VIDEO: સાબરકાંઠામાં ઘોર દુષ્કાળના એંધાણ વરસાદ ખેંચાતાં ૨.૨૫ લાખ હેક્ટરનો વાવેતર થશે પ્રભાવિત!
સાબરકાંઠામાં ઘોર દુષ્કાળના એંધાણ
વરસાદ ખેંચાતાં ૨.૨૫ લાખ હેક્ટરનો વાવેતર થશે પ્રભાવિત!
મોંઘા બિયારણ પર ફરી વળ્યું પાણી
સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ખેંચાતાં સમગ્ર ક્ષેત્રમાં ભયાનક દુષ્કાળના એંધાણ વર્તાઈ રહ્યા છે. મગફળીના ૮૦ હજાર અને કપાસના ૪૫ હજાર હેક્ટર સહિત આશરે ૨.૨૫ લાખ હેક્ટરમાં વાવેતર કરવા માટે ખેડૂતોએ આ વખતે ખાતર અને બિયારણના બમણા ભાવ ચૂકવ્યા હતા. મોંઘા ભાવની સામગ્રી વાવીને રાત-દિવસ પરસેવો પાડ્યા બાદ હવે મેઘરાજા ગાયબ થઈ જતાં ખેતરોમાં લીલોછમ પાક સુકાઈને ભસ્મીભૂત થઈ રહ્યો છે. જિલ્લામાં વકરતી આ આફત વચ્ચે સિંચાઈ વિભાગ પાસે માત્ર ઓક્ટોબર મહિના સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સરકારી ચોપડે પાણી પૂરતું હોવાના દાવા કરાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે સાબરકાંઠાના માત્ર ૩ ડેમમાંથી જ પાણી આપવાની ક્ષમતા છે. સિંચાઈ અધિકારી આશય મેવાડાએ સ્વયં સ્વીકાર્યું છે કે ડેમોમાં જળસ્તર ચિંતાજનક રીતે ઘટી ગયું છે, જેના કારણે આગામી દિવસોમાં પાકને પાણી પૂરું પાડવું અશક્ય બની જશે.
મગફળી અને કપાસના ખેતરો સુકાઈને ખાખ!
ડેમોમાં માત્ર ઓક્ટોબર સુધી ચાલે તેટલો જ જળજથ્થો બાકી!
બીજી તરફ, આવી કટોકટીમાં ખેડૂતોની મદદે આવવાને બદલે કૃષિ વિભાગ હાસ્યાસ્પદ એડવાઈઝરી બહાર પાડીને જખમ પર મીઠું ભભરાવી રહ્યો છે. ખેતીવાડી અધિકારી બી.જે. જોશીએ ખેડૂતોને અત્યારે ખેતરમાં ખેડ ન કરવા અને 'મલ્ચિંગ' પદ્ધતિ અપનાવવાની સલાહ આપી છે. પાક મોટો થઈ ગયા બાદ આ પ્રકારની સલાહ આપતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ તેને તંત્ર દ્વારા કરાતી ક્રૂર મજાક ગણાવી રહ્યા છે. મોંઘો વાવણી ખર્ચ, ઓક્ટોબર પછી સિંચાઈના પાણીની અછત અને સરકારી વિભાગોની બેદરકારી વચ્ચે સાબરકાંઠાનો જગતનો તાત ચોતરફથી ઘેરાઈ ગયો છે. ખેતરોમાં ઉભો પાક નષ્ટ થવાના આરે પહોંચતાં ખેડૂતો આર્થિક પાયમાલીનો સામનો કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર સમયસૂચકતા વાપરીને પીડિત ખેડૂતો માટે કોઈ નક્કર રાહત પેકેજની જાહેરાત કરે છે કે પછી તેમને નસીબ બળે છોડી દે છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

