શતરંગ / કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે ચહેરાનો લકવો
- જાગૃતતા જરૂરી સાદી ભાષામાં બેલ્સ પાલ્સી એટલે ચહેરાનો લકવો. આ લકવો તાજા જન્મેલા બાળકથી લઈને 60-90વર્ષનાં

- જાગૃતતા જરૂરી
સાદી ભાષામાં બેલ્સ પાલ્સી એટલે ચહેરાનો લકવો. આ લકવો તાજા જન્મેલા બાળકથી લઈને 60-90વર્ષનાં વૃદ્ધ સુધી કોઈને પણ થઈ શકે છે. દર 60 થી 70 વ્યક્તિમાંથી એકને તેના જીવન દરમિયાન ચહેરાનો લકવો થવાની સંભાવના રહે છે. એન્જલીના જોલી અને અનુપમ ખેર જેવા કેટલાય દિગજજો આનો શિકાર બનેલા છે.
★ ચહેરાનો લકવો શા કારણે થાય છે?
→ ચહેરાના સ્નાયુને નિયંત્રિત કરતી 7 નંબરની ચેતા નસ પર સોજો આવવાથી આ રોગ થાય છે.
- કાનમાં ઠંડો પવન જવાના લીધે
- વાઇરલ ઇન્ફેકશન થવાથી
- ખૂબ જ ઠંડીના કારણે
- મગજના કોઈ રોગના કારણે
- GBS, સ્ટ્રોક, જેવાં દર્દીઓમાં
- કાનની સર્જરી પછી 7માં નંબરની ચેતા નસ પર દબાણ કે સોજો આવવાથી
★ શું લક્ષણો જોવા મળે છે?
→ અચાનકથી ચહેરો એક તરફ ફરી જવો
→ એક તરફની આંખ બંધ ન થવી
→ પાણી પીતી વખતે મોઢાના ખૂણામાંથી બહાર નીકળી જવું
→ કાનની આસપાસ દુઃખાવો થવો
→ ચાવવામાં અને ખાવામાં તકલીફ પડવી વગેરે
★ ચહેરાના લકવાનું નિદાન કેવી રીતે થાય છે?
→ આ રોગનું નિદાન દર્દીની શારીરિક તપાસ દ્વારા કરી શકાય છે. અમુક કેસમાં MRI, NCV ટેસ્ટ, લોહીની તપાસ વગેરેની જરૂર પડે છે.
★ ચહેરાના લકવાની સારવાર શું છે?
→ રોગ શરૂ થયા પછી વહેલાસર આ રોગનું નિદાન અને સારવાર લેવી ખૂબ જ જરૂરી છે. લાંબા સમયના અંતર પછી થતી સારવાર ઓછી અસર કરે છે અને ચહેરા પર લકવાની કાયમી અસર રહી જાય છે.
→ ફિઝિશિયન કે ઈ.એન.ટી.ડોક્ટરની સલાહ મુજબની દવાઓ અને ફિઝિયો થેરાપી (કરન્ટ અને કસરત) સાથે કરવાથી ખૂબ જ સરસ પરિણામ મળે છે.
→ દર્દીએ ઘરે પણ શરૂઆતના સમયમાં અરીસા સામે ઉભા રહીને દર 2-3 કલાકે કસરત કરવી જોઈએ.ફુગ્ગા ફુલાવવા, સ્ટ્રોથી પાણી પીવું જેવી કસરતો કરવી જોઈએ.
★ શું ચહેરાનો લકવો સંપૂર્ણ પણે મટી જાયછે?
→ નિયમિત અને સમયસર સારવારથી બેલ્સ પાલ્સીના 90-95% દર્દી 2-3 મહિનાની અંદર સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે.
→ ડાયાબીટીસનાં દર્દીમાં રીકવરી થોડી ધીમી થતી હોય છે.
★ કેવી રીતે અટકાવી શકશો?
→ ચહેરાનો લકવો કાનમાં ઠંડો પવન જવાનાં લીધે મોટા ભાગના દર્દીઓમાં થાય છે. જેને અટકાવવા કાનમાં રૂ નાખવું જોઈએ અથવા મફલર કે સ્કાર્ફ પહેરવો જોઈએ.
→ એસીનો ઠંડો પવન સીધા કાન પર આવે એ રીતે બેસવું કે સૂવું ના જોઈએ.
ચહેરાનો લકવો ગંભીર રોગ નથી. એનું વહેલું નિદાન અને સારવાર ખૂબ જરૂરી છે. દર્દીઓને શરૂઆતમાં પોતાનો ચહેરો જોઈને માનસિક તાણ આવે છે, જે ખૂબ જ નેચરલ છે. ગભરાયા વગર ઈલાજ પર ધ્યાન આપવું જોઈએ.
- ડૉ. મેઘા પટેલ (એમ.પી.ટી. ઓર્થો)








