રને લક્ષમાં રાખી વ્યાપાર કરતા અંગ્રેજોનું સૂત્ર ‘વિસ્તાર જ અમારી મુખ્ય નીતિ’માં ક્યારે ફેરવાઈ ગયું એ કોઈને ખબર પણ ન પડી.

‘અંગ્રેજો એ દુનિયા પર રાજ કરવા જન્મેલી પ્રજાતિ છે’ એવું હરેક અંગ્રેજ જન્મજાત માનતો હતો. શિસ્ત, શાલીનતા, બુદ્ધિ અને કુનેહને કારણે બ્રિટીશરો હંમેશા અન્ય પ્રજા કરતા અલગ તરી આવતા હતા. તેથી વ્યાપારી કુનેહ તેમનામાં વિશેષ હતો. એ કારણે જ બહુ ટૂંકા ગાળામાં અંગ્રેજોનો વ્યાપાર ભારતમાં બહુ જ સ્થિર થઇ ગયો. દિવસે ન વધે એટલો રાતે વધતો આ વ્યાપાર અંગ્રેજોને સ્થાનિક રાજકારણમાં લઈ આવ્યો. એમ કહીએ કે અંગ્રેજ વ્યાપારીઓ રાજકારણમાં આવવા આતુર જ હતા. પણ વ્યાપાર નામે અંચળો ઓઢતા હતા.

પાંચસોથી વધારે રજવાડાઓના આ દેશમાં દેશી રજવાડાઓ વચ્ચે અનેક ઝગડાઓ ચાલતા. જયારે વ્યાપારના વિકાસ માટે સત્તા સાથે સુમેળભર્યા સબંધો એ આવશ્યક છે. તેથી પૈસાના જોરે તેમણે ધીરે ધીરે સ્થાનિક રાજકરણમાં રસ લેવાનું શરુ કર્યું. અંગ્રેજોનો વ્યાપાર ધીરે ધીરે આખા દેશમાં ફેલાઈ ચુક્યો હતો. કોલકાતા અંગ્રેજોનું એક મહત્વનું વ્યાપારી મથક બની ચુક્યું હતું. એ કોલકાતાનો નવાબ અલીવર્દી ખાન અંગ્રેજોના મનસુબા સમજી ગયો હતો. તેથી તેણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની કોઠીઓની કિલ્લેબંધી પોતાના સત્તા વિસ્તારની આસપાસ કરવાની મનાઈ ફરમાવી.

ઈ.સ. 1756માં અલીવર્દીખાનના અવસાન પછી તેનો દૌહિત્ર સિરાજ-ઉદ્-દૌલા બંગાળનો નવાબ બન્યો. આ સમયગાળા દરમિયાન ઇસ્ટ ઇન્ડિયા કંપની તેના સુવર્ણકાળમાં હતી એમ કહી શકાય. કંપનીને રાજ્ય વહીવટમાં પગપેસારો કરવા માટે એક આયોજનબદ્ધ માળખું ઉભું કરવાની જરૂરિયાત જણાઈ. તેથી પોતાના સમર્થ અધિકારીઓ દ્વારા તેઓએ આ કાર્ય પાર પાડવાનો પ્રારંભ કર્યો. આજના CEO સમકક્ષ તેનો અધિકારી ગવર્નર કહેવાતો. અને તેના પ્રથમ ગવર્નર તરીકે રોબર્ટ ક્લાઈવ નામના અંગ્રેજ અધિકારીની નિમણુક થઈ. કારકુન તરીકે કારકિર્દી શરુ કરનાર આ વ્યક્તિ ભારતમાં સર્વોચ્ચ બ્રિટીશ અધિકારી બન્યો. ભારતમાં અંગ્રેજ સત્તાના વિસ્તાર માટે રોબર્ટ ક્લાઈવને જવાબદાર માનવામાં આવે છે. તેની નીતિઓ અંગ્રેજ શાસનને વ્યાપારમાંથી સત્તા તરફ લઇ જવાની હતી.

