મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

ભારત અને ફૂટબોલનો અજાણ્યો ઇતિહાસ: ફીફાની સ્થાપના પહેલાંથી ધબકે છે ફૂટબોલ પ્રેમ

- મીડ વીક- હસમુખ ગજજર અ મેરિકા, કેનેડા અને મેકિસકોમાં ફિફા ફૂટબોલ વિશ્વકપ શરુ

ભારત અને ફૂટબોલનો અજાણ્યો ઇતિહાસ: ફીફાની સ્થાપના પહેલાંથી ધબકે છે ફૂટબોલ પ્રેમ
આ સમાચાર સાંભળો

- મીડ વીક- હસમુખ ગજજર

અ મેરિકા, કેનેડા અને મેકિસકોમાં ફિફા ફૂટબોલ વિશ્વકપ શરુ થતા ચાહકોમાં ઉત્સાહ, ઉમંગ અને ઝનુન જોવા મળે છે.  ફૂટબોલના મહાકંુભમાં ૪૮ દેશો વચ્ચે ૧૬ શહેરોમાં એકથી એક ચડિયાતા કુલ ૧૦૪ ફૂટબોલ મેચના મુકાબલા યોજાઇ રહયા છે. ભારતની યુવાપેઢી રોનાલ્ડો, મેસી જેવા વિદેશી ખેલાડીઓના ટેલેન્ટ અને વ્યકિતત્વ પાછળ ઘેલી જોવા મળે છે. ફૂટબોલ રસિયાઓ બ્રાઝિલ, જર્મની, ઇટાલી, પોર્ટુગલ, ફ્રાંસ, અને આર્જેન્ટીના સહિતના દેશોની ફૂટબોલ ટીમની મેચ ટીવી કે મોબાઇલ પર માણે છે સાથે ભારતની ફૂટબોલ ટીમ પણ વિશ્વકપ રમતી હોય તેવી લાગણી પણ ધરાવે છે.  ગત વખતે કતાર ખાતે યોજાયેલી વિશ્વકપ સ્પર્ધાની સરખામણીમાં  આ વખતે વધુ ૧૬ દેશોને ફીફા વિશ્વકપમાં ભાગ લેવાની તક મળી છે જેમાં કેપવર્ડે, કુરાસાઓ, જોર્ડન અને ઉઝબેકિસ્તાન જેવા દેશોની ટીમોનો સમાવેશ થાય છે. ભારતની ફૂટબોલ ટીમ હજુ પણ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ફૂટબોલ વિશ્વકપ સ્પર્ધામાં કવોલિફાઇ થઇ શકતી નથી.

