'મહાકાવ્ય શ્રી રામાયણ કથા': નેગેટિવ માર્કેટિંગને કારણે ફ્લોપ થઈ ફિલ્મ? પ્રોડ્યુસરે લગાવ્યા ગંભીર આરોપો!

નિતેશ તિવારી અને રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મ આવવાની છે. તે પહેલાં 25 સપ્ટેમ્બરે એક 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા' ફિલ્મ રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મને તેની કાસ્ટિંગ માટે નેગેટિવ રિસ્પોન્સ સાંભળવા મળ્યો હતો. આ સિવાય બોક્સ ઓફિસ પર પણ તે કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી. હવે 'મહાકાાવ્ય શ્રી રામાયણ કથા'ના પ્રોડ્યુસરે એવો દાવો કર્યો છે કે તેમની ફિલ્મને લઈને નેગેટિવ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું.
શું બોલ્યા પ્રોડ્યુસર પ્રકાશ?
ફિલ્મના પ્રોડ્યુસર પ્રકાશ મહોબિયાએ જણાવ્યું કે ફિલ્મ અંગે નકારાત્મક વાતો ફેલાવવામાં આવી હતી અને તે એક નેગેટિવ કેમ્પેઇનનો ભાગ હતી. હવે અમારી ટીમ આ ફિલ્મને ફરીથી રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.
પ્રકાશે જણાવ્યું કે ઘણા યુટ્યુબર્સ અને ઇન્ફ્લુઅન્સર્સે ફિલ્મ અંગે નેગેટિવ કોમેન્ટ્સ કરી હતી અને તેના કારણે જ ઘણા લોકોએ આ ફિલ્મને મોકો જ ન આપ્યો. તેમણે કહ્યું, "આ પૂરેપૂરી નેગેટિવ માર્કેટિંગ હતી. અમને અમારી ઓડિયન્સ સુધી પહોંચવાની તક જ ન મળી. જે લોકોએ અમારી ફિલ્મ જોઈ, તેમને તે ખૂબ પસંદ આવી છે. પરંતુ જો લોકોને જોવાનો જ મોકો નહીં મળે તો તેમનો અભિપ્રાય કેવી રીતે બનશે?"
આ જ સબ્જેક્ટ પર આવી રહી છે બીજી મોટા બજેટની ફિલ્મ
તેમણે વધુમાં કહ્યું કે અમને જે માહિતી મળી છે તે મુજબ આ જ સબ્જેક્ટ પર બીજી એક મોટા બજેટની ફિલ્મ આવી રહી છે. યુટ્યુબર્સ, ઇન્ફ્લુઅન્સર્સ અને અન્ય લોકોએ નેગેટિવ માર્કેટિંગ ખૂબ વધારે કરી છે. તેઓ ખોટી માહિતી આપી રહ્યા છે અને લોકોને અમારી ફિલ્મ ન જોવાની અપીલ કરી રહ્યા છે.
શું 'રામાયણ'ની ટીમ પર સાધ્યું નિશાન?
જ્યારે પ્રકાશને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ કેમ્પેઇન પાછળ નિતેશ તિવારી અને નામિત મલ્હોત્રાની ટીમનો હાથ હોવાનો આરોપ લગાવી રહ્યા છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેઓ ચોક્કસ નથી, પરંતુ તેમને એવું જ જણાવવામાં આવ્યું છે.

