Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ : Cambodia: Global hub of pig butchering cyber scam

GSTV શતરંગ/ કંબોડિયા: પિગ બુચરિંગ સાઈબર સ્કેમનું ગ્લોબલ હબ

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ/ કંબોડિયા: પિગ બુચરિંગ સાઈબર સ્કેમનું ગ્લોબલ હબ
સોર્સ : GSTV

- સાઇન-ઇન

App Store

- હર્ષ મેસવાણિયા

છેલ્લા છ-સાત માસમાં જ દક્ષિણ-પૂર્વના દેશોના સ્કેમર્સ ભારતને ૭ હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવી ચૂક્યા છે. કંબોડિયાએ તો દેશ-વિદેશમાં તરખાટ મચાવી દીધો છે.

પિગ બુચરિંગ પ્લેટ. ચીનના 'શા ઝુ ફાન' વાક્યનો આ અંગ્રેજી અનુવાદ છે. પિગ ફાર્મિંગ દુનિયાનો દોઢ અબજ ડોલરનો ધંધો છે અને ચીનનો એમાં મોટો હિસ્સો છે. ડુક્કરને માંસ માટે કતલખાને મોકલવાના મહિનાઓ પહેલાંથી તેની ખૂબ સાર-સંભાળ રખાય છે. તેને જોઈએ એટલું ખવડાવવામાં આવે છે. એવું ચીનના પિગ ફાર્મર્સ ડુક્કર પર દયા ખાઈને નથી કરતા, પરંતુ એટલા માટે કરે છે કે ખાઈ-પીને તગડા થયેલા ડુક્કરના માંસથી તગડો ફાયદો મેળવી શકાય!

ગ્લોબલી પિગ ફાર્મિંગમાં આ જ ટેકનિક વપરાય છે. ડુક્કરને સારી રીતે ખવડાવી-પીવડાવીને ભરાવદાર કરવામાં આવે છે. એ માટે પહેલાં તો રોકાણ કરવું પડે. ડુક્કરને પાંચથી સાત મહિના સાચવીને ભરપેટ ખોરાક ખવડાવવો પડે અને જતન કરવું પડે. ડુક્કર વ્યવસ્થિત ખાય તો શરીર તગડું બને ને પછી પાંચ-સાત મહિને સમય જોઈને તેની કતલ કરી દેવામાં આવે છે. ડુક્કરને ભરાવદાર બનાવવા માટે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, એટલું જ તગડું વળતર પણ મળે છે.

બસ, અદ્દલ આ જ ટેકનિક સાયબર ક્રાઇમમાં પણ વપરાય છે. એને કહેવાય છે - પિગ બુચરિંગ સ્કેમ. ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટજી ઓલમોસ્ટ સેમ છે અને રિઝલ્ટ પણ ઓલમોસ્ટ સેમ મળે છે. પિગ બુચરિંગ સ્કેમની જાળમાં જે 'ડુક્કર' (ભોગ બનનાર વ્યક્તિ) ને ફસાવવાનું નક્કી થાય, તેની પાછળ સ્કેમર્સ ખાસ્સો સમય ફાળવે છે. શરૂઆતમાં રોકાણ કરાવીને વળતર પણ આપે છે. જરૂર પડ્યે ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ પણ કરવામાં આવે છે. પૂરેપૂરો ભરોસો જીત્યા પછી એક દિવસ ઠંડા કલેજે તેની કતલ કરી નાખવામાં આવે છે (એટલે કે લૂંટી લેવાય છે)!

દરેકે દરેક શોધના ફાયદા છે એમ ગેરફાયદા પણ અનિવાર્ય રીતે હોય જ છે. વીજળીની શોધથી માનવજીવન બદલાયું, પણ એનાથી આજે પ્રકાશ પ્રદૂષણ તરખાટ મચાવે છે. મશીનોની શોધથી કામ આસાન બન્યું, પરંતુ આજે મશીનોના કારણે ઇન્ડસ્ટ્રિયલ નોઇઝ પોલ્યુશન બેકાબૂ બન્યું છે. મોબાઇલની શોધથી કોમ્યુનિકેશન બેહદ આસાન બન્યું, પરંતુ સ્માર્ટફોનના વળગણે કેટલીય શારીરિક-માનસિક વ્યાધિઓને નોતરું આપ્યું છે. કમ્પ્યુટર અને ઇન્ટરનેટની શોધથી કોર્પોરેટ ક્રાંતિ થઈ, એમ એ જ રસ્તે હેકર્સ પણ પેદા થયા.

