મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / નફરત કરને વાલો કે સીને મેં પ્યાર ભરદુ...

- છલકાયે જામ હિન્દી ફિલ્મજગતમાં મધુર મેલોડી સંગીતનું અસ્તિત્

શતરંગ / નફરત કરને વાલો કે સીને મેં પ્યાર ભરદુ...

- છલકાયે જામ 

     હિન્દી ફિલ્મજગતમાં મધુર મેલોડી સંગીતનું અસ્તિત્વ ખતમ થઈ ગયું અને એક્શન ધબાધબી આગલી હરોળમાં ગોઠવાઈ ગઈ એવું જ્યારે કહેવાતું અને મનાતું એ યુગને પણ ચૂપચાપ પોતાનું કામ કરતા રહીને યાદગાર સંગીત વડે મઢનારી સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજી એ વિરલ કામગીરી કરી છે!

     ધાર્મિક જૈન મુનિ ચિત્રભાનું રચિત ગીત મુકેશના કંઠે ગવડાવીને કલ્યાણજી આણંદજીએ અમર કરી દીધું છે, ‘મિત્રભાવનું પવિત્ર ઝરણું..’ કલ્યાણજી એ હિન્દી ફિલ્મજગતમાં પ્રથમ આગમન કર્યું અને કિકુભાઈ દેસાઈના દીકરા અને મનમોહન દેસાઈના ભાઈ સુભાષ દેસાઈએ એમની પ્રતિભા પારખીને એક સાથે 11 ફિલ્મોમાં સંગીત આપવાનો કોન્ટ્રાક્ટ કલ્યાણજી સાથે કર્યો અને ‘સમ્રાટ ચંદ્રગુપ્ત’ ફિલ્મથી કલ્યાણજીની સંગીત સફર શરૂ થઈ. આણંદજીને તો ફિલ્મોમાં એક્ટિંગ કરવી હતી પણ કોઈ એવા સારા કલાકાર તરીકે સ્થાપિત થઈ જાય એવા રોલ ન મળ્યા એટલે તેઓ પણ મોટાભાઈ કલ્યાણજી સાથે સંગીતકાર તરીકે જોડાઈ ગયા! આ બેલડી પહેલાં પણ હિન્દી ફિલ્મ સંગીતકારોમાં બે સગા ભાઈઓની જોડી સંગીતકાર તરીકે કામ કરી ગઈ હતી જેમના નામ હતા હુશનલાલ ભગતરામ.

     ફિલ્મજગતમાં ગ્લેમરમાં રહેવા છતાંય કલ્યાણજી આણંદજીને ગ્લેમરનો રંગ ક્યારેય ચડ્યો નહીં. વિરજી શાહ એમના પિતાજી જેમની મુંબઈમાં દુકાન હતી કરિયાણાની અને વિરજી શાહની માતા અને પત્ની બન્ને ખૂબ હલકદાર અવાજથી ભક્તિ ગીતો અને ભજનો ગાતા. એ સાંભળીને કલ્યાણજી આનંદજીમાં સંગીતના બીજ રોપાયા. કલ્યાણજીની સંગીતની રૂમ મુંબઈના પેડર રોડ પર આવેલી અને મુંબઈમાં આવતા મોટા આધ્યાત્મિક, ધાર્મિક મહાનુભાવો એમની સંગીત રૂમ પર હાજરી આપતા જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રજનીશજી પણ હતા!

     સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજી માંના કલ્યાણજી સંગીત ઉપરાંત રમૂજ,જોક્સના જાણકાર હતા અને પોતાની મૌલિક રમુજો પણ બનાવતા અને મિત્રો,પરિચિતોમાં રજૂ કરતા.

     રજનીશજીનાં અંગત મિત્રોમાં કલ્યાણજી હતા અને જ્યારે રજનીશજી એમના અનુયાયીઓ સાથે બેઠા હોય અને ફિલોસોફી,અધ્યાત્મિકતાની વાતો,પ્રશ્નોથી થાકીને કલ્યાણજીને કહેતા,”કલ્યાણજી,કુછ સુનાઓ.”અને કલ્યાણજી રમૂજ રજૂ કરતા.

