શિલ્પા શેટ્ટીની મુશ્કેલી વધી, પહેલા રેસ્ટોરન્ટ અને હવે તેના મુંબઈના ઘર પર ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટ બાદ તેના ઘર પર ઇન્કમ ટેક્સના દરોડા પાડ્યા હતા. એક તરફ તે કથિત 60 કરોડની છેતરપિંડી મામલે મુશ્કેલીમાં ફસાયેલી છે, ત્યારે બીજી તરફ ઇન્કમ ટેક્સે ગઈકાલે (17 ડિસેમ્બર) તેના મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા બેસ્ટિયન રેસ્ટોરન્ટ પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ આજે(18 ડિસેમ્બર) મુંબઈમાં તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી તેના બેસ્ટિયન રેસ્ટોરન્ટથી સંબંધિત નાણાકીય લેવડ-દેવડ અને કથિત ટેક્સ અનિયમિતતાઓની તપાસ હેઠળ કરાઈ રહી છે.
આ મામલે મુંબઈ સિવાય બેંગાલુરૂમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાં રેસ્ટોરન્ટ અને તેનાથી જોડાયેલી કંપનીઓના નાણાકીય રેકોર્ડની તપાસ કરાઈ રહી છે. ઇન્કમ ટેક્સ વિભાગને શંકા છે કે હોટલ બિઝનેસમાં રોકાણ, આવક અને ટેક્સ ચુકવણીને લઈને ગડબડી હોય શકે છે. જોકે, શિલ્પા શેટ્ટી અથવા તેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ આગળની કાર્યવાહી પર સ્થિતિ સ્પષ્ટ થશે.
બુધવારે રેસ્ટોરન્ટ વિરૂદ્ધ નોંધાયો હતો કેસ
જણાવી દઈએ કે, બેંગાલુરૂ પોલીસે બેસ્ટિયન સહિત બે રેસ્ટોરન્ટ વિરૂદ્ધ નક્કી સમયથી વધુ સંચાલન કરવાના આરોપમાં કેસ દાખલ કરાયો હતો. બેસ્ટિયન ગાર્ડન સિટી રેસ્ટોરન્ટમાં શિલ્પા શેટ્ટીની 50 ટકા ભાગીદારી વ્યક્ત કરાઈ રહી છે. ત્યારબાદ ચર્ચ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલા બેસ્ટિયન ગાર્ડન સિટી પર દાખલ થયેલી ફરિયાદ પર એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન જાહેર કરીને આરોપોને ફગાવી દીધા હતા. તેણે લખ્યું હતુ કે, તેના વિરૂદ્ધ લગાવવામાં આવી રહેલા આરોપ સંપૂર્ણ રીતે પાયાવિહોણા અને પ્રેરિત છે. જે મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે, તેને વગર કોઈ કાયદાકીય આધારે ગુનાહિત રૂપ આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

