VIDEO: હથોડા ચાલતાં જ પથ્થરમારો, ઉજ્જૈનમાં શાહી મસ્જિદને લઈને બબાલ: પોલીસે છોડ્યા ટિયર ગેસના શેલ
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સિંહસ્થ-2028 (Simhastha 2028) માટે ચાલી રહેલા રોડ વાઈડનિંગ (Road Widening) પ્રોજેક્ટ વચ્ચે શાહી મસ્જિદના એક ભાગને હટાવવાની કાર્યવાહી દરમિયાન સોમવારે તણાવ સર્જાયો હતો. મસ્જિદના પ્રસ્તાવિત હિસ્સાને હટાવવાની કામગીરી શરૂ થતાં જ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકઠા થયા હતા. ત્યારબાદ પોલીસ અને ભીડ વચ્ચે ઘર્ષણ થયું અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા હતા.
રોડ પહોળો કરવા મસ્જિદનો ભાગ હટાવવાની યોજના
ઉજ્જૈનમાં સિંહસ્થ-2028 દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવર ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ માર્ગોને પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ શાહી મસ્જિદનો જે ભાગ પ્રસ્તાવિત રોડ એલાઈનમેન્ટ (Road Alignment)માં આવે છે, તેને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે સપ્ટેમ્બરની શરૂઆતમાં મસ્જિદના એક ભાગને હટાવવાની નગર નિગમની કાર્યવાહી સામેની અરજીઓ ફગાવી હતી.
મોટી સંખ્યામાં પોલીસ અને RAF તૈનાત
કાર્યવાહી પહેલાં જ મસ્જિદ આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. વિરોધ વચ્ચે પોલીસ, રેપિડ એક્શન ફોર્સ (RAF) સહિતના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. સોમવારે સવારે સ્થિતિ વધુ તંગ બનતાં પથ્થરમારાની ઘટના બની અને ત્યારબાદ ટિયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અગાઉ પણ વિરોધ થયો હતો
મસ્જિદનો ભાગ હટાવવાની કાર્યવાહી સામે સ્થાનિક લોકો દ્વારા અગાઉથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. રવિવારે રાત્રે પણ મોટી સંખ્યામાં લોકો મસ્જિદ પાસે એકઠા થયા હતા અને કામગીરીનો વિરોધ કર્યો હતો. કેટલાક અહેવાલો અનુસાર, વહીવટીતંત્ર અને મસ્જિદ કમિટી વચ્ચે કાર્યવાહી અંગે ચર્ચા થઈ હતી, પરંતુ ત્યારબાદ વિરોધને કારણે સ્થિતિ વણસી હતી.
હાઈકોર્ટમાં પણ મામલો પહોંચ્યો હતો
શાહી મસ્જિદના ભાગને હટાવવાના નિર્ણય સામે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે 9 સપ્ટેમ્બરના આદેશમાં નગર નિગમની રોડ પહોળી કરવાની કાર્યવાહી સામેની અરજીઓ ફગાવી હતી અને કાયદાકીય પ્રક્રિયા મુજબ આગળ વધવાની મંજૂરી આપી હતી. કોર્ટના આદેશમાં રોડ પહોળો કરવાની કામગીરીને સિંહસ્થ દરમિયાન ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન સાથે જોડવામાં આવી હતી.
હાલ ઉજ્જૈનમાં સ્થિતિ પર પોલીસ અને વહીવટીતંત્ર નજર રાખી રહ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે અને શાંતિ જાળવવા માટે પોલીસ દળોને તૈનાત રાખવામાં આવ્યા છે.

