મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / પુત્રના લક્ષણ પારણામાંથી – રામમનોહર લોહિયા

- ઇતિહાસ ગાથા આઝાદી પછીના મહાન ભારતીય નેતાઓમાં સત્તા પર ન આવેલા નેતાઓ

શતરંગ / પુત્રના લક્ષણ પારણામાંથી – રામમનોહર લોહિયા

- ઇતિહાસ ગાથા

આઝાદી પછીના મહાન ભારતીય નેતાઓમાં સત્તા પર ન આવેલા નેતાઓના નામ આપવા હોય તો એમાં સૌથી પહેલું નામ જયપ્રકાશ નારાયણ અને એમના સાથીદાર એવા રામમનોહર લોહિયાનું લઈ શકાય. હા, આ બે નામો લેવામાં કોઈ અતિશયોક્તિ નથી. સમાજવાદને જયારે આપણે ભારતીય સંદર્ભે જોતા હોઈએ ત્યારે એમાં પણ બે નામો અલગ તરી આવે. એક એમ.એન.રોય. જેમણે રશિયન સામ્યવાદને નજરે નિહાળ્યો હતો તેથી તેઓ તેના અલગ અલગ પાંસાઓથી વાકેફ હતા. અને બીજા રામમનોહર લોહિયા. જેમણે સમાજવાદનું ઉદ્ભવ સ્થાન અને કાર્લ માર્કસનું જન્મસ્થાન એવા જર્મનીમાં રહીને અભ્યાસ કર્યો હતો. સામ્યવાદ, મૂડીવાદ, નાઝીવાદ અને સમાજવાદને નજરે જોયા બાદ સમાજવાદને ભારતીય સંદર્ભમાં રજૂ કરનાર આ મહાન ચિંતકના જીવન વિષે જાણીએ. 

23 માર્ચ, 1910ના  રોજ જન્મેલા રામમનોહર લોહિયાએ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની શહીદીના કારણે એ પછી ક્યારેય પોતાનો જન્મદિવસ મનાવ્યો ન હતો. ઉત્તરપ્રદેશના ફૈઝાબાદના અકબરપુર ગામમાં રામમનોહર લોહિયાનો જન્મ થયો હતો. પિતા હીરાલાલ લોખંડના માલસામાન અને હાર્ડવેરનો બિઝનેસ કરતા હતા. લોખંડને હિંદીમાં લોહા કહે છે અને અને તેના ધંધા સાથે સંકળાયેલા હોવાના કારણે તેઓ લોહિયા તરીકે ઓળખાતા હતા. તેમના પિતા ગાંધીજીથી પ્રભાવિત હતા તેથી દેશના આઝાદીના આંદોલનમાં જોડાયા હતા. તેઓ કોંગ્રેસના સક્રિય સભ્ય પણ હતા. રામમનોહર માત્ર અઢી વર્ષના હતા ત્યારે માતા ચંદાબહેનનું અવસાન થયું હોવાથી તેમના પર પિતાનો વિશેષ પ્રભાવ હતો. 

તેમના પિતા પ્રખર રાષ્ટ્રવાદી, ગુલામી વિરોધી અને અત્યંત સાહસિક હતા. એ સમયે જયારે મોટાભાગના વ્યાપારીઓ ધંધાના ભલા માટે અને રાજા મહારાજાઓ સત્તા માટે અંગ્રેજોના ગુલામ હતા ત્યારે એક નાનકડા વ્યાપારી એવા હિરાલાલ, ગાંધીજીની સાથે રહીને આઝાદીના આંદોલનમાં જોડાયા હતા. જે બાળક રામમનોહરના માનસ વિકાસને ઊંડું અસર કરનાર પરિબળ હતું. કહેવાય છે કે રામમનોહર બાળપણમાં ભારે નટખટ અને તોફાની હતા. આજની પેઢી કદાચ તેમના નટખટપણાથી અજાણ હશે, પણ જેમણે તેમને સંસદમાં જોયા હશે એ તેમનાથી સારી રીતે પરિચિત હશે. 

આપણે ત્યાં કહેવત છે ને! ‘પુત્રના લક્ષણ પારણામાંથી’. બસ, એ જ રીતે રામમનોહર લોહીયામાં પણ અમુક લક્ષણો બાળપણમાં જ દેખાતા હતા. તેઓ જયારે પાંચમા ધોરણમાં હતા ત્યારે એક દિવસ એક યુવાન નાના બાળકને મારી રહ્યો હતો. યુવાન દ્વારા નાના બાળક પર હુમલો થતા તેઓ જોઈ ન શક્યા અને પોતે શરીરમાં એ યુવાન કરતા દુબળા અને ઉંમરમાં નાના હોવા છતાં તેઓ તે યુવાન પર તૂટી પડ્યા.  અન્યાય સામે પ્રતિકાર કરવાની તેમની આ આદત નાનપણથી કેળવાયેલી હતી. જે તેમના સમગ્ર જીવન દરમિયાન જોવા મળી. 