પોતાની સત્તા જમાવવા કાગડોળે રાહ જોતા રોબર્ટ ક્લાઈવને બંગાળમાં એક તક દેખાઈ. અલીવર્દી ખાને પોતાના દોહિત્રને વારસ બનાવેલો હોવાથી તેના દરબારના ઘણા ઉમરાવો નારાજ હતા. તે ઘણો શક્તિશાળી હતો. તેથી ઇસ્ટ ઇન્ડિયા કંપની તેની વિરુદ્ધ કશું કરી શકે એમ ન હતી. પરંતુ હવે એના બદલે તેનો દોહિત્ર સિરાજ-ઉદ્-દૌલા બંગાળનો નવાબ બન્યો હતો. જે ઓછો અનુભવી અને

ઉમરાવોની નારાજગીનો પણ શિકાર હતો. રોબર્ટ ક્લાઈવને અહીં પોતાના માટે બહુ મોટી તક દેખાઈ. તેણે નવાબના અસંતુષ્ટ ઉમરાવોને સાધી લીધા અને તેનો સૌથી મોટો સાથી બન્યો નવાબનો સેનાપતિ મીર જાફર. દુશ્મન સેનાનો વડો જ તમારા તરફ હોય ત્યારે તમને કોણ હરાવી શકે? રોબર્ટ ક્લાઈવે મીરજાફર, નવાબનો ખજાનચી-દુર્લભરાય, શ્રીમંત શરાફ-જગતશેઠ અને વેપારી અમીચંદને પોતાના તરફ કરી લીધા.

નવાબના સેનાપતિ, ખજાનચી અને બે મોટા વ્યાપારીને પોતાની તરફ કરીને, સૌને સાથે રાખીને નવાબને ઉથલાવી દેવાની એક યોજના ઘડી. આ યોજના મુજબ રોબર્ટ ક્લાઈવ બંગાળ પર કુચ કરશે, એટલે નવાબ તેનો જવાબ દેવા આવશે જ. ત્યારે મીરજાફરે સૈન્ય સાથે ક્લાઈવ સાથે મળી જવું અને તેના બદલામાં કંપની મીર જાફરને બંગાળનો નવાબ બનાવશે એવું નક્કી થયું. પરંતુ અચાનક વ્યાપારીઅમીચંદનું જમીર જાગી જતા તેણે આ યોજના નવાબને જણાવવાની ધમકી આપી. પરંતુ તેને 30 લાખ રૂપિયા આપવાની લાલચ આપીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં પોતાની સત્તા જમાવાનો પાયો તૈયાર કર્યો.

જુન 23, 1757ના દિવસે પ્લાસીના ઐતિહાસિક મેદાનમાં બંગાળના નવાબ સિરાજ–ઉદ્દ–દૌલા અને રોબર્ટ ક્લાઈવની અંગ્રેજ સેના વચ્ચે નીરસ યુદ્ધ થયું. કારણ કે, નવાબની સેના વિશ્વાસઘાતી મીરજાફર સાથે અંગ્રેજો સાથે મળી ગઈ અને અંગ્રેજોની એકતરફી જીત થઇ. આમ, રોબર્ટ ક્લાઈવની કૂટનીતિએ વગર લડાઈએ અંગ્રેજોને જીત અપાવી.

‘વિસ્તાર નહીં વ્યાપાર અમારી નીતિ’ એવું કહેનાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ હવે વિસ્તારની નીતિ અખત્યાર કરી દીધી. અને તેનો પ્રથમ ચમકારો બંગાળમાં જોવા મળ્યો. આ યુદ્ધ ભારતના ઇતિહાસમાં કેવું યુગ પરીવર્તક નીવડ્યું એની કથા આગળના પ્રકરણમાં જોઈએ.

- રક્ષા ત્રાપસિયા

આ સમાચાર શેર કરો