જો કે નવી પેઢીને એ જાણીને નવાઇ લાગશે કે ફૂટબોલ ઇતિહાસમાં ભારતને ૧૯૫૦માં બ્રાઝિલ ખાતે આયોજીત ફૂટબોલ વિશ્વકપમાં રમવાની એક માત્ર તક મળી હતી પરંતુ કમનસીબે ટીમ ભાગ લઇ શકી ન હતી. બીજા વિશ્વયુધ્ધના પગલે લાંબા સમય પછી યોજાઇ રહેલા વિશ્વકપ માટે ૩૩ દેશોએ કવોલિફાઇંગ રાઉન્ડ રમવાની તૈયારી દર્શાવી હતી. ગુ્રપ ૧૦માં ભારત ઉપરાંત બર્મા (મ્યાંમાર) અને ફિલિપાઇન્સનો સમાવેશ થતો હતો. બન્યું હતું એવું કે બર્મા અને ફિલિપાઇન્સે કવોલિફાઇંગ રાઉન્ડ માટે પોતાનું નામ પાછું ખેંચી લેતા ભારત આપમેળે વિશ્વ ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા યોગ્ય બન્યું હતું. ભારતને ફાઇનલ રાઉન્ડમાં પૂલ-૩માં સ્વીડન, ઇટાલી અને પારાગ્વે જેવી ટીમોમાં સ્થાન પણ મળ્યું હતું. ૧૬ મે ૧૯૫૦ના રોજ  બ્રાઝિલ જનારી ટીમની જાહેરાત થઇ હતી જો નિર્ધારિત કર્યક્રમ જળવાયો હોતતો ૧૫ જૂને ભારતની ફૂટબોલ ટીમ બ્રાઝિલ રવાના થઇને ૨૫ જૂનના રોજ પારાગ્વે સાથે પ્રથમ મેચ રમવાની હતી. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને ટીમની પસંદગી અને અભ્યાસ માટે પૂરતો સમય નહી મળવાથી ભારતની ટીમ બ્રાઝિલ વિશ્વકપમાં રમવા જઇ શકી નહી હોવાનું કારણ રજૂ કર્યુ હતું. તેમ છતાં  ભારતની ટીમે શા માટે ભાગ લીધો નથી તેની વર્ષોથી ચર્ચા ચાલતી રહી હતી. એવું માનવામાં આવે છે ૧૯૫૦માં બ્રાઝિલ વિશ્વકપમાં ભારતની ફૂટબોલ ટીમ ભાગ ના લઇ શકી તેના માટે ભૌગોલિક અંતર અને બૂટ પહેરવાનો નિયમ પણ જવાબદાર હતો કારણ કે એ સમયે ભારતીય ફૂટબોલર્સ બૂટ પહેરીને રમવા ટેવાયેલા ન હતા. ૧૯૪૮માં ભારતની ફૂટબોલ ટીમે લંડન ઓલમ્પિકસમાં ભાગ લીધો હતો ત્યારે શૈલેન મન્ના, સાહુ મેવાવાલા, અહેમદખાન, એસ રમન અને ધનરાજ વગેરે ખેલાડીઓની ટીમ બૂટ પહેર્યા વિના મેદાનમાં ઉતરી હતી. ફ્રાંસની ફૂટબોલની ટીમ સાથેની મેચમાં ભારતની ફૂટબોલ ટીમનો ૧-૨ થી પરાજય થયેલો પરંતુ  ટીમના સરેરાશ પ્રદર્શનના ખૂબ વખાણ થયા હતા. ૧૯૫૦ના બ્રાઝિલ વિશ્વકપમાં ભાગ નહી લેવા પાછળ કારણ જે હોય તે પરંતુ આ કેટલી મોટી ગૌરવપૂર્ણ તક હતી જે આટલા વર્ષો પછી પણ મળી શકી નથી જે હવે સમજાય છે. 

  ૧૯૫૦ થી ૧૯૬૦નો દાયકો ભારતીય ફૂટબોલનો સુવર્ણકાળ જેવો ગણાય છે.૧૯૫૦ના દાયકામાં ભારતની ફૂટબોલ ટીમ એશિયાની સૌથી મજબૂત ટીમ ગણાતી હતી. સૈલેન મન્ના, પ્રમોદકુમાર બેનરજી, પીટર થંગરાજ, જરનેલસિંહ ઢિલ્લો જેવા અનેક ધૂરંધર ખેલાડી હતા. ભારતીય ફૂટબોલના ગોલ્ડન સમયની વાત નિકળે ત્યારે સૈલેન મન્ના( સૈલેન્દ્રનાથ મન્ના)નું નામ પણ ખૂબજ આદરથી લેવાય છે.૧૯૫૧માં  સૈલેન મન્નાના નેતૃત્વમાં ભારતની ફૂટબોલ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ  જીતવાની સાથે જ સ્વતંત્ર ભારતમાં ફૂટબોલ ક્ષેત્રે એક નવો અધ્યાય લખાયો હતો. ૧૯૫૨ થી ૧૯૫૫ સુધી સતત ચાર વર્ષ પાકિસ્તાન, બર્મા, શ્રીલંકા વચ્ચે ફૂટબોલ શ્રેણી રમાઇ જેમાં કેપ્ટન મન્નાએ  જીતની હેટ્રિક લગાવી હતી. ૧૯૫૩માં ઇગ્લિશ ફૂટબોલ એસોસિએશને મન્નાને વિશ્વના ૧૦ શ્રેષ્ઠ ફૂટબોલ કેપ્ટનમાં  સ્થાન આપ્યું હતું. ૧૯૬૨માં પણ ભારતની ફૂટબોલ ટીમે જર્કાતા ખાતે એશિયન ગેમ્સમાં દક્ષિણ કોરિયાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો જે ભારતીય ફૂટબોલની સૌથી છેલ્લી ગૌરવપૂર્ણ ક્ષણો હતી. 

