VIDEO: સાબરકાંઠામાં મેઘરાજાની ગ્રાન્ડ એન્ટ્રી સુકાતા પાકને મળ્યું સંજીવની સમાન નવજીવન!
સાબરકાંઠામાં મેઘરાજાની ગ્રાન્ડ એન્ટ્રી
સુકાતા પાકને મળ્યું સંજીવની સમાન નવજીવન!
વિરામ બાદ વરસેલા વરસાદથી ખેડૂતોની ચિંતા દૂર!
સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયના આતુરતાપૂર્વકના વિરામ બાદ છેલ્લી ઘડીએ પધારેલા મેઘરાજાએ સુકાઈ રહેલા પાકને નવજીવન આપ્યું છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં આનંદ અને ઉમંગની લહેર ફરી વળી છે. ચોમાસાની સિઝનની શરૂઆતમાં મોંઘા ભાવના બિયારણ અને ખાતર ખરીદીને મહામહેનતે વાવણી કર્યા બાદ અચાનક વરસાદ ખેંચાઈ જતાં ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાક સુકાઈ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ આ સરપ્રાઈઝ વરસાદે ચિંતાના વાદળો દૂર કર્યા છે. જિલ્લામાં કપાસ, મગફળી અને સોયાબીન જેવા મુખ્ય રોકડિયા પાકોનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું. જોકે, વરાડ અને સતત તડકાના કારણે આ તમામ ઊભા પાક કરમાઈ રહ્યા હતા અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તેમ હતો. આવી વિષમ પરિસ્થિતિમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસેલા અમૃત સમાન વરસાદે ખેતરોમાં સુકાઈ રહેલી ખેતીને આશીર્વાદરૂપ ટેકો પૂરો પાડ્યો છે.
કપાસ, મગફળી અને સોયાબીનનો બચાવ
છેલ્લી ઘડીના અમૃત વર્ષાથી પાકને મળ્યો મોટો ટેકો!
તખતગઢ ગામના ખેડૂતોએ હર્ષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ વરસાદ અમારા માટે કોઈ સંજીવનીથી કમ નથી. જો હજુ બે-ચાર દિવસ વરસાદ ન પડ્યો હોત તો અમારો આખો પાક બળીને ખાખ થઈ ગયો હોત અને આખી સિઝનની મહેનત પર પાણી ફરી વળત. પરંતુ યોગ્ય સમયે પડેલા આ વરસાદી ઝાપટાંથી પાકનો બચાવ થયો છે અને હવે સારો ઉતાર આવવાની આશા જાગી છે.અંતિમ તબક્કામાં વરસેલા આ વરસાદથી સમગ્ર સાબરકાંઠાના કૃષિ ક્ષેત્રમાં ફરી એકવાર ચૈતન્ય અને ખુશાલી છવાઈ ગયા છે. ખેતરો લીલાછમ બની જતાં ખેડૂતોનો થાક ઓગળી ગયો છે અને ખેતીકાર્યોમાં નવો પ્રાણ પૂરાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ આગામી દિવસોમાં આવો જ સાનુકૂળ માહોલ જળવાઈ રહે તેવી શક્યતાઓને કારણે ધરતીપુત્રો બમણા ઉત્સાહ સાથે પોતાના ખેતરોની સંભાળમાં લાગી ગયા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

