શતરંગ / મૈત્રક વંશ ભાગ: 2
- ઈતિહાસ ગાથા ગુજરાતના ઇતિહાસનો પહેલો સ્વતંત્ર વંશ એટલે વલભીનો મૈત્રક વંશ. આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક રીત

- ઈતિહાસ ગાથા
ગુજરાતના ઇતિહાસનો પહેલો સ્વતંત્ર વંશ એટલે વલભીનો મૈત્રક વંશ. આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ એવા આ વંશમાં અનેક મહાન રાજાઓ થઇ ગયા. વલભી વિદ્યાપીઠ જેવી મહાન સંસ્થા આ સમયમાં થઇ, જ્યાં દેશ વિદેશમાંથી વિધાર્થીઓ અભ્યાસ માટે આવતા. વલભી વ્યાપારનું પણ બહુ મોટું કેન્દ્ર હતું.
વિશ્વ આખામાં વ્યાપાર અને વિદ્યાનું આટલું મોટું કેન્દ્ર હોવા છતાં કેમ વલભીનો નાશ થયો? એ પ્રશ્ન આપણને થવો જોઈએ. સામ્રાજ્યના ઉદય અને અસ્ત માટે મોટાભાગે તો રાજા જ જવાબદાર હોય છે. વલભીના મૈત્રક વંશના અંત માટે પણ રાજા જ જવાબદાર હતા. અને એ રાજાને કારણે જ ગુજરાતને તેના પહેલા ‘જયચંદ’ મળ્યા. અને આ જયચંદ હતા-શિલાદિત્ય સાતમા.
શીલાદિત્ય 7માનો સમયગાળો આશરે ઈ. સ. 760-788 હતો. તેઓ મૈત્રક વંશના છેલ્લા રાજા હતા. જૈન પ્રબંધો જેવા કે, ‘પ્રબન્ધચિંતામણિ’, ‘વિવિધ તીર્થકલ્પ’, ‘પ્રબન્ધકોશ’ અને ‘પુરાતન પ્રબન્ધ સંગ્રહ’માં વલભીના નાશ વિશે ઘણી વિગતો આપવામાં આવી છે. તેમાં આપેલી કથાઓ મુજબ શિલાદિત્ય સાતમાના નગરશ્રેષ્ઠી કાકુ વાણીયા રાજાના મિત્ર હતા. તેથી બન્ને પરિવારો વચ્ચે પણ સારા સંબંધો હતા. એકવાર રાજાની દીકરી કાકુ વાણીયાની દીકરી પાસે રહેલી રત્નજડિત કાંસકી જોઈ જાય છે. રાજાની દીકરીને એ કાંસકી એટલી ગમી જાય છે કે એ કાંસકી લેવા માટે જીદ કરે છે. તેથી રાજા કાકુ વાણીયાને જણાવે છે કે એ કાંસકી તે પોતાની દીકરીને ભેટમાં આપે. પરંતુ સામે પક્ષે કાકુ વાણીયાની દીકરીને પણ એ કાંસકી અતિપ્રિય હોવાથી તે કાંસકી આપવાની ના પાડે છે. બાળહઠ આગળ ક્યાં કોઈનું ચાલ્યું છે! ને એમાં ય આ તો રાજા હતા. કાકુ વાણીયાની મરજી ન હોવા છતાં રાજા બળજબરીથી એ કાંસકી લઇ લે છે. આમાં કાકુ વાણીયાને પોતાનું અપમાન થયું હોય એમ લાગ્યું. એટલે તે આ અપમાનનો બદલો લેવાની અને રાજાના અહંકારને તોડવાની પ્રતિજ્ઞા લે છે.
ભારતમાં તો વલભી જેવા શક્તિશાળી સામ્રાજ્ય સામે માત્ર નાનકડા કારણસર કોઈ યુદ્ધ ન કરે. તેથી કાકુ વાણીયાએ મુસ્લિમ આક્રમણખોરનો સહારો લીધો. કાકુએ આરબ સેનાપતિને મોંમાગ્યા પૈસા આપીને વલભી પર હુમલો કરવા તૈયાર કર્યો. આ વખતે જૈનોના દેવોની પ્રતિમાઓ અન્યત્ર મોકલી દેવામાં આવી અને પછી મ્લેચ્છોએ વલભીનો નાશ કર્યો. અલ્-બિરૂનીની નોંધ પ્રમાણે આ મ્લેચ્છપતિ સિંધનો અરબ સૂબો હતો. ઈ.સ 788-89ની તારીખ પરથી સિંધનો સૂબો સલીમ યુનીસી (786-90) હોવાનું જણાય છે.