ઓસ્ટ્રેલિયા,ઇગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશો  વિવિધ પ્રકારની રમત સ્પર્ધાઓમાં રસ અને પ્રભુત્વ ધરાવે  છે જયારે ભારતે ક્રિકેટ સિવાયની રમતોમાં ખૂબ નોંધનીય પ્રદર્શન કર્યું હોય એવા જૂજ કિસ્સાઓ જ છે. ભારતની ફૂટબોલ ટીમનો વર્તમાન રેન્ક ૧૩૮મો છે. ૧૯૯૬ ફેબુ્રઆરીમાં રેન્ક ૧૦૦થી ઘટીને ૯૪ પર આવ્યો હતો. ૨૦૧૫માં સૌથી નીચો રેન્ક ૧૭૩ સુધી પહોંચ્યો હતો. જો કે તેમ છતાં એક વાત નોંધવા જેવી છે કે ભારતને ભલે ફીફા વિશ્વકપમાં કવોલીફાઇ થવાના ફાંફા પડતા હોય પરંતુ ભારતનો ફૂટબોલ સાથેનો નાતો ખૂબજ જૂનો છે. નવાઇની વાત તો એ છે કે ભારતના કેટલીક ફૂટબોલ કલબો અને સંગઠનો તો ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફેડરેશન ઇન્ટરનેશનલી ફૂટબોલ એસોસિએશન (ફીફા) કરતા પણ જૂના છે. ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફીફાની સ્થાપના ૨૧ મે ૧૯૦૪માં થઇ હતી એ પહેલા ભારતમાં અંગ્રેજોના શાસનમાં ફૂટબોલનું આગમન થયું હતું. કોલક્તા,મદ્રાસ (ચેન્નાઇ) અને બોમ્બે (મુંબઇ)માં મોટે ભાગે યુરોપીયન સમુદાય ખાસ કરીને બ્રિટિશ સેના અને નૌસેના કર્મચારીઓ વચ્ચે ફૂટબોલ રમાતું હતું.૧૮૭૭માં ઇસ્ટ ઇન્ડીયા કંપનીના કેટલાક અધિકારીઓ અને સૈનિકો કલક્તાના એફસી ગ્રાઉન્ડ પર ફૂટબોલ રમતા હતા ત્યારે નાગેન્દ્રપ્રસાદ સર્વાધિકારી નામનો ૮ વર્ષનો છોકરો કુતુહલવશ ઘોડાગાડીમાંથી ઉતરીને ફૂટબોલ મેચ જોતો હતો. એમિનેન્ટ હેયર સ્કૂલમાં ભણતા નાગેન્દ્ર પાસે અચાનક ફૂટબોલ આવતા એક અંગ્રેજે 'કિક ટુ મી માય બોય ' કહેતા જ નાગેન્દ્રએ ફૂટબોલને કિક મારી હતી. 

