શતરંગ / સમાજને સમજવા વિલનના પાત્રાલેખન સમજો
- ચલ કહીં દૂર... ભારતીય પરંપરામાં હિરણ્યકશિપુથી માંડીને કંસ અને દુર્યોધ

- ચલ કહીં દૂર...
ભારતીય પરંપરામાં હિરણ્યકશિપુથી માંડીને કંસ અને દુર્યોધન સુધી વિકલ્પોની વિશાળ રેન્જ છે. પૌરાણિક સાહિત્યમાં લખાયેલા વિલનોના કથાનકોમાં એ સમયના ક્રૂર માણસોની માનસિકતા છતી થાય છે. રાવણ સમૃદ્ધ દેશનો રાજા હતો અને પ્રજા પણ સોનાના નગરમાં રહેતી હતી. દુર્યોધન માટે એવું કહેવામાં આવે છે કે આમજનતા માટે રાજવી તરીકે ઉદાત્ત હતો. રાવણ અને દુર્યોધન થકી પ્રજા પરેશાન હોવાની ખાસ કથાઓ મળતી નથી. ભારતીય કથાઓ થકી કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાના શોખ કે પારિવારિક વિવાદો માટે વિલન હોઇ શકે છે પણ આમજનતા સાથે વહીવટમાં પ્રજા પરેશાન હતી નહીં. આ જ કથાને અલગ રીતે જોઈએ તો પોતાની જીદ માટે નિર્દોષ પ્રજાજનોએ ભોગ આપવો પડ્યો હતો.
ભારતીય સાહિત્યમાં સમય જતાં જે સાહિત્ય લખાતું ગયું એમાં વિલન ધીમે ધીમે ક્રૂર બનતો ગયો. શુદ્રક લિખિત મૃચ્છકટિકમનો વિલન શકાર ક્રૂરતાની હદ વટાવીને પ્રજાને પરેશાન કરવામાં કોઈ કસર છોડતો નથી. છેલ્લા દાયકાઓમાં ભારતીય ફિલ્મોએ વિલનની નવી નવી કેટેગરીઓ આપી છે. ચાલીશ પચાસના દાયકામાં વ્યાજખોરો સમાજનું શોષણ કરતાં દર્શાવ્યા હતા. આ ફિલ્મોમાં સમાજનો મોટો વર્ગ ગરીબ હોવાનું દર્શાવવામાં આવતું હતું. આઝાદી આસપાસના સમયમાં કુદરતી આફતો વચ્ચે સામાન્ય માણસની આર્થિક સ્થિતિ નબળી હતી જેનો લાભ વ્યાજખોરો લેતાં હતાં. સમય જતાં જમીનદારોની કોઈ એક પેઢીને વિલન બતાવવામાં આવ્યા. ફિલ્મોમાં એક પેઢી સજ્જન હોય પણ અન્ય પેઢી મજૂરોનું આર્થિક સામાજિક શોષણ માટે કોઈ કસર છોડતી નહીં. આ શોષણનો સામનો કરવા એક નવા વિલનનો સમય આવ્યો, જે ડાકુઓનો યુગ હતો. સિત્તેરના દાયકામાં ડાકુઓ આત્મસમર્પણ કરતાં ધીમે ધીમે ફિલ્મમાં સ્મગલર નામનું નવું કેરેક્ટર આવ્યું. આમ તો સ્મગલર ધનિક હોય એટલે એની સાથે જાહોજલાલી બતાવવામાં આવતી. સ્મગલરોમાં ફિલ્મી વિલન ડાકુઓ જેવો સંઘર્ષ હતો નહિ. સિત્તેરના દાયકામાં અલગ અલગ કારણોસર સમાજમાં સિસ્ટમ માટે રોષ થતાં એન્ટી હિરોનું પ્રચલન શરૂ થયું. સોનાનું માર્કેટ ઓપન થતાં સ્મગલરોમાં ખાસ ગ્લેમર રહ્યું નહિ. અચાનક ભારત સહિત વિશ્વને આતંકવાદનો ત્રાસ શરૂ થતાં આતંકવાદી વિલન બન્યા. આતંકવાદીની શૃંખલામાં પાકિસ્તાન સહિત અસંખ્ય દેશોમાંથી વિલન શોધવામાં આવ્યા. આતંકવાદનો ત્રાસ ઘટતા સમય અને સંજોગોને વિલન બનાવતી કથાઓ બની. સરવાળે એક વાત કહી શકાય કે જનમાનસના ઇતિહાસનો અભ્યાસ કરવા વિલનનો અભ્યાસ કરવો જોઈએ.