આ બનાવ પછી દસ વર્ષે ખલીફ અલ્-મહદીના સમયમાં અબ્દુલ મલિકે ઈ. સ. 776માં વલભી પર દરિયાઈ હુમલો કર્યો. શરૂઆતમાં અરબો વલભી કબજે કરવામાં સફળ થવા લાગ્યા, પરંતુ પાછળથી રોગચાળાને કારણે અનેક સૈનિકો મૃત્યુ પામ્યા. તેથી બાકી રહેલા સૈનિકો તરત પાછા ફર્યા. આમ, શીલાદિત્યને કુદરતે પરોક્ષ રીતે સહાય કરી. અરબી સેના શીલાદિત્યનો તથા વલભીનો નાશ કરીને પાછી જતી રહી તે પછી ત્યાં મૈત્રક વંશની સત્તાનો અંત આવ્યો. આમ, શીલાદિત્ય-7માનો જુલમી વહીવટ મૈત્રક રાજ્યનો અંત લાવવાનું નિમિત્ત બન્યો. શિલાદિત્ય સાતમા આ વંશનાં છેલ્લા રાજા હતા.
વલભીના મૈત્રક વંશનો અંત આવતા તે સમયની ગુજરાતની રાજકીય પરિસ્થિતિ ડગી ગઈ. આ સમયે ગુજરાતમાં કોઈ મોટી સત્તા ન હોવાથી એ સમય ‘અનુ મૈત્રક કાળ’ તરીકે ઓળખાયો. એ સમયમાં ગુજરાતમાં કોઈ એક વંશનું આધિપત્ય ન રહેતા અલગ અલગ રાજવંશ ગુજરાતની ભૂમિ પર સત્તામાં આવ્યા.
ગુજરાતમાં જ્યારે મૈત્રક વંશનો અંતિમ દૌર ચાલી રહ્યો હતો ત્યારે દક્ષિણ ગુજરાતમાં ચૌલુકય વંશ પણ પોતાના અંતિમ તબક્કામાં આવી ગયું હતું. નવસારીમાં ચૌલુક્ય વંશનો અંત થયા બાદ ત્યાં રાષ્ટ્રકૂટનાં એક કુળની સત્તાની સ્થાપના થઇ.
જયારે ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારમાં મૈત્રક વંશનું રાજ હતું ત્યારે રાજસ્થાનના ભીલ્લમાલની આસપાસના પ્રદેશને ગુર્જરદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. ભિલ્લમાલ કે જે શ્રીમાલ તરીકે જાણીતું હતું ત્યાંથી ઘણી અલગ અલગ જાતિઓના લોકો વ્યાપાર કે અન્ય કારણોસર ગુજરાત આવીને વસ્યા હતા.
મૈત્રક વંશનો અંત થયો એ સમય ઇ.સ. ૭૮૮નો હતો અને એ પછી લગભગ છેક ૧૫૦ વર્ષ પછી એક બીજો મજબૂત રાજવંશ ‘સોલંકી વંશ’ આવ્યો. આ વચ્ચેનાં ૧૫૦ વર્ષનાં સમયગાળામાં ગુજરાતમાં કોઈ એકહથ્થુ રાજવંશ શાસનમાં નહોતો. અલગ અલગ પ્રદેશમાં ત્યાંના સ્થાનિક અથવા તો કોઈ બહારથી આવેલા રાજવંશ રાજ કરતા હતા. જેમાં ગુર્જર પ્રતિહાર વંશ, ચાવડા વંશ અને રાષ્ટ્રકૂટ વંશ એ મહત્વના રાજવંશ ગણી શકાય.
આ સમય હતો રાજકીય અસ્થિરતાનો, આ સમય હતો ગુજરાતની એક અલગ ઓળખનો, આ સમય હતો ગુજરાતના પોતાના જ કહી શકાય એવા રાજવંશના અંતનો. અને એ અંત પછી ગુજરાત આશરે 150 વર્ષ રાજકીય ગુમનામીમાં રહ્યું. જયારે એ રાજકીય ગુમનામી દુર થઇ ત્યારે ગુજરાતે એક એવી ઓળખ ઉભી કરી જેનાથી હાલમાં આખી દુનિયા ગુજરાતને ઓળખે છે.
- રક્ષા ત્રાપસિયા