ને એવું જ ડિજિટલ ક્રાંતિથી થયું છે. આપણે હજારો કિલોમીટર દૂર બેસીને હજારો-લાખોના આર્થિક વહીવટો ચંદ સેકન્ડમાં કરી શકીએ છીએ. ઓનલાઇન શોપિંગ, સ્ટ્રીમિંગ, ઇ-ગવર્નન્સ, સોશિયલ નેટવર્કિંગ, કન્ટેન્ટ ક્રિએશનથી માંડીને ડિજિટલ ક્રાંતિના કારણે હેલ્થકેર અને એજ્યુકેશનમાં સરળતા આવી છે, પણ તેની સામે સાયબર ક્રાઇમ નામનો મહાવિલન પણ પેદા થયો છે. આ મહાવિલને આખી દુનિયામાં તરખાટ મચાવ્યો છે. એક વર્ષમાં જ ૧૫-૧૬ ટ્રિલિયન ડોલરની સાયબર છેતરપિંડી થાય છે ને એમાં પિગ બુચરિંગ સાયબર સ્કેમનો હિસ્સો ૧૦ ટ્રિલિયન ડોલર જેટલો છે.

બધા દેશોમાં આ પ્રકારની સાયબર છેતરપિંડી થાય છે, પરંતુ છેલ્લાં ચાર વર્ષમાં કંબોડિયા પિગ બુચરિંગ સ્કેમ અને સાયબર ફ્રોડનું એપી સેન્ટર બની ગયું છે. અમેરિકા, ચીન અને ભારત સહિત કેટલાય દેશોના નાગરિકોને કંબોડિયા વર્ષે કરોડોનો ચૂનો લગાવે છે. અમેરિકા, ચીન અને ભારતની તપાસ એજન્સીઓના દબાણ પછી કંબોડિયાની સરકારે કરવા ખાતર કાર્યવાહી કરી, પણ સરકારની મીઠી નજરથી જ સાયબર સ્કેમનો આ 'ધંધો' એકધારો તેજીમાં ચાલી રહ્યો છે.

કોરોના મહામારી વખતે કંબોડિયામાં મોટાભાગના સેક્ટર્સને મરણતોલ ફટકો પડ્યો અને ટૂરિઝમનો ગ્રાફ તો સાવ ગગડી ગયો. ૨૦૧૯માં કંબોડિયાએ ટૂરિઝમમાંથી પાંચ અબજ ડોલરની કમાણી કરી હતી. પોસ્ટ કોવિડ આ આંકડો ૧ અબજ ડોલરે પહોંચી ગયો. સામાન્ય રીતે કંબોડિયામાં ૬૦-૭૦ લાખ વિદેશી પ્રવાસીઓ આવે છે. આ ટૂરિસ્ટના આધારે કંબોડિયાના કેટલાય શહેરોમાં ધંધા-રોજગાર ચાલે છે. હોટેલો અને રેસ્ટોરન્ટ્સનો તો આધાર જ ટૂરિસ્ટ પર છે. ૨૦૨૦-૨૦૨૧માં ટૂરિઝમને ફટકો પડ્યો તેનો ફાયદો લઈને ખાલી પડેલી હોટેલ્સ અને કેસિનોને સ્કેમર્સે ઓનલાઇન ફ્રોડ સેન્ટર્સમાં ફેરવી દીધા. આ સ્કેમર્સ પહેલાં ચીનની સરહદેથી રેકેટ ચલાવતા હતા, તેમને કંબોડિયામાં મોકળું મેદાન મળી ગયું. શરૂઆતમાં ચીનના સ્કેમર્સે સેન્ટર્સ બનાવ્યા ને પછી થાઇલેન્ડ અને મ્યાંમારના સ્કેમર્સને પણ કંબોડિયા માફક આવી ગયું.

ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને આ સ્કેમર્સે ફંડ આપવાનું શરૂ કર્યું એટલે સરકારની રહેમનજરથી જ દિવસ-રાત આ સેન્ટર્સ ધમધમવા લાગ્યા. પછી તો કંબોડિયા હ્યુમન ટ્રાફિકિંગનું પણ હબ બન્યું. યુનાઇટેડ નેશન્સે કહ્યું હતું કે કંબોડિયામાં અત્યારે સાયબર સ્કેમ સેન્ટર્સમાં દોઢ લાખ વિદેશી નાગરિકોને ગોંધી રાખવામાં આવ્યા છે અને તેમની પાસે બળજબરીથી સાયબર સ્કેમનું કામ કરાવાય છે. નોકરીની લાલચ આપીને કેટલાય વિદેશી નાગરિકોને કંબોડિયા લાવવામાં આવતા અને પછી તેમના પાસપોર્ટ જપ્ત કરીને આ સ્કેમ સેન્ટર્સમાં કામે વળગાડી દેવાતા. એમાં ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. ઘણા લોકો વધારે પૈસા કમાવાના ઇરાદે સામે ચાલીને પણ આ સેન્ટર્સમાં જવા લાગ્યા. એ રીતે કંબોડિયા ધીમે ધીમે ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમનું એપી સેન્ટર બની ગયું.

આ રેકેટ પદ્ધતિસર ચાલે છે. જેને શિકાર બનાવવાના હોય છે, તેમનો બધો જ ડેટા એકઠો કરવામાં આવે છે. તેમની સાથે ઓનલાઇન વાતચીત કરીને ભરોસો જીત્યા બાદ હળવેકથી થોડી રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહેવામાં આવે છે. આ ઇન્વેસ્ટમેન્ટ મોસ્ટલી ક્રિપ્ટોમાં હોય છે. એકાદ-બે વખતના રોકાણનું ખૂબ સારું વળતર મળે છે એટલે રોકાણકારનો ભરોસો મજબૂત થાય છે. એ વધારે રકમ રોકવા તૈયાર થાય છે અને પોતાની ક્ષમતા પ્રમાણેનું બધું જ રોકાણ કરી નાખે, પછી તેને મોટો ચૂનો લગાવી દેવામાં આવે છે.

બધી મરણમૂડી રોક્યા પછી જ્યારે સાયબર ક્રાઇમ પીડિતને જાણ થાય છે કે આખું નેટવર્ક જ ફેક હતું અને રોકાણની ચેનલ પણ નકલી હતી, ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ જાય છે. આ રીતે કંબોડિયાના સ્કેમ સેન્ટર્સ ચીનથી લઈને ચિલી, કેનેડાથી કેમેરૂન, અમેરિકાથી યુરોપ અને ઇન્ડિયાથી આયર્લેન્ડ સુધીના નાગરિકો સાથે પિગ બુચરિંગ સ્કેમ કરે છે. તેનો સ્કેલ એટલો મોટો છે કે કંબોડિયાની જીડીપીથી અડધી રકમ આ સ્કેમર્સ દર વર્ષે લૂંટે છે.

કંબોડિયાની જીડીપી ૫૦-૫૫ અબજ ડોલર છે. કંબોડિયામાં ચાલતા સ્કેમ સેન્ટર્સ દુનિયાભરના નાગરિકો સાથે વર્ષે ૨૩થી ૨૫ અબજ ડોલરની છેતરપિંડી કરે છે. એમાંથી ૧૯ અબજ ડોલર તો માત્ર પિગ બુચરિંગ સ્કેમથી પડાવી લેવામાં આવે છે. અમેરિકાની સાયબર સુરક્ષાની થિંક ટેંકે એવો અંદાજ રજૂ કર્યો હતો કે પાંચ વર્ષમાં એકલા અમેરિકાના નાગરિકો સાથે જ કંબોડિયામાંથી ૧૦ અબજ ડોલરથી વધુની છેતરપિંડી થઈ ચૂકી છે. ભારતીયો સાથે પણ છેતરપિંડીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લાં છ જ માસમાં કંબોડિયાના સ્કેમર્સ ભારતીયો સાથે ૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી ચૂક્યા છે.