કેટલાક  ફૂટબોલ એકસપર્ટ માને છે કે આ કોઇ પણ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી પહેલી ફૂટબોલ કિક હતી કારણ કે આ ફૂટબોલની રમત ભારતીયો માટે ખાસ જાણીતી ન હતી. બાળક નાગેન્દ્રએ તો ઘરે જઇને રફ દડા વડે શેરીમાં મિત્રો સાથે કિક મારવાની આ રમત રમવા માંડી અને સ્કૂલના વિધાર્થીઓને પણ રમવા માટે પ્રોત્સાહિત કર્યા. અંગ્રેજ અધિકારીઓએ પણ બાળકોને ફૂટબોલની રમત તથા નિયમો સમજાવ્યા હતા. વિધાર્થી કાળમાં જ નાગેન્દ્રપ્રસાદના હૈયામાં ફૂટબોલ રમત વસી ગઇ હોવાથી તેમણે મોટા થઇને ભારતમાં ફૂટબોલના પ્રચાર પ્રસાર માટે ઘણું યોગદાન આપ્યું હતું. સ્કૂલ અભ્યાસ પછી નાગેન્દ્રએ પ્રેસિડેન્સી કોલેજમાં એડમિશન લીધું હતું. સમય વિતવાની સાથે નાગેન્દ્ર કલકત્તાના સ્પોર્ટિગ કલબમાં મોટું નામ બની ગયા હતા.૧૮૮૪માં કોલેજથી નિકળ્યા પછી નાગેન્દ્રએ વેલિંગ્ટન ફૂટબોલ કલબની સ્થાપનામાં રસ લીધો હતો પરંતુ મોનીદાસ નામના પછાત જાતિના ખેલાડીને ફૂટબોલ રમવા દેવામાં ના આવતા તેના વિરોધ્ધમાં કલબ છોડી દીધી હતી.૧૮૮૭માં તેમણે સોવાબાઝાર નામની ફૂટબોલ કલબ સ્થાપી જેમાં મોનીદાસને ફૂટબોલની સ્થાનિક ટુર્નામેન્ટ રમવાની તક આપી હતી. સોવાબઝાર કલબ કોઇ મોટી ફૂટબોલ ટુર્નામેન્ટમાં બ્રિટિશ ટીમને હરાવનારી પ્રથમ કલબ બની હતી. ૧૮૯૩માં ગોરાઓએ ઇન્ડીયન ફૂટબોલ એસોશિએશનની રચના કરી જેમાં સોવા બાઝારનું પ્રતિનિધિત્વ નાગેન્દ્રપ્રસાદના મિત્ર કાલીચરણમિશ્રાએ કર્યું હતું. દૂનિયામાં ઇંગ્લીશ અને સ્કોટિશ પછી ચોથા નંબરનું જૂનું ફૂટબોલ સંગઠન ગણાતા ઇન્ડીયન ફૂટબોલ એસોસિએશનની ફૂટબોલ લીગ મેચોમાં મોટા ભાગે અંગ્રેજો પ્રેરિત ટીમો જ જીતતી હતી પરંતુ ૧૯૧૧માં ભારતીય ખેલાડીઓને સમાવતી મોહન બગાને યોર્કશાયર રેજીમેન્ટને હરાવીને પહેલીવાર ફૂટબોલ મેચ જીતી હતી. નાગેંન્દ્રએ ભારતીય ફૂટબોલ એસોસિએશનની સ્થાપનામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

નાગેન્દ્રપ્રસાદે ભારતમાં આજીવન ફુટબોલના પ્રચાર અને પ્રસાર માટે પ્રયત્નો કર્યા હોવાથી તેમને ભારતીય ફુટબોલના પિતા પણ કહેવામાં આવે છે. આ ફૂટબોલના પિતા અંગે નવી પેઢી ભાગ્યેજ કશુંક જાણે છે. બ્રાઝિલમાં જે ઘેલું ફૂટબોલે લગાડયું છે તેવો ક્રેઝ ભારતમાં હાલ ક્રિકેટનો છે. નોંધવા જેવું એ છે કે  બ્રાઝિલ વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેનેે ફૂટબોલ વિશ્વકપની તમામ સ્પર્ધામાં ભાગ લીધો છે. બ્રાઝિલિયનોના ફૂટબોલ માટેના  ઝનુન અને સમર્પણના કારણે પેલે, સોક્રેટિસ અને રોનાલ્ડો જેવા મહાન ખેલાડીઓ મળ્યા હતા.  ફૂટબોલનો જાજરમાન ઇતિહાસ અને ક્રિકેટનો ઝાકઝમાળ વર્તમાન ધરાવતા ભારતને ક્રિકેટની જેમ ફૂટબોલમાં પણ અતિ શ્રેષ્ઠ,આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓની જરુરિયાત છે. ભારતમાં ફૂટબોલનું આગમન ખૂબ વહેલું થયું પરંતુ દુનિયામાં ડંકો વાગવાનો ૧૫૦ વર્ષ પછી પણ બાકી રહયો છે. 

આ સમાચાર શેર કરો