     રજનીશજી ગુજરી ગયા ત્યારે એમના મિત્રો,પરિવાર માટે જુદી જુદી ચીજ મુકતા ગયેલા અને એ યાદીમાં મિત્ર કલ્યાણજીને રજનીશજીએ પોતાના પગરખાં આપવાનું લખ્યું હતું.જ્યારે રજનીશજીની ઈચ્છા કલ્યાણજીને કહેવામાં આવી ત્યારે કલ્યાણજી બોલ્યા,”આને કહેવાય જશને માથે જુતીયાં!”

     કલ્યાણજી જ્યારે બાળક હતા ત્યારે ભાવનગરના જીવા બાપા નામના એક સંત એ ભવિષ્ય ભાખેલું કે આ બાળક લલિતકલા ક્ષેત્રમાં મોટું નામ કાઢશે! 

     પોતાની સંગીતકાર તરીકેની કારકિર્દીમાં કલ્યાણજી આણંદજીએ સાઈઠ થી સિત્તેર ગીતકારો અને સિત્તેર જેટલા ગાયકો સાથે કામ કર્યું. ઉપકાર ફિલ્મનું સંગીત ખૂબ ઉપડ્યું અને આજે પણ ગીતકાર ગુલશન બાવરાએ લખેલું ગીત, ‘મેરે દેશકી ધરતી સોના ઉગલે...’ સુપરહિટ છે અને રાષ્ટ્રીય પર્વોમાં અચૂક સાંભળવા મળી જાય છે. આ ગીતનું રેકોર્ડિંગ સવારે સાડા અગિયારે શરૂ કરેલું  જે રાત્રે બે વાગ્યે પૂરું થયેલું!

     1965માં સાડાપાંચ કરોડ રૂપિયાની કમાણી કરનારી એક ફિલ્મે સંગીતની દ્રષ્ટિએ એક વિસ્ફોટ સર્જ્યો હતો હિન્દી ફિલ્મોમાં, આ ફિલ્મ એટલે સૂરજ પ્રકાશની ‘જબ જબ ફૂલ ખીલે’! કલ્યાણજી આણંદજી બેલડીનો સંગીતનો જાદુ આ ફિલ્મ થકી ઉત્તર આફ્રિકાના દેશો અલજીરયા, મોરક્કો, લિબિયા વગેરેમાં જબરદસ્ત હિટ સાબિત થયેલું.

     કલ્યાણજી આણંદજી આ બન્ને ભાઈઓ ક્યારેય કોઈના માટે ઘસાતું બોલ્યા નહીં કે ક્યારેય અફવાઓને રદિયો આપવાની પરવા કરી નહીં. તેઓ તો ચુપચાપ પોતાનું કામ જ કરતા રહ્યા અને નિવૃત્તિની વેળા આવી ત્યારે નવી પેઢીના ટીનેજર્સને ગાવાની તાલીમ આપી તૈયાર કર્યા. બાળકોની પ્રતિભાને પારખીને ‘લિટલ સ્ટાર્સ’નામે સેંકડો કાર્યક્રમો કર્યા.

     કલ્યાણજી આણંદજીને ઘણા વિવેચકો સંગીતકાર તરીકે ઉતારી પાડે છે પણ હિન્દી ફિલ્મોના સુપર્બ સંગીતમાં કલ્યાણજી આણંદજી નામના બે ભાઈઓનો હાથ છે એ હકીકત હિન્દી ફિલ્મોના રસિકો અને ભવિષ્યમાં ઈતિહાસ લખનારાઓ એ સ્વીકાર કરવી જ પડે!

(આ લેખમાં ઘણી વિગતો અજીત પોપટના પુસ્તકમાંથી લેવામાં આવી છે)

- હકીમ રંગવાલા

આ સમાચાર શેર કરો