VIDEO: સાબરકાંઠામાં ચોમાસાએ આપી હાથતાળી
સાબરકાંઠામાં ચોમાસાએ આપી હાથતાળી
માત્ર ૫૨ ટકા વરસાદમાં ૯૨ ટકા વાવેતર પર તોળાતું સંકટ!
સાબરકાંઠા જિલ્લામાં આ વખતે ચોમાસાએ હાથતાળી આપતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો માત્ર ૫૨ ટકા જ વરસાદ નોંધાયો છે, જેના કારણે નદી, તળાવ અને જળાશયો ખાલીખમ ભાસી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદની અપેક્ષાએ ખેડૂતોએ ૯૨ ટકા જેટલા વિસ્તારમાં વાવેતર કરી દીધું હતું. જોકે, હવે વરસાદ ગાયબ થઈ જતાં આ ૯૨ ટકા વાવેતર પર ભારે સંકટ મંડરાઈ રહ્યું છે અને ચોમાસામાં પણ ફુવારા કે ડ્રીપ ઈરિગેશનથી સિંચાઈ કરવાની નોબત આવી છે. જિલ્લાના હિંમતનગર, ઈડર, પ્રાંતિજ અને તલોદ પંથકમાં મગફળી અને કપાસનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે. જ્યારે વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના જેવા કેવળ વરસાદ પર નભતા તાલુકાઓમાં મકાઈનું વાવેતર કરાયું છે. દર વર્ષ કરતાં આ વખતે બિયારણના ભાવ વધારે હતા અને ખાતર મેળવવા માટે પણ ખેડૂતોએ કલાકો સુધી લાઈનોમાં ઊભા રહીને પરસેવો પાડ્યો હતો. આટલી મોંઘી ખેતી કર્યા બાદ હવે વરસાદ વેરી બનતાં ખેતરોમાં પાક મુરઝાઈ રહ્યો છે અને બળી જવાની આરે પહોંચ્યો છે.
એક અઠવાડિયામાં વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જવાની ભીતિ!
આ અંગે પોતાના દુઃખ વ્યક્ત કરતાં ખેડૂતોએ જણાવ્યું છે કે આ મોંઘવારીમાં વ્યાજે પૈસા લાવીને વાવેતર કર્યું હતું. ગયા વર્ષે વધુ વરસાદના કારણે પાક ધોવાઈ ગયો હતો, જ્યારે આ વખતે ઓછો વરસાદ મોટું નુકસાન કરાવી રહ્યો છે. જો આગામી એક અઠવાડિયામાં સાર્વત્રિક વરસાદ નહીં પડે, તો મગફળી, કપાસ અને મકાઈનો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જશે અને ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ જશે. હાલ સમગ્ર સાબરકાંઠાનો જગતનો તાત આકાશ તરફ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યો છે. ખેતરોમાં સુકાતા પાકને બચાવવા માટે ખેડૂતો બોરવેલના પાણીથી ગમે તેમ કરીને સિંચાઈ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે. કૂદરતના મારે ભાંગી પડેલા ખેડૂતો હવે સરકાર પાસે આર્થિક મદદ અને સર્વે કરાવીને યોગ્ય વળતર આપવામાં આવે તેવી આશા રાખી રહ્યા છે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર નીકળી શકે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

