મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / દરેક વ્યક્તિ પોતાનો સ્વીકાર ઝંખે છે

- ફેસબુકથી હાર્ટબુક સુધી હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,ને જે અસુન્દર રહી તેહ સર્વનેમૂકું કરી સુન્દર ચાહી ચાહી.

શતરંગ / દરેક વ્યક્તિ પોતાનો સ્વીકાર ઝંખે છે

- ફેસબુકથી હાર્ટબુક સુધી

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

- સુન્દરમ

આ દુનિયાનો દરેક માણસ બુદ્ધિશાળી છે. કારણકે એક સામાજિક પ્રાણી તરીકે - સમજણશક્તિ , વિચારો , સર્જનશક્તિ જેવી વસ્તુઓ જ આપણને અન્ય પ્રાણીઓની જીવનશૈલીથી અલગ પાડે છે. પણ એક ચોક્કસ સમય જીવનમાં એવો આવે જયારે આ બધી જ સમજણો , વિચારો કોહવાઈ જાય. અને ત્યારથી સંઘર્ષો શરૂ થાય. ઉપરની પંક્તિમાં સુન્દરમ્ કેટલું સુંદર લખે કે આ દુનિયામાં જેટલી સુંદર વસ્તુઓ છે એ ચાહવા માટે છે. પણ જે સુંદર નથી , એને પણ ફક્ત ચાહવામાં આવે તો એ સુંદર બની જાય. કેમ કે પ્રેમ માણસને સુંદર બનાવે છે. એક અલગ ઊર્જાનો સંચાર કરે છે અને આત્મવિશ્વાસ પેદા કરે છે. અને ચાહવાની પ્રથમ શરત સ્વીકાર છે. આપણે જોઈએ ને તો ચારેબાજુ શિખામણો આપતો વર્ગ વધી રહ્યો છે. શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ ના લાંબા ફતવાઓ બહાર પાડવામાં સંવેદનશીલતા જ મરી પરવારી હોય એમ લાગે. જે સાચા કે પ્રોફેશનલ councellor, Healers and spiritual વ્યક્તિઓ છે (બચ્યા છે) એમને મળીને એક બહુ મોટી ગલતફહેમી તો એ દૂર થાય કે એ લોકો શિખામણ આપતા નથી. કે ક્યારેય શિખામણો આપીને તમને બદલાવની કોશિશ કરતા નથી. એક જોતા તો આપણને બધાને જીવનમાં ડગલે ને પગલે damaged લોકો મળે છે. ક્યાંક આપણે પોતે પણ damaged હોઈશું. કલ્પના કરો , આપણી પાસે ખરાબ કૃત્ય (જાણતા કે અજાણતા ) કરીને આવેલું કોઈ વ્યક્તિ , કોઈ addicted વ્યક્તિ કે traumatic વ્યક્તિ આવીને પોતાની આપવીતી સંભળાવવા લાગે કે પછી સ્વસ્થ ન હોવાને કારણે આછકલાઇ ભર્યું વર્તન કરવા લાગે/ કરી બેસે ત્યારે આપણું reaction શું હોય છે? આપણે આપણા જજમેન્ટ તૈયાર લઈને જ બેઠા હોઈએ છીએ કે આપણી શિખામણો એના પર થોપી દેવા માટે. હકીકતમાં તો તમારી સામે ખુલી જવાની હિંમત કરતો કોઈ એક વ્યક્તિ તમારા પર વિશ્વાસ મૂકે છે અને એને સાચવવાની જવાબદારીના ભાગ રૂપે એને ફક્ત સ્વીકાર આપી શકાય. એને સાંભળી શકાય અને સહાનુભૂતિ પણ આપી શકાય એને બિચારું ફીલ ના થાય એ રીતે.... કોઈ વ્યક્તિ સુંદર વસ્તુઓનો સ્વીકાર ક્યારે કરી શક્શે? જ્યારે એનામાં એ સ્વીકાર ભાવ જન્મે ત્યારે કદાચ .. અને આ સ્વીકાર ભાવ સામેવાળામાં જન્માવવા માટે આપણે એનો સ્વીકાર કરવો બહુ જરૂરી છે. કલાપીની પંક્તિ જેમ જ - સૌંદર્ય પામતા પેલા સૌંદર્ય બનવું પડે. જીવનના કોઈ તબક્કે કોઈ વ્યક્તિ કેટલું helpless ફીલ કરીને આપણી પાસે આવતું હશે. કોઈ ઋણાનુબંધના ભાગરૂપે કદાચ... અને એ કઈ કંઈ જગ્યાએ કેવી અતિશય કઠિન યાત્રા કરીને આવ્યું હશે! એ વ્યક્તિ એક સમયે આપણે પણ હતા કે અત્યારે પણ હશું કદાચ. અને એની જરૂરિયાત ફક્ત હુંફ અને સ્વીકાર ભર્યા બે શબ્દોની હશે. એને મુક્ત થવું હશે કદાચ . આપણે એટલી વાત સમજી લઈએ તો સંવેદનશીલતા બચી જાય અને સંવેદનશીલતા બચી જાય તો ધાર્મિકતાના કોહવાઈ ગયેલા મોલ્ડ માંથી બહાર આવીને આધ્યત્મિક ઐક્ય થાય અને એનો પ્રકાશ પોતાને તો પ્રકાશિત કરે જ પણ આપણી આજુબાજુનું બધું જ ઝળહળી ઉઠે. 