વિદેશ મંત્રાલયના એક એનાલિસિસમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. દક્ષિણ-પૂર્વના દેશોમાં ચાલતા સ્કેમ સેન્ટર્સ દર મહિને ભારતીયો સાથે ૧૦00 કરોડની છેતરપિંડી કરે છે. છેલ્લાં છ-સાત માસમાં જ દક્ષિણ-પૂર્વના દેશોના સ્કેમર્સ ભારતના ૭ હજાર કરોડ રૂપિયા તફડાવી ચૂક્યા છે. દેશમાં સાયબર ક્રાઇમ અટકે તે માટે અસંખ્ય કેમ્પેઇન ચાલી રહ્યાં છે. દરરોજ આરોપીઓની ધરપકડ થતી રહે છે, તે છતાં આ સાયબર ક્રાઇમ ઘટવાને બદલે વધી રહ્યો છે. ભારત ડિજિટલ પેમેન્ટમાં પહેલા નંબરે છે અને એ દેશની ઓળખ બની રહી છે, પણ એની જ ભયાવહ સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહી છે.

વેલ, ગોળ હોય ત્યાં માખીઓ આવે, પણ ગોળને માખીઓથી બચાવવાની જવાબદારી આપણી પોતાની છે. પિગ બુચરિંગ પ્લેટ તૈયાર થતી હોય ત્યારે જ ચેતી જવું પડશે!

પોણી દુનિયાને ઓનલાઇન ચૂનો લગાડતા આ પાંચ દેશોના સ્કેમર્સ

દક્ષિણ-પૂર્વ એશિયા સાયબર ક્રાઇમનું કેન્દ્ર છે. જેને મેકોંગ વિસ્તાર કહેવાય છે ત્યાં અત્યારે હજારો સાયબર સ્કેમ સેન્ટર્સ ચાલી રહ્યાં છે. મેકોંગ રિજન એટલે ચીન, મ્યાંમાર, લાઓસ, થાઇલેન્ડ, કંબોડિયા અને વિયેતનામ. આ દેશોમાંથી ચીન, કંબોડિયા, મ્યાંમાર અને થાઇલેન્ડમાંથી વર્ષે ૮થી ૯ ટ્રિલિયન ડોલર્સની સાયબર છેતરપિંડી થાય છે. લગભગ સાડા ત્રણ લાખ વિદેશી નાગરિકોને એક નહીં તો બીજી રીતે આ વિસ્તારમાં ગોંધી રાખીને તેમની પાસે સાયબર સ્કેમનું કામ કરાવાઈ રહ્યું છે. આ દેશોમાં ચાલતા સાયબર સ્કેમ સેન્ટર્સનું મુખ્ય ટાર્ગેટ પિગ બુચરિંગ છે. તે સિવાય ડિજિટલ અરેસ્ટ અને ઓનલાઇન ગેમિંગ જેવી પદ્ધતિથી પણ કરોડો-અબજોની ઓનલાઇન છેતરપિંડી થાય છે.

ભારતના સિમકાર્ડ કંબોડિયા મોકલવાનું રેકેટ

કોચીના એક ૩૭ વર્ષના ડોક્ટરને મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા ફસાવવામાં આવ્યા હતા. ૩૭ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યા પછી ડોક્ટરને ખબર પડી કે એ પ્લેટફોર્મ જ નકલી હતું. આ ઘટનામાં કેરળના ૨૪ વર્ષના આરોપી અબ્દુલ રહેમાનની દિલ્હીમાંથી ધરપકડ થઈ હતી. એ પછી ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ થયો હતો. ઇડી (ED) એ ૨૩ લાખ શંકાસ્પદ સિમકાર્ડનું એનાલિસિસ કર્યું હતું. એમાંથી ૩૬ હજાર સિમકાર્ડનો ઉપયોગ કંબોડિયાના સાયબર ક્રાઇમમાં થાય છે. ૫૩00 સિમકાર્ડ તો ઓળખી કાઢ્યા છે, જે દેશની સાયબર ક્રાઇમની ઘટનાઓમાં સંડોવાયેલા છે. ઇડીએ પંજાબ અને રાજસ્થાનના સાત સ્થળે દરોડા પાડ્યા તો એમાં જણાયું કે ભારતમાંથી સિમકાર્ડ એક્ટિવ કરાવીને કંબોડિયા જેવા દેશોમાં મોકલવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. તેનો અર્થ એવો થાય કે તમને ભારતીય નંબર્સમાંથી ફોન આવે તો પણ એ ફોન વાસ્તવમાં કંબોડિયામાંથી જ થયો હોઈ શકે છે.