સમાજનો અભ્યાસ કરવા ક્યારેક વિલન તો ક્યારેક એન્ટી હિરો જેવું કેરેક્ટર ડાકુઓની વાત કરીએ. આમ તો ડકૈતી કરવી એ પૌરાણિક ઘટના છે. છેક રામાયણના સર્જક વાલ્મીકિથી આ પ્રકારના પાત્ર સાથે જોડાયેલા હતા. મહાભારતમાં જંગલોમાં લૂંટફાટ કરતાં ઘણા પાત્રો વાંચવા મળે છે. સમાજમાં થતાં અન્યાય સામે માથું ઊંચકવાનો આ પણ એક માર્ગ હતો.
આમ તો ડાકુઓ માત્ર ભારતીય પાત્ર નથી, પણ દુનિયાભરમાં અલગ અલગ સ્વરુપે ચર્ચામાં છે. બચપણમાં રોબિનહૂડ વિષે પુસ્તકો શોધતાં હતાં. માણસ પોતાનો જાન જોખમમાં નાખીને બીજાને મદદ કેવી રીતે કરી શકે તેનું રોબિનહૂડ બેસ્ટ ઉદાહરણ હતું. રોબિનહૂડની વાતો એટલી મગજમાં છવાયેલી હતી કે કોઈ અજાણ્યા લાચારને મદદ કરે તો ય તેમાં રોબિનહૂડ યાદ આવતો હતો. આપણી વાત ભારતીય રોબિનહૂડ, સોરી ડાકુઓની હતી. ડાકુઓને આપણે ફિલ્મોથી ઓળખતા થયા. ફિલ્મોએ બે પ્રકારના ડાકુ દેખાડ્યા છે, એક સારા, જે કોઈ લાચારીથી ડાકુ બન્યા છે અને બીજા વિલન ટાઇપના હતાં જેમના માટે ક્રૂરતા શોખનો વિષય હતો.
ફિલ્મી વિલન ટાઇપ ડાકુની સ્ટોરી કેટલાક અપવાદોને બાદ કરતાં લગભગ કોમન હતી. જ્યાં નાચગાન કે ઉત્સવ ચાલતા હોય ત્યાં વારે તહેવારે કોઈ ડાન્સર ગીતો ગાવા આવી જાય. કેટલીક ફિલ્મોમાં કવ્વાલીના કાર્યક્રમ થતા હોય અને અકારણ ગોળીબાર થતાં હોય અને અંતે ઢીસુમ ઢીસુમ કરીને હીરો ડાકુઓની બુરાઈનો નાશ કરે. જ્યારે ફિલ્મી ડાકુ સજ્જન પણ હતાં કે જેઓ ફિલ્મના અંતે નાશ પામતા હોય અને સાથે સાથે બૂરાઇને ખતમ કરતાં જાય.
મધર ઇન્ડિયાથી શરૂ થઈને પાનસિંગ તોમર સુધીના ડાકુઓ ફિલ્મો ગજવતા રહ્યા છે. સમાજમાં કોઇ બાબત યોગ્ય ન લાગે, અન્યાય લાગે તો બળવાખોરી કરવી તે ડાકુની ક્વોલિટી હતી. ડાકુની કલ્પના આપણા વિચારોમાં આવતા ગુસ્સા સાથે કલ્પી શકાય.
ડાકુની વાતો ફિલ્મો અને સાહિત્યમાં હવે આઉટ ઓફ ફેશન કહેવાય. હકીકત એ છે કે આપણે ડાકુની વાર્તા બંધ કરી અને સમાજની બુરાઈ તરફની આપણી માનસિક બળવાખોરી બંધ થવા લાગી. વાંક ફિલ્મોનો પણ ખરો, ડાકુઓની ફિલ્મો પણ એક જ સ્વરૂપમાં બનતી, અસંખ્ય ઘોડા અને પોલીસની જીપ વચ્ચે ચાલતો સંગ્રામ જેવા વાહિયાત દેખાડાતા ડાકુઓની ફિલ્મોને કારણે આ વિષય જ બંધ થયો.
આપણો ગુસ્સો કે માનસિક બળવાખોર સ્વભાવ ગાયબ થતાં ધીમે ધીમે ટ્રોલ જેવી ઘટનાથી ડરતો સમાજ પેદા થવા લાગ્યો. પોતાની વાતને સ્પષ્ટ રુપે કહેવા બેક ઓફ માઇન્ડમાં એક તો સજ્જન ડાકુ માનસ જોઈએ, જે બેબાક પોતાની વાત કહી કે લખી શકે. ડાકુની ખાલી પડેલી જગ્યા પણ ફિલ્મમાં કેવી વાહિયાત રીતે ભરવામાં આવી ?
