શાહરુખ ખાનને મોટી રાહત, લતીફના વારસદારોને પક્ષકાર બનાવવાનો ટ્રાયલ કોર્ટનો હુકમ રદબાતલ
ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના આદેશ મારફતે બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને હિન્દી ફિલ્

ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના આદેશ મારફતે બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને હિન્દી ફિલ્મ રઇસના નિર્માતાઓ સામે આઠ વર્ષ જૂના માનહાનિના દાવામાં ગેંગસ્ટર અબ્દુલ લતીફના વારસદારોને વાદી તરીકે સામેલ કરવાની મંજૂરી આપતો નીચલી અદાલતનો હુકમ રદબાતલ ઠરાવ્યો હતો. જસ્ટિસ જે.સી.દોશીએ ત્રણ દિવસમાં હાઇકોર્ટના આ હુકમ મુજબ, મૂળ દાવામાં વાદી તરીકે સામેલ કરાયેલા નામો કમી કરવા ટ્રાયલ કોર્ટને હુકમ કર્યો હતો.
લતીફના પરિવારે રૂ.101 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો હતો
રઇસ ફિલ્મ જાન્યુઆરી 2017 માં રિલીઝ થઈ હતી અને લતીફના પરિવારે આ ફિલ્મમાં તેમના પરિવારની છબીને ક્ષતિ પહોંચાડવા બદલ સિવિલ કોર્ટમાં રૂ.101 કરોડનો બદનક્ષીનો દાવો દાખલ કર્યો હતો. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને અન્ય લોકોએ આ દાવાને હાઈકોર્ટ સમક્ષ પડકાર્યો હતો.
ફિલ્મ રઇસના કારણે દાવો દાખલ કર્યો
જાન્યુઆરી 2017માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અબ્દુલ લતીફ પર આધારિત એક પાત્ર દર્શાવવામાં આવ્યું છે. બદનક્ષીનો દાવો મૂળ 2016 માં લતીફના પુત્ર મુશ્તાક અબ્દુલ લતીફ શેખ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જેમણે દાવો શરૂ કર્યાની તારીખથી 18 ટકા વ્યાજ સાથે રૂ. 101કરોડનું નુકસાન માંગ્યું હતું, એવો આરોપ મૂક્યો હતો કે ફિલ્મે તેમના પિતાની પ્રતિમાને કલંકિત કરી છે.
દરમ્યાન લતીફના પુત્ર મુશ્તાકનું ગત તા.06/07/2020ના રોજ નિધન થતાં તેની વિધવા અને બે પુત્રીઓએ તા.27/04/2022ના રોજ બદનક્ષીના દાવામાં વાદી તરીકે સામેલ થવા અરજી કરી હતી. જે સિવિલ કોર્ટે મંજૂર રાખી હતી અને તેમને વાદી તરીકે સામેલ કર્યા હતા.
અમદાવાદ સિવિલ કોર્ટમાં આ દાવાને પડકારવામાં આવ્યો હતો
સિવિલ કોર્ટ, અમદાવાદના આ હુકમને શાહરૂખ ખાન, તેની પત્ની ગૌરી ખાન ઉપરાંત, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, એક્સેલ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, ફરહાન અખ્તર અને રાહુલ ધોળકિયાએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.








