મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

ભૌતિકતાની ઘેલછામાં વિસરાઈ પારિવારિક હૂંફ: એક જ છત નીચે નોખાં મન!

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા આજે સંયુક્ત પરિવારમાં 'સહવાસ' છે પણ 'સહજ

ભૌતિકતાની ઘેલછામાં વિસરાઈ પારિવારિક હૂંફ: એક જ છત નીચે નોખાં મન!
આ સમાચાર સાંભળો

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

આજે સંયુક્ત પરિવારમાં 'સહવાસ' છે પણ 'સહજીવન' નથી. સંયુક્ત પરિવારને સફળ બનાવવા માટે નાનેરાંઓએ થોડા 'મોટા' અને મોટેરાંઓએ થોડા 'નાના' બનતાં શીખવાની જરૂર છે

પ્રશ્ન : અત્યારે ભલે બધા સંયુક્ત કુટુંબમાં રહેવાનો ડોળ કરતા હોય પણ હકીકતમાં તેઓ તન અને મનથી અલગ વિચારધારા રાખતા હોય છે, આવું કેમ ?

પ્રશ્નકર્તા : અરવિંદભાઈ ચાવડા. જાગૃતિ સોસાયટી, ભોમેશ્વર મંદિર પાછળ, રાજકોટ

પ્રાચીન સમયમાં સંયુક્ત પરિવારનો વડો એટલે દાદા. દાદાને પૂછીને જ ઘરના વ્યવહારો ચાલતા. ઘરની સમસ્યાઓમાં તેમણે આપેલો નિર્ણય અંતિમ ગણાતો. પુત્ર-પૌત્રો, પુત્રીઓ, પુત્રવધૂઓ સહિત ઘરના સહુ કોઈ દાદાની આમન્યા જાળવતાં. એમની પ્રેમાળ ધાક ઘરમાં શિસ્તનું નિમિત્ત બનતી.

સંયુક્ત કુટુંબમાં લાગણી, પ્રેમ, સહિષ્ણુતા, એકતા, ક્ષમાભાવ અને હૃદયની વિશાળતાને સ્થાન હતું. અધિકારને બદલે ત્યાગ અને બલિદાન તથા સમાજ કલ્યાણને અગ્રિમતા અપાતી. પછી જેમ જેમ ભૌતિક વિકાસ થતો ગયો તેમ તેમ અલગ સંસ્કૃતિનું નિર્માણ થયું. નોકરી અને રોજગાર માટે લોકો શહેરો તરફ વળ્યા અને શહેરી સંસ્કૃતિનું નિર્માણ થયું. મર્યાદિત ઓરડાઓ-ચાલીઓ-મહોલ્લાઓમાં રહેતાં માણસો સાંકડ-માંકડ ગુજારો કરતાં પણ શહેરોમાં સંયુક્ત કુટુંબમાં સહુ લોકોને સાથે રાખવાનું અશક્ય બનવા માંડયું. મોંઘવારી અને ટૂંકા પગારોને કારણે તમામ પ્રકારની જવાબદારીઓ અદા કરવામાં મુશ્કેલીઓ સર્જાવા માંડી. એમાંથી વિભક્ત કુટુંબોએ આકાર લેવા માંડયો.

વિભક્ત કુટુંબના સભ્યોમાં જાણે-અ-જાણે સ્વતંત્રતાની ભૂખ પ્રબળ બનવા માંડી. રહેણી-કરણી, શોખ, જીવન શૈલી અને વસ્ત્ર-પરિધાનની બાબતોમાં ફેશન નિર્ણાયક બનવા માંડી. સાદગીને બદલે પ્રદર્શનપ્રિયતા અને સુખ-સુવિધાઓનાં અવનવાં સાધનો વસાવવાનો મોહ વધવા માંડયો. 'દેવું કરીને ઘી પીવું' એવા સિધ્ધાંતે માણસના મનનો કબજો લઈ લીધો. અધિકારપ્રિયતા વધી. પરિણામે સહિષ્ણુતા ઘટી. વડીલોની રોકટોક દખલ લાગવા માંડી. મનોરંજનના વિવિધ સાધનો આકર્ષણનો વિષય બન્યાં. પતિ-પત્ની નોકરી કરતાં હોય ત્યારે બાળકો આયાને હવાલે કે 'ચાઈલ્ડ કેર' સેન્ટરમાં રાખવાની પરિસ્થિતિ સર્જાવા માંડી.

