ભારતીય સિનેમાથી અંગ્રેજો થરથર કાંપવા લાગ્યા હતાં! રાતોરાત બેન કરી હતી આ ફિલ્મો

15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસનો આ ખાસ અવસર આપણને એ વીરોની યાદ અપાવે છે જેમણે દેશને ગુલામીની સાંકળોમાંથી મુક્ત કરાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. પણ આઝાદીની આ લડાઈ માત્ર સરહદો, જેલો કે સત્યાગ્રહના મેદાનો સુધી સીમિત નહોતી, આ લડાઈ સિનેમાના રૂપેરી પડદા પર પણ ખૂબ મજબૂતીથી લડાઈ હતી. જ્યારે દેશમાં રાષ્ટ્રવાદની લહેર ઉઠી રહી હતી, ત્યારે ભારતીય ફિલ્મસર્જકોએ પૌરાણિક અને ઐતિહાસિક વાર્તાઓની ઓથમાં ‘સ્વરાજ’નો એવો સંદેશ આપ્યો કે બ્રિટિશ હકુમતનો પાયો હલી ગયો હતો. આ જ કારણ હતું કે અંગ્રેજો એટલા ડરી ગયા હતાં કે તેમણે કેટલીક ભારતીય ફિલ્મો પર સેન્સરશિપની કાતર ચલાવીને તેમને રાતોરાત બેન (પ્રતિબંધિત) કરી દીધી હતી. અહીં જાણો એ ઐતિહાસિક ફિલ્મોની કહાની, જેણે અંગ્રેજી હકુમતની ઊંઘ હરામ કરી દીધી હતી.
1. ભક્ત વિદુર (1921)
કાંજીભાઈ રાઠોડના નિર્દેશન હેઠળ અને કોહિનૂર ફિલ્મ કંપનીના બેનર તળે બનેલી સાયલન્ટ ફિલ્મ ‘ભક્ત વિદુર’ ભારતીય સિનેમાના ઈતિહાસની પહેલી એવી ફિલ્મ હતી, જેને બ્રિટિશ સરકારે પ્રતિબંધિત કરી હતી. કહેવા માટે તો આ મહાભારતના પાત્ર ‘વિદુર’ પર આધારિત એક પૌરાણિક ફિલ્મ હતી, પરંતુ પડદા પર મુખ્ય કિરદાર ભજવનાર દ્ધારકાદાસ સંપત બિલકુલ મહાત્મા ગાંધીની જેમ ‘ગાંધી ટોપી’ અને ખાડીનો કુર્તો પહેરેલા જોવા મળ્યા હતા. ફિલ્મમાં ચરખો ચલાવવા અને સ્વતંત્રતાની વાત કરવા જેવા દ્રશ્યો જોઈને અંગ્રેજો સમજી ગયા કે આ પૌરાણિક કથાના બહાને ગાંધીવાદી સત્યાગ્રહનો ખુલ્લો પ્રચાર છે. ફિલ્મના પોસ્ટર્સ પર લખવામાં આવ્યું હતું, “આ ફિલ્મ તમને શીખવશે કે આઝાદી કેવી રીતે મેળવવામાં આવે છે.” પરિણામે મદ્રાસ, કરાચી અને મુંબઈ પ્રેસિડેન્સીમાં અંગ્રેજોએ આને કાયદો અને વ્યવસ્થા માટે ખતરો ગણાવીને સંપૂર્ણપણે બેન કરી દીધી હતી.
2. સ્વરાજ્યાચા તોરણ (1930)
દિગ્ગજ ફિલ્મમેકર વી. શાંતારામે નિર્દેશિત કરેલી સાયલન્ટ ફિલ્મ ‘સ્વરાજ્યાચા તોરણ’ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા 16 વર્ષની ઉંમરે તોરણા કિલ્લો જીતીને હિંદવી સ્વરાજનો પાયો નાખવાની ગૌરવગાથા પર આધારિત હતી. ફિલ્મનું મૂળ શીર્ષક ‘સ્વરાજ્યાચા તોરણ’ (સ્વરાજનું તોરણ દ્વાર) હતું. 1930માં એ સમયે ગાંધીજીના ‘સવિનય અવજ્ઞા આંદોલન’ અને ‘પૂર્ણ સ્વરાજ’ની માંગથી અંગ્રેજો પહેલાથી જ ડરેલા હતા. ફિલ્મના અંતમાં જ્યારે શિવાજી મહારાજ દ્વારા ‘સ્વરાજનો ધ્વજ’ ફરકાવવામાં આવ્યો, ત્યારે સેન્સર બોર્ડ ભડકી ગયું હતું. અંગ્રેજોએ આદેશ આપ્યો કે ‘સ્વરાજ’ શબ્દને તરત જ હટાવવામાં આવે. ફિલ્મ શરૂઆતમાં બેન થઈ ગઈ હતી, પછી અંગ્રેજોના દબાણના કારણે મજબૂરીમાં વી. શાંતારામને ફિલ્મનું નામ બદલીને ‘ઉદયકાલ’ કરવું પડ્યું હતું અને તિરંગો/સ્વરાજ ધ્વજ ફરકાવવા વાળા દ્રશ્યને પણ કાપવું પડ્યું હતું, ત્યારે જઈને આ ફિલ્મ રિલીઝ થઈ શકી હતી.
3. ત્યાગભૂમિ (1943)
પ્રખ્યાત તમિલ નિર્દેશક કે. સુબ્રમણ્યમની ફિલ્મ ‘ત્યાગભૂમિ’ લેખક ‘કલ્કિ’ (કૃષ્ણમૂર્તિ)ની નવલકથા પર આધારિત હતી. આ ફિલ્મ સીધી રીતે મહાત્મા ગાંધીના સિદ્ધાંતો, અસ્પૃશ્યતા નિવારણ, મહિલા સશક્તિકરણ અને વિદેશી સામાનના બહિષ્કાર પર કેન્દ્રિત હતી. ફિલ્મમાં વાસ્તવિક કોંગ્રેસ રેલીઓ, ખાડી આંદોલન અને ગાંધીજીના ફોટાઓનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે આ ફિલ્મ મદ્રાસના ‘ગેયટી થિયેટર’માં આવી હતી, ત્યારે 22 અઠવાડિયા સુધી હાઉસફુલ ચાલતી રહી હતી. દર્શકો વચ્ચે ઉમટતા દેશપ્રેમને જોઈને બ્રિટિશ સરકાર ડરી ગઈ હતી અને તેણે ફિલ્મ પર કડક પ્રતિબંધ લગાવતા સિનેમાઘરો પર પોલીસ મોકલીને બધા પ્રિન્ટ્સ જપ્ત કરાવી લીધા હતાં. પરંતુ નિર્દેશકે ચૂપચાપ તેની કોપીઓ જનતામાં મફત વહેંચી દીધી હતી.
સિનેમાનો આ ઈતિહાસ સાબિત કરે છે કે કેમેરા અને વાર્તાઓની તાકાત કોઈ તોપ કે બંદૂકથી ઓછી નહોતી. આપણા ફિલ્મમેકર્સે ડર્યા વગર પડદા પર ‘આઝાદી’ની મશાલ પ્રજ્વલિત રાખી હતી, જેને અંગ્રેજો જાણીને પણ ઓલવી શક્યા નહીં.