સિત્તેરના દાયકા પછી ફિલ્મી ડાકુ બંધ થયા અને એંસીમાં ડો ડેંગ, શાકાલ કે મોગેમ્બો જેવા કાર્ટૂન મેકઅપ સાથે વિલનો આવ્યા, જે અન્યાય જેવા વિષય પર જનમાનસ સાથે ક્યારે પણ તાદાત્મ્ય મેળવી શક્યા નહીં. એંસીના અંતથી તો ફિલ્મો બદલાવા લાગી, સુરજ બડજાત્યા, ચોપરાઓ કે કરણ જોહર ફેમ ચોકલેટી વાતોનો દોર શરૂ થયો. આ દોરનું પરિણામ એટલે ફિલ્મોમાં કનેક્ટ કરી શકે તેવા વિલન નામનું તત્વ પણ ગાયબ થઈ ગયું. અમિતાભની જંજીર-દિવારની સફળતા ગણો કે અમિતાભને સુપરસ્ટાર બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો હતો? સિસ્ટમ સામે કે સંજોગો સામે આક્રોશ સફળતાનો માલીક હતો.
અમિતાભની શોલે હોય કે ગંગા કી સૌગંધ જેવી ફિલ્મો ડાકુ પર બની હતી. સુલતાન એહમદે તો આખી જિંદગી ડાકુઓ પર જ ફિલ્મો બનાવી. સુલ્તાના ડાકુ, ગંગા જમના, પુતલીબાઇ હોય કે બોલ તેરે સાથ ક્યા હોગા ફેમ મેરા ગાંવ મેરા દેશ હોય. આ ફિલ્મોએ સમાજ સમક્ષ ડાકુની અલગ અલગ વ્યાખ્યા આપી.
અસંખ્ય ફિલ્મો ડાકુ જીવન પર બની પણ જેની સ્ટોરી પાવરફૂલ હતી અને જનમાનસને સમસ્યા સાથે જોડી શકી હતી એ જ સફળ થઈ. આ જ જનમાનસનો પૂરો અભ્યાસ પછી બનેલી શેખર કપૂરની બેન્ડિટ ક્વીન વિશ્વ સિનેમાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી.
બેન્ડિટ ક્વીનમાં શેખર કપૂરે પણ પ્રતિહિંસાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો, વ્યવસ્થા કે અન્યાય સામે લડવા માટે પ્રતિહિંસા જ કેવળ વિકલ્પ છે? શેખર કપૂરના જુનિયર તિગ્માંશુ ધુલિયાએ ડાકુઓને યાદ કરીને એક શ્રેષ્ઠ પ્રયોગ આપ્યો. ફરી પ્રતિ હિંસા થકી પાનસિંગ તોમરનું સર્જન થયું. આ ફિલ્મમાં કોઇ ફિલ્મી તત્વ ન હતું. પાનસિંગ તોમરમાં કવ્વાલી કે ગ્લેમર વિના એક સરળ સ્ટોરી હતી. આ ફિલ્મમાં વ્યવસ્થા સામે વિરોધ હતો અને સામા પક્ષે પાનસિંગ રાષ્ટ્રીય કક્ષાનો દોડવીર હતો. પાનસિંગનો દેશપ્રેમ સાથે વિદ્રોહનો સ્વીકાર કરીને સિસ્ટમ સામે અવાજ ઉઠાવવામાં આવી છે.
માણસજાત હમેશા આ દ્વંદ્વમાં જીવતી હોય છે. ડાકુ થવું એટલે હથિયાર ઉઠાવવા નહીં પણ પોતાની વાતને યેનકેન પ્રકારે રજુ કરવાની હિંમત કેળવવી. કોઇ વાત વાંચી અસહમતિ લાગી? કોઇ પરિસ્થિતિ પર ગુસ્સો આવે છે? એ જ બહારવટું છે. પ્રતિ હિંસા એક એવી આગ છે જેને અટકાવવી લગભગ અશક્ય લાગે છે. મહાત્મા ગાંધી કહેતા કે આંખના બદલામાં આંખો ફોડવામાં આવશે તો દુનિયા આંધળી થઈ જશે. બાકી ફિલ્મી વિલનનો દોર તો સમય અને સંજોગો મુજબ બદલાતો રહ્યો છે. શોષણખોર જમીનદારથી શરૂ થઈને ત્રાસવાદી સુધી વાયા ડાકુ કે સ્મગલર થઈને પહોંચ્યો છે, બસ એઆઇ અને આધુનિક ટેકનોલોજીને વિલન બનાવતી ફિલ્મોની રાહ જોઇએ. શાંતિની શરૂઆત કેવળ સ્મિતથી થાય છે (મધર ટેરેસા) - દેવલ શાસ્ત્રી