જે વ્યક્તિ ખાલીપાથી ભરપુર છે , જે વ્યક્તિ પોતાની લાગણીઓ , સંવેદનો , પોતાના વિચારો કોઈ પાસે રજુ નથી કરી શકતી એ વ્યક્તિના ગર્ભમાં માત્ર ડર અને અસલામતી જ રહેલી હોય છે... કેટલાય અસંતોષ , ગુનાના ભાવોને ત્યાંથી જ જન્મ મળતો હોય છે..આ બધી જ વસ્તુના મૂળમાં વ્યક્તિત્વનો અસ્વીકાર રહેલો હોય છે...કોઈ પણ વ્યક્તિના વિચાર બદલવા માટે પેલા એ વ્યક્તિના વિચારોનો સંપૂર્ણ સ્વીકાર અત્યંત આવશ્યક છે... દરેક વ્યક્તિ પાસે પોતાનું solution છે આપણે માત્ર જરૂર છે એને એ પોતાનો અવાજ સાંભળી શકે એ સ્થિતિમાં લાવવાની. આપણે જરૂર છે એને જવાબ આપવા નહિ પણ સમજવા મટે સાંભળવાની . એને સ્વીકારવાની!

આપણી પોતાની જાતને એની જગ્યા પર મૂકીને અનુભવવાની! કારણકે એ જ વસ્તુઓ તો આપણને માણસ બનાવે છે!! ઈશ્વર પણ જુઓ આપણો સ્વીકાર કરે છે ને કેટલા પણ વાહિયાત કૃત્યો કર્યા બાદ એ ખુલ્લા હાથે આપણને આવકારે છે બસ એ જ ઈશ્વરત્વને સાક્ષીએ રાખીને મનુષ્ય બનવાનું છે. આપણને પોતાને આડઅસર ના થાય એ રીતે ક્યારેક પોતાનું તો ક્યારેય અન્યનું નાવિક બની જવાનું. ક્યારેક અન્યનું નાવિક બનીને પોતાનો રસ્તો શોધવાનો.

આપણા શરીરના કોઈ ઘવાયેલા અંગને આપણે કાળજી આપીએ છીએ એવી જ કાળજી ઘવાયેલા હદય કે મસ્તિષ્કને આપવાની હોય છે પછી તો અંદરથી જ આત્મતેજ અને પ્રભાવ પ્રગટે. એક છોડને કેવી મન: સ્થિતિથી પાણી આપવામાં આવે છે એ છોડ પોતે અનુભવી શકે છે.. તો આપણે તો સંવેદનશીલતાનું હરતું ફરતું પૂતળું છીએ! આ જગત માત્ર સંવેદનશીલતાથી ચાલતું આવ્યું છે!
આપણે માત્ર એ સંવેદનશીલતાને સાચી દિશા જ આપવાની જરૂર છે... ઈશ્વરને આપણામાં બઉ શ્રદ્ધા છે આપણને એનામાં હોય કે ના હોય... તમારી આજુબાજુમાં કે તમારાથી બહુ દૂર વસેલી કોઈપણ જાણીતી કે અજાણી વ્યક્તિ પણ તમને બધું જ નિખાલસતાથી શેર કરી શકતી હોય અને તમે એને તો એ આ વિશ્વની સૌથી વધારે સહજ આધ્યાત્મિક ઘટના છે એમ માનવું.

જ્યારે ૨ ઘડી તમે ઘવાયેલા લોકોની બાજુમાં બેસો ત્યારે ખબર પડે કે આપણે તો કદાચ કેટલું ઓછું જોયું છે! આપણે ફક્ત આપણી પીડાઓ જોઈ છે. આ દુનિયામાં કેટકેટલા પ્રકારની પીડા છે.... !! અને જ્યારે એ પીડાને કોઈનો ખભો કે આશ્વાશન કે સ્વીકાર ના મળે ત્યારે એ ખોટી દિશામાં પોતાનો રસ્તો કરવા લાગે.... જો પીડાઓ ને જીલવા વાળું કોઈ સામે ના હોય ત્યારે એમાંથી ક્રૂરતા જન્મે... મોટાભાગના લોકો સેલ્ફ ડેમેજ કરે અને મોટાભાગના લોકો addiction તરફ વળે અને મોટાભાગના લોકોનો રસ ઉઠી જાય! પોતાના અને પોતાનાઓ માંથી....