પિતા આઝાદીની ચળવળમાં જોડાયેલા હતા તેથી તેની અસર તેમના બાળક પર થાય એ સ્વાભાવિક હતું. તેઓ જયારે આઠ વર્ષના હતા ત્યારે અમદાવાદ ખાતે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પિતા સાથે હાજરી આપી હતી. તેઓ દેશને લગતી બાબતોમાં જોડાયા હોય એવો આ પ્રથમ પ્રસંગ હતો. સમય જતા આ પ્રસંગો વધતા ગયા. રામમનોહર લોહિયા ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ ગયા હતા. મુંબઈના નિવાસ દરમિયાન તેમનામાં રાષ્ટ્રવાદી રંગ લાગી રહ્યો હતો. ગાંધીજીના દર્શન થઇ ચુક્યા હતા. 1921 માં વતન જતાની સાથે જ તેમની પંડિત નેહરુ સાથે પ્રથમ મુલાકાત થાય છે.

આઝાદીની ચળવળ દરમિયાન પણ તેમનો અભ્યાસ તો ચાલુ જ હતો. તેમણે વારાણસી વિશ્વવિદ્યાલયમાં ઈતિહાસ વિષયમાં પ્રવેશ મેળવ્યો. આ અભ્યાસ દરમિયાન તેમણે ઈતિહાસ વિષય પર કરેલું વ્યાપક ચિંતન આગળ જતા તેમના વ્યક્તિત્વ વિકાસ માટે બહુ અગત્યનું સાબિત થયું. ત્યાંથી વધુ અભ્યાસ માટે તેઓ કોલકાતા ગયા. ત્યાં સુભાષચંદ્ર બોઝના પ્રભાવ હેઠળ આવેલા બંગાળને તેમણે પોતાના તરફ ખેંચ્યું. આ સમયગાળો સાયમન કમિશનના વિરોધનો હતો. જેમાં તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને અંગ્રેજ શાસન વિરુદ્ધ ભાષણો આપવાનું શરુ કર્યું. 1929માં તેઓ સ્નાતક થયા અને વધુ અભ્યાસ માટે લંડન જવાની સ્કોલરશીપ મેળવી. 

 લંડનના તેમના અભ્યાસ દરમિયાન ભારતીયો સાથે થતા અમાનવીય વ્યવહારે તેમના માનસ પર ઘેરી અસર કરી. અંગ્રેજો વિરુદ્ધ તેઓ ભારત નિવાસ દરમિયાન તો હતા જ. પરંતુ હવે એ લાગણી વધુ તીવ્ર બની હતી. લંડન નિવાસ દરમિયાન એક લાઈબ્રેરીના લાઈબ્રેરીયને તેમને સલાહ આપી કે ખરા અર્થમાં અભ્યાસ કરવો હોય તો બર્લિન જતું રહેવું, ત્યાનું વાતાવરણ લંડન કરતા વધુ સારું છે. તેમની સલાહ માનીને તેઓ બર્લિનની હુમ્બોલ્ટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે છે. જ્યાં તેઓ વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી પ્રા. બર્નર યોમ્બાર્ટના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરે છે. અહીં તેમને જાણવા મળ્યું કે ખુદ તેમના પ્રોફેસર પણ અંગ્રેજી ભાષા જાણતા નથી. ત્યારથી તેઓ માતૃભાષા માટે વિશેષ લગાવ ધરાવતા થઇ ગયા અને આજીવન માતૃભાષાના હિમાયતી રહ્યા. ત્રણ મહિનાના સખત પરિશ્રમ પછી તેઓ જર્મન ભાષા શીખ્યા. જર્મનીમાં વસવાટ દરમિયાન તેમણે નાઝીવાદનો ઉદય જોયો. સામ્યવાદ દ્વારા સમાજવાદનો પરાજય પણ જોયો. તેથી એ તારણ પર આવ્યા કે નાઝીવાદ અને સામ્યવાદ આવકાર્ય નથી. માત્ર સમાજવાદને સિદ્ધાંત તેમને સારો લાગ્યો અને તેઓ સમાજવાદી વિચારસરણી પ્રત્યે આકર્ષાયા. સમાજવાદમાં  જે સંકલ્પશક્તિનો અભાવ હતો એ તેમને ગાંધીજીના ચિંતનમાં દેખાઈ. આમ, તેમનામાં સમાજવાદ અને ગાંધી ચિંતનના સમન્વયના વિચારબીજ રોપાયા. બર્લિનમાં હુમ્બોલ્ટ યુનિવર્સિટીમાં વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન ભૌતિકશાસ્ત્ર ભણાવતા હતા અને રામમનોહર લોહિયા તેમના વર્ગો પણ ભરતા હતા. નાઝીવાદ, સામ્યવાદ, સમાજવાદ અને આઈન્સ્ટાઈન સાથેના અનુભવો રામમનોહર લોહિયાએ એ બધા સંદર્ભો ભારતમાં ક્યાં ને કેવી રીતે અમલમાં મુક્યા એ પછીના પ્રકરણમાં.

- રક્ષા ત્રાપસિયા  

આ સમાચાર શેર કરો