શતરંગ / કાલા અને કાર્લ માર્ક્સ: મુજે ઉઠાને મેં ખુદ આઉંગા!
- સિંગલ સ્ક્રીન મસ્કાબન: તમે લેખક હોવા ઉપરાંત શું કરો છો? કોલમ સિવાય પ્રાદેશિક ન્યુ

- સિંગલ સ્ક્રીન
મસ્કાબન: તમે લેખક હોવા ઉપરાંત શું કરો છો? કોલમ સિવાય પ્રાદેશિક ન્યુઝ ચેનલ્સમાં ‘એક્સપર્ટ’ તરીકે જાઓ છો? સ્પિચ
આપો છો? ફેસબુક પર વાંચકો સાથે બાખડો છો? તમે મુવિ-ફૂડ-ટ્રાવેલ-પોલિટીકલ અને સોશિયલ સાયન્સનાં બની બેઠેલા એક્સપર્ટ નથી? તો ભલા માણસ તમે લેખક છો જ નહિ! આ અઠવાડિયે ફિલ્મ ‘પબજી, સૉરી કલ્કિ’ રિલીઝ થઇ છે, અને ખબરદાર જો ફેસબુક કે બીજા કોઈ સોશિયલ મીડિયા પર એનાં વિષે કકળાટ કાઢ્યો છે તો! ભાઈ, મેઈનસ્ટ્રીમ ફિલ્મો તો આવી જ હોય. એમાં મારધાડ, મસાલા, થોડા સેક્સી ગીતો, જુના ગીતોનાં રિમિક્સ અને લોજિકને તાળું. સલમાનની બોડી અને અક્ષય કુમારની હોલસેલ દેશભક્તિ, આમિર ખાનનું પરફેક્શન અને વાયડાઈ અને કેટરિનાનાં એક્સેન્ટની વાત જ ન થાય. ફિલ્મોને અલગ અલગ ચશ્માં થી જ જોવાની. સાઉથની ફિલ્મો તો લાઉડ હોય એવું વર્ષો થી કહી કહીને આપણા મગજમાં ઠસાવી દેવામાં આવ્યું છે કે ‘ત્યાંની’ ફિલ્મો તો લાઉડ હોય, લોજિક વગરની હોય અને હસી નાંખવાની હોય. હિન્દી મુવિ ચેનલ્સમાં રોજ આવતી સાઉથની અમુક ચુનંદા સસ્તી ફિલ્મો હોય છે પણ એવી કે એવી છાપ જ બને! પણ થોડા વર્ષો થી એ ઈમેજ બહુ ઝડપ થી બદલાવા લાગી. એક પછી એક થ્રિલર, ક્રાઈમ ડ્રામા, પોલિટીકલ થ્રિલર અને ક્લાસિક તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોબનવા લાગી, અને તરત જ એની હિન્દી રિમેક બનવાની જાહેરાતો પણ થવા લાગી. મુરુગદોસ થી રાજમૌલી, અટલી થી પા.રણજીત જેવા દિગ્દર્શકો એવી વરાયટી વાળી ફિલ્મો આપતા ગયા કે એની હવા આખા ભારતમાં ફેલાવાની જ હતી! પણ વાત ખાલી આટલે થી સાઉથની ફિલ્મોનાં સુપરફિશીયલ ગુણગાન ગાવા જેટલી જ નથી, એમાં ક્યાંક કંઇક એવું તત્વ છે જે લોકો સુધી પહોંચે છે, જે ક્યાંક દિલને સ્પર્શી જાય છે. શું કામ? ક્યા કારણો છે? ચાલો થોડું વિગતે વાત કરીએ. સૌથી પહેલું કારણ છે સાઉથની ફિલ્મો આજે પણ ગ્રાસરૂટ સાથે જોડાયેલી છે. ૮૦% થી વધુ સાઉથની ફિલ્મોની વાર્તાનું મુળ ગામડાઓ સાથે જોડાયેલું છે! ફિલ્મનો પ્રોટાગોનિસ્ટ મહેશ બાબુ હોય કે સુરિયા, વિજય હોય કે નાની, કે પછી ધનુષ. એ પોતાનાં ગામ માટે કંઇક કરી છૂટવા માંગે છે. ત્યાંની ચોખાની ફસલ, નદી-ધોધ અને બેકવોટર્સનાં બેકડ્રોપ આંખોને કોઈ અલગ જ તાજગી આપે છે. એ યાદ રહે કે ત્યાંની ફિલ્મોને બજેટ નથી નડતા, જેટલા પ્રમાણમાં ગામડાઓ આવે છે એટલા જ પ્રમાણમાં યુરોપિયન કન્ટ્રીઝ અને સાઉથ એશિયાનાં દેશો પણ આવે જ છે. છતાં, વાર્તાનું પ્રોમિનન્સ મોટેભાગે ગામડું જ હોય છે. સમન્થા થી નયનતારા અને સાંઈ પલ્લવી થી પદ્મપ્રિયા કે પછી રાજીષા વિજયન પણ એ ગર્લ નેક્સ્ટડોર લાગે છે, એમાં ઝાઝો ભપકો નહિ પણ એક ઠહેરાવ વાળી બ્યુટી જોવા મળે જે તમને જોતાવેંત જ ગમી જાય! ત્રીજું સૌથી મોટું કારણ છે વાર્તાતત્વ. ક્રૂર ગુનેગારો થી લઈને દેશનાં પ્રવર્તમાન ઇશ્યુઝ પર ફિલ્મો બને છે, ક્યારેક કિડનેપિંગ વાળી ‘હેઈસ્ટ ક્રાઇમ ડ્રામા’ બને છે તો ક્યારેક એ.