૨૧મી સદીની સૌથી મોટી કરુણતા એ છે કે પોતાની પીડાઓ રાખવા કે રસ્તો બતાવવા માટે એક જણ પોતાનું મળતું નથી કોઈને. મળે એ સલામત હશે પણ કે નહિ એની ખબર નથી...

પીડાઈ રહેલી કોઈપણ વ્યક્તિ તમારી પાસે આવે તો એની ઝંખના શું હોતી હશે એની જ વાત ફક્ત કરવી છે... દરેકને સાચા ખોટાની સમજ હોવા છતાં જ્યારે એનું અમલીકરણ ના કરી શકે ત્યારે એક માણસ તરીકે એને જોઈતો હોય છે ફક્ત સ્વીકાર.... એના સારા ખરાબ સંવેદનો સાથે એના વ્યકિતત્વનો સ્વીકાર , થોડું ઘણું હળવું વ્હાલ અને બસ થોડો વિશ્વાસ.... આ દુનિયામાં દરેક માણસને પ્રેમ વ્હાલ અને સ્વીકારની જ તો અછત છે...! સાવ સ્વાર્થ કે કારણ વગર હાથ પકડીને આછું આલિંગન આપવા વાળું એક માણસ પણ જો મળી જાય તો પછી યુદ્ધ ગમે તેટલા મોટા હોય ચમત્કારિક રીતે પાર પડતા હોય છે. એવું માણસ જે અધ્યાત્મ સાથે તમને જોડી દે , અહમ ને ખંખેરી નાખે , સાચો રસ્તો બતાવે પણ એ પહેલા સ્વીકાર કરે.... સ્વીકાર કરવો , સ્વાર્થ વગર કોઇના ભાવોનો સ્વીકાર કરવો એ ઈશ્વરત્વ છે કેમ કે ઈશ્વર બધાનો સ્વીકાર કરે છે. કદાચ આ ક્ષણે એટલું સમજાય છે કે જ્ઞાન તમને કે તમારી ઓરા કે વ્યક્તિત્વને ક્યારેય હકારાત્મક નથી બનાવતું. ફક્ત પ્રેમ આપી શકવાની ક્ષમતા અને સ્વીકારભાવ શ્રેષ્ઠ બનાવે છે. બીજું એ શીખવા મળ્યું કે પોતાના દુઃખો લઈને ચાલી નીકળેલા આપણે છીછરા અને તુચ્છ થઈ જઈએ છીએ કે આપણા માણસાઈના ધોરણો પણ છીછરા થવા લાગે છે. ક્યારેક પોતાની પીડા મુકીને બીજાનો સ્વીકાર કરી જોઈ લઈએ તો સંતોષ જ સંતોષ અને નિજાનંદ જન્મે છે... સફળતાના બધા જ માનસિક ધોરણોની ઉપર એક આત્મા છે એ રાજી થતો હોય છે. આ પડાવ પર આવીને આ લખતી વખતે એટલું સમજાય છે કે દરેક વાલિયો લૂંટારો પ્રેમ અને સહજ સ્વીકારથી અને સંવેદનોથી વાલ્મીકિ બની જ જાય છે. આ દુનિયામાં સૌથી વધારે થીજી ગયેલાં ને હુંફ આપી શકવાની શક્તિ સ્ત્રી પાસે છે. અને દરેક પુરુષ પાસે એક feminine self છે. બધા જ એકબીજાને બસ થોડી હુંફ આપે તો? થોડું વ્હાલ અને પોતાના વ્યકિતત્વનો સંપૂર્ણ સ્વીકાર.... After all , આપણે બધા પોતાનો સંપૂર્ણ સ્વીકાર ઝંખીએ છીએ અને એ આપી શકાય બદલામાં કદાચ મેળવી પણ શકાય નહિ.....!?

આપણે બધા Healers છીએ જો lover બની શકીએ તો...
આપણે બધા ઈશ્વર છીએ જો સ્વિકાર કરી શકીએ તો!
અને આપણે બધા માણસ છીએ જો એટલું સમજી શકીએ તો!
મારી અંદર કઈક બદલાયેલું એ તમને અર્પણ...
સહજ સંવેદનશીલ વિશ્વની કામના કરીને તમારી પાસે સંવેદનો માટે હાથ લંબાવી રહેલી ,

- પ્રેરણા દવે 

આ સમાચાર શેર કરો