VIDEO: શાહી મસ્જિદનો ભાગ હટાવવા બાબતે પોલીસ અને સ્થાનિકો સામસામે!
ધાર્મિક નગરી ઉજ્જૈનમાં હંગામો
શાહી મસ્જિદનો ભાગ હટાવવા બાબતે પોલીસ અને સ્થાનિકો સામસામે!
સ્થાનિકોના વિરોધ વચ્ચે સ્થળ પર ભારે પોલીસ કાફલો તૈનાત!
મધ્ય પ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈનમાં માર્ગ પહોળીકરણની કામગીરી દરમિયાન શાહી મસ્જિદના કેટલાક ભાગને હટાવવાને લઈને ભારે બબાલ સર્જાઈ હતી. રોડ પહોળો કરવાના અભિયાન હેઠળ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાતાં પોલીસ અને તંત્ર સામે ઘર્ષણની સ્થિતિ નિર્માણ થઈ હતી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે વિસ્તારમાં વિરાટ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. ઉજ્જૈન મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રસ્તાઓ પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે. આ અંતર્ગત શાહી મસ્જિદનો રોડ પર આવતો વધારાનો ભાગ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે, કામગીરી શરૂ થતાં જ સ્થાનિક રહીશો અને સમુદાયના લોકો એકઠા થઈ ગયા હતા અને વહીવટી ટીમ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શનને પગલે સ્થિતિ તંગ બની જતાં વધારાની પોલીસ ટુકડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
શહેરના વિકાસ માટે નિયમાનુસાર હાથ ધરાઈ રહી છે કામગીરી!
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અફવાઓથી દૂર રહેવા પ્રશાસનની અપીલ!
સમગ્ર મામલે ઉજ્જૈનના એસપી પ્રદીપ શર્મા અને કલેક્ટર રોશન કુમાર સિંહે સ્થિતિની સમીક્ષા કરી હતી. કલેક્ટર રોશન કુમાર સિંહે જણાવ્યું હતું કે, શહેરના વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવવા માટે તમામ પક્ષોને વિશ્વાસમાં લઈને જ કામગીરી કરવામાં આવી રહી છે. એસપી પ્રદીપ શર્માએ શાંતિ જાળવવાની અપીલ કરતાં સ્પષ્ટ કર્યું હતું કે કાયદો હાથમાં લેનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉજ્જૈનથી સામે આવેલા તાજેતરના દ્રશ્યોમાં ઘટનાસ્થળે તૈનાત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, વજ્ર વાહનો અને ફ્લેગ માર્ચ કરતી સુરક્ષા દળોની ટુકડીઓ સ્પષ્ટ જોઈ શકાય છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાય તે માટે વિશેષ એલર્ટ જારી કરાયું છે. હાલ ક્ષેત્રમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