વ્યસ્તતાને કારણે 'વડીલ સેવા' ભારરૂપ બનવા માંડી. માનસિક સંકુચિતતાએ મનનો કબજો લેવા માંડયો. પરિણામે આત્મકેન્દ્રિતાને પ્રોત્સાહન મળ્યું. 'સેવા' વેઠ ગણાવા માંડી. પારિવારિક કર્તવ્ય બોજ બનવા માંડયા. આજની ભૌતિકતા પ્રધાન સંસ્કૃતિએ આવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. એટલે બીજાને સુખી કરવાને બદલે પોતાને સુખ કેમ મળે એવો સંકુચિત વિચાર જીવનનો શાસક બન્યો. ઘર એ 'પ્રેમાલય'ના બદલે 'અધિકારલય' બન્યું છે. વડીલો આદરપાત્ર ગણાવાને બદલે 'દખલરૂપ' અને 'બંધનકારક' બન્યાં છે. ઘરના સભ્યો અંતર્મુખ ઓછાં અને બહિર્મુખ વધુ બન્યાં છે. શહેરી જીવનમાં સંયુક્ત કુટુંબમાં 'સહવાસ' છે પણ સહજીવન નથી.

આજે નૈતિક ધોરણો શિથિલ થયાં છે. જીવનદ્રષ્ટિ સાવ બદલાઈ ગઈ છે. પૂર્વજોની ઉપલબ્ધિઓનું મૂલ્ય સાવ વિસરાઈ ગયું છે. સુખ પાછળની ઘેલછા માઝા મૂકી રહી છે. ઘરમાં શિસ્તનો છડેચોક ભંગ થઈ રહ્યો છે. ત્યારે સંયુક્ત કુટુંબમાં બધાનાં મન નોખાં થઈ જાય એ સ્વાભાવિક છે.

સ્વામી સંપૂર્ણાનંદજીએ સમાજ શબ્દનો અર્થ સમજાવતાં કહ્યું છે 'સમમ્ અજન્તિ જના: અસ્મિન્ ઇતિ.'- મતલબ કે જેમાં લોકો ભેગાં મળી એક સાથે, એક ગતિએ, એક થઈ ચાલે તેનું નામ સમાજ. આજના જીવનમાં સમજણ અને સંયમનો સર્વત્ર અભાવ વરતાય છે. ત્યાં સમાજની એકતાની વાત જ ક્યાં કરવી ? વિભક્ત કુટુંબોમાં પણ માતા-પિતા બોજારૂપ લાગવા માંડયા છે. ત્યાં નિ:સ્વાર્થ ભાવે કામ કરવાની વૃત્તિ જ અસ્થાને છે. નાનેરાંને વડીલોની ટકોર ગમતી નથી અને વડીલો પોતાની ઉપેક્ષાને 'અભિશાપ'ની જેમ સહી રહ્યાં છે. ત્યારે આપણે કેવી રીતે કહી શકીએ કે આપણે શિક્ષિત અને સભ્ય બન્યા છીએ.

દાદા ધર્માધિકારીએ માર્મિક વાત સમજાવી છે કે 'સંસ્કૃતિનો અસલી અર્થ છે જીવનમાં સહભાગીદારી. બીજાના જીવનમાં સહભાગી બનવું અને બીજાને આપણા જીવનમાં સામેલ કરવા, એનું નામ સંસ્કૃતિ.'