મા.યુ જેવી સામાજિક વાર્તા આવે છે, માર્યાન જેવી માઈગ્રન્ટ ડ્રામા પણ આવે! વિષય વૈવિધ્ય એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે! અને હવે સૌથી મોટું કારણ! ભીડ માંથી બહાર આવીને, ઉપર ઉઠીને ઉઠાવવામાં આવતો અવાજ! એક એવી વ્યક્તિ જે હિરો તરીકે ઉભરી આવે અને લોકોનાં હક માટે લડે! કબાલી થી કાલા સુધીની ફિલ્મો, મેર્સલ થી સ્પાયડર સુધીની ફિલ્મો એ શું છે? તમારે જ તમારો ઉદ્ધાર કરવાનો છે! તમને કોઈ ઉઠાવવા નહી આવે. પણ એવો વિશ્વાસ પણ કોઈએ તો ઇન્જેક્ટ કરવો પડશે ને? રજનીકાંતનો કાળો પોશાક, અને વિકાસને નામે ચરી ખાતો ટિપિકલ ગેંગસ્ટર હરિદાદા એટલે કે નાના પાટેકર સફેદ પોશાક પહેરે છે! આ રામ અને રાવણની આ જકસ્ટાપોઝિશન ભલે બહુ બધી ફિલ્મોમાં આવી ગઈ હોય પણ આજે પણ તમિલ અને મલયાલમ ફિલ્મોમાં ડાબેરી અને સામ્યવાદી વિચારસરણીની ખુલ્લે આમ તરફેણ કરાય છે! આજે પણ ત્યાં રામાયણ ફિલ્મોની થિમ તરીકે એટલી જ પ્રસ્તુત છે. આપણી અંદર જ રામ અને રાવણ બંને છે. સવાલ એ છે કે આપણે કઈ તરફ ઢળીએ છીએ! રજનીકાંતનાં સ્લો મોશન સીન્સ કે પછી કેટલાક બિનજરૂરી ગીતોને જ ન ગણીએ, પણ જે રીતે કાલામાં રંગોનો ઉપયોગ થયો છે એ કાબિલે તારિફ છે. કાળો, સફેદ, બ્લ્યુ, લાલ, ગુલાબી રંગો ઘણું બધું કહી જાય છે! ‘કાલા એક નથી, અહીં બધા કાલા છે!’ આ એક એવો અભેદ્ય મહેલ છે જેને કોઈ ભેદી ન શકે! આવા ડાયલોગ્સ તાળીઓ જ નથી ઉઘરાવતા પણ ઘણુબધું કહી જાય છે. આજે પણ પોસ્ટર્સમાં કાર્લ માર્કસની કિતાબો કે પોસ્ટર જોવા મળે છે! આજે પણ દાતરડાં હવામાં ઉપર થાય એ શું બતાવે છે? ખેડુતો થી સફાઈ કામદારો, શાકભાજી વેંચનાર થી લઈને મિલ મજુર સુધીનાં દરેક લોકોને પોતાનાં હક્ક માટે લડવાનું કહેનાર કાલા કરિકાલન કોણ છે? કાલા કરિકાલન પણ દબાઈ કચડાઈને ઉપર આવેલો માણસ છે! પણ એણે કોઈની રાહ જોયા વગર પોતે જ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે! આંબેડકરન ફોટો જ નહિ, કે પછી દલિતોનું સ્પેશિયલ સાહિત્ય કે અનામત જ નહિ, પણ દલિતો વિષે ખુલીને લોજિક થી બોલવું! સ્પેશિયલ હક્ક ને બદલે સચ્ચાઈથી બોલવામાં ઘણો ફર્ક છે! દલિતો અને સવર્ણો વચ્ચેની દિવાલ આજે અભેદ્ય લાગે છે. રાજકીય દંગાઓનો ભોગ લોકો બને છે અને નેતાઓ મલાઈ ચાટી જાય છે. રોહિત વેમુલા થી ઉનાકાંડ અને કનૈયા થી એક્ટિવિસ્ટ વિલશન બૈજવાડા સુધીનાં લોકોની સામે કેટલાય લેખકો, નેતાઓ અને પબ્લિક પર્સન દુશ્મનની જેમ ઉભા છે! જેને સચ્ચાઈ તો ખબર છે પણ આંખ આડા કાન કરીને પોતાનો ફાયદો ઉઠાવવામાં એ વ્યસ્ત છે! દલિતો હોય કે કોઈ પણ જ્ઞાતિ, આપણે સાથે જયારે જમીશું, કોઈ જ માનસિક ભેદભાવ નહિ રાખીએ, આંતરજ્ઞાતીય લગ્નો વધશે એ દિવસે ‘કાલા’ કે કબાલિની જરૂર જ નહિ પડે! શું કહો છો? જય ભીમ, કેપ્ટ્ન મિલર, કર્ણન, દશારા અને કૉર્ટ જેવી ફિલ્મોની વાત આવતા શુક્રવારે કરીશું જેમાં દલિતોની વાત ખુલીને અને મોકળા મને કરવામાં આવી! ડેઝર્ટ: ક્યારેય વિચાર્યું છે કે બે દિવસ સફાઈ કર્મીઓ થી લઈને ફેરિયાઓ, રોજનું કમાઈ ખાનારાઓ જો પોતાનું કામ છોડી દે તો દેશની શું હાલત થઇ શકે? - ભાવિન અધ્યારુ





