VIDEO: દ્વારકાના શિવરાજપુરમાં ૪૦૦ વર્ષ જૂની પરંપરા જીવંત રામાયણ-મહાભારત કાળની જોવા મળી વિરાસત!
દ્વારકાના શિવરાજપુરમાં ૪૦૦ વર્ષ જૂની પરંપરા જીવંત
રામાયણ-મહાભારત કાળની જોવા મળી વિરાસત!
ભાદરવી પૂનમે જામ્યો કુસ્તીનો મેળો!
દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ તાલુકાના શિવરાજપુર ગામે આધુનિકતાના આ યુગમાં પણ સદીઓ જૂની લોકસંસ્કૃતિ જીવંત જોવા મળી રહી છે. ભાદરવી પૂનમના પાવન પર્વે હજરત જાકૂપીર દાદાની દરગાહ ખાતે ૪૦૦ વર્ષથી પણ વધુ જૂની મલ કુસ્તી મેળાની પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. રામાયણ અને મહાભારત કાળ સાથે જોડાયેલી આ પ્રાચીન રમતરમત હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાના ઉત્કૃષ્ટ પ્રતીક તરીકે ઓળખાય છે.આ પરંપરાગત મેળામાં ઓખામંડળ, બારાડી તેમજ બરડા પંથક સહિતના વિસ્તારોમાંથી ૩૦૦ થી વધુ કુસ્તીબાજો પોતાની શારીરિક ક્ષમતા અને કૌશલ્ય દર્શાવવા મેદાનમાં ઉતરે છે. દાવપેચ અને ચપળતાના આ રોમાંચક જંગને નિહાળવા માટે દૂર-દૂરથી હજારોની સંખ્યામાં ખેલપ્રેમીઓ ઉમટી પડે છે. મલ કુસ્તીનું આ મેદાન માત્ર શક્તિપ્રદર્શન નહીં પરંતુ અનોખી રમતભાવનાનું કેન્દ્ર બને છે.
હજરત જાકૂપીર દરગાહ ખાતે ૩૦૦થી વધુ મલ્લોએ અજમાવ્યા દાવપેચ!
ડિજિટલ યુગમાં યુવાનોને મેદાની રમત અને સ્વાસ્થ્ય તરફ વાળતો વિશિષ્ટ પ્રયાસ!
અખાડાના રોમાંચક દાવપેચ નિહાળવા હજારોની મેદની ઉમટી!
પ્રાચીન કાળમાં રાજા-મહારાજાઓ દ્વારા યુવાનોમાં શૌર્ય, કસરત અને તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી આ પ્રકારના મલ મેળાઓનું આયોજન કરવામાં આવતું હતું. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા મલ્લોને રાજ્યમાં મહત્વપૂર્ણ પદો પર સ્થાન આપવામાં આવતું હતું. આ જ પરંપરાને આગળ ધપાવતા શિવરાજપુરનો આ મેળો આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને ઓનલાઈન રમતોમાં વ્યસ્ત રહેતા યુવાનોને મેદાની રમતો, શિસ્ત અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ વળવાનો પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડે છે.શિવરાજપુરથી સામે આવેલા દ્રશ્યોમાં અખાડામાં દાવપેચ અજમાવતા પહેલવાનો, વિજેતાઓને બિરદાવતા આયોજકો અને કુસ્તીનો રોમાંચ માણી રહેલી જનમેદની સ્પષ્ટ જોઈ શકાય છે. તન-મનની તંદુરસ્તી અને પ્રાચીન વિરાસતને જાળવી રાખતો આ મલ કુસ્તી મેળો આજે પણ સૌરાષ્ટ્રના લોકજીવનમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યો છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