આજે તો સંસ્કૃતિની પરિભાષા જ બદલાઈ ગઈ છે. પહેલાંના વખતમાં દાદાના વડપણ હેઠળ ચાલતા પરિવારમાં ભાઈઓ, કાકાઓ, કાકાના દિકરા, દીકરી, ફોઈ બધાંનો સમાવેશ થતો હતો. 'આ મારો દીકરો છે' એવો વિચાર કોઈના પણ મનમાં આવતો નહોતો. બધાં એકબીજા સાથે સગાભાઈ, સગી બહેન જેવો વહેવાર રાખતા હતા. સાસુમા, દેરાણી, જેઠાણી, આ બધાં સાથે હળીમળીને રહેતાં હતાં. અને દરેક વ્યક્તિ પોતાનાથી મોટી વ્યક્તિનું માન રાખતા હતા, અને આદર આપતા હતા. મારા તારાનો કોઈ ભેદ જ નહોતો. પરિવારમાં દરેક સભ્યોની આવક દાદાજી રાખતા હતા અને ઘરનું સંચાલન કરતાં હતાં. આવા સંયુક્ત પરિવારમાં વિધવા કાકી કે વિધવા ફોઈ પણ આરામથી પોતાની જિંદગી વ્યતિત કરી શકતાં હતા. દાદાજી ઘરમાં કોઈને પણ અન્યાય ન થાય તેનું ધ્યાન રાખતા હતાં.

આજે તો એકભાઈ શહેરમાં ગયો. ત્યાં સેટલ થયો. તેના સંતાનો મોટા થયાં એટલે આવા વિભક્ત કુટુંબમાં પણ વિભક્તતા આવવા માંડી છે. મોટા થયેલાં સંતાનોમાં સગા ભાઈને સગા ભાઈ જોડે બનતું નથી અને એ ભાઈ પરિવારથી જુદો થવા પ્રયાસ કરે છે. મારા-તારાનો જમાનો આવી ગયો છે. અને માતા-પિતા પણ આ સંતાનોને બોજારૂપ લાગવા માંડયા છે.

આજના યુવા-યુગલોમાં એક એવો ખ્યાલ ઘર કરી ગયો છે કે પૈસા જ સુખની ચાવી છે. ભલે સ્વજનોની હૂંફ ન હોય. પણ પૈસાને બળે નોકર, ચાકર, રસોઈયા વગેરે રાખવાથી આરામની જિંદગી જીવી શકાય છે. બાળકને રાખવા માટે આયા રોકી શકાય છે, માટે સગાવહાલાંની જરૂર નથી. અત્યારે દીકરીઓને આપણે દીકરાને સમકક્ષ ગણી શિક્ષણ આપી ઉછેરીએ છીએ. પણ દીકરીને સાચું શિક્ષણ આપવામાં ઊણા ઉતર્યા છીએ. સાસુ સસરા પણ માતા-પિતા સમાન છે. દિયર, નણંદ, જેઠ, જેઠાણી બધાં આપણા જ છે એમ માનીને ચાલવાથી સંયુક્ત પરિવારમાં સારી રીતે રહી શકાય.

હકીકતમાં સંયુક્ત પરિવાર એ સુખદાયક વિસામો છે, એનાથી ભાગવાની જરૂર નથી. ઘરના વડીલોની ઉમ્મર સહજ જીદ, હઠ કે ચિડિયાપણું એ દંડપાત્ર નથી, પણ દયાપાત્ર છે. વડીલોની માંદગીમાં સેવા કરવી એ સંતાનનો ધર્મ છે.

સંયુક્ત પરિવાર તૂટવાના કારણમાં વડીલોની વડીલશાહી પણ ભાગ ભજવે છે. ટૂંકમાં નાનેરાંઓએ થોડાક 'મોટા' અને મોટેરાંઓએ થોડાં 'નાના' બનતાં શીખવું જોઈએ. બાકી તો અલગ-અલગ વિચારધારા ધરાવતાં સંયુક્ત પરિવારના સભ્યો દેખાવ ખાતર જ સાથે રહેતા હોય છે.

આ સમાચાર શેર કરો