Asian Games 2026 / શ્રીલંકાને હરાવી ફાઈનલમાં પહોંચ્યું ભારત, હવે ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે થશે ટક્કર

ગુરુવાર (1 ઓક્ટોબર), એશિયન ગેમ્સ 2026ની મેન્સ ક્રિકેટ ઈવેન્ટમાં, શ્રેયસ અય્યરના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ બીજી સેમીફાઈનલમાં શ્રીલંકાને 124 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. પાકિસ્તાન પહેલાથી જ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલ મેચ 3 ઓક્ટોબર, શનિવારના રોજ રમાશે. મેચ ભારતીય સમય મુજબ સવારે 10:00 વાગ્યે શરૂ થશે.
શ્રીલંકા સામેની સેમીફાઈનલ અંગે વાત કરીએતો, ટીમ ઈન્ડિયાએ એકતરફી વિજય મેળવ્યો. શ્રીલંકાએ નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 169 રન બનાવ્યા. ટાર્ગેટ ચેઝ કરતા, શ્રીલંકા 9.5 ઓવરમાં માત્ર 45 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
ભારત માટે ઈશાન કિશન બેટિંગમાં ચમક્યો
ઈશાન કિશને મુશ્કેલ પીચ પર શાનદાર બેટિંગ કરી અને 46 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 80 રન બનાવ્યા. તેની ઈનિંગથી ટીમ ઈન્ડિયા 160 રનનો આંકડો પાર કરી શક્યો. વૈભવ સૂર્યવંશીએ પણ 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા. બાકીના બધા બેટ્સમેન નિષ્ફળ રહ્યા. અભિષેક શર્માએ 7 રન, સંજુ સેમસનએ 7 રન, તિલક વર્માએ 2 રન, અક્ષર પટેલે 8 રન, શિવમ દુબેએ 3 રન અને કેપ્ટન શ્રેયસ અય્યરે 13 રન બનાવ્યા. વોશિંગ્ટન સુંદર 7 રન બનાવીને અણનમ રહ્યો.
જો ઈશાન 80 રન ન બનાવ્યા હોત, તો ભારત માટે કુલ 100 રન બનાવવાનું પણ મુશ્કેલ બન્યું હોત. તેની સમજદાર બેટિંગથી ટીમને સારા સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી. બોલર-ફ્રેન્ડલી પીચ પર મોટા સ્કોરનો સામનો કર્યા પછી શ્રીલંકાની ટીમ સંપૂર્ણપણે દબાણ હેઠળ દેખાઈ.
શ્રીલંકાનું ખરાબ પ્રદર્શન
ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે ખરાબ બેટિંગ પ્રદર્શન કર્યું. ટીમે એક પણ રન બનાવ્યા વિના બે વિકેટ ગુમાવી દીધી. ટીમની ત્રીજી વિકેટ 02 રનના સ્કોર પર પડી. ત્યારબાદ ચોથી અને પાંચમી વિકેટ 18 રનના સ્કોર પર પડી. અડધી ટીમ માત્ર 18 રનમાં આઉટ થઈ ગઈ. ત્યારબાદ, ટીમે 31 રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ અને 33 રનના સ્કોર પર સાતમી વિકેટ ગુમાવી દીધી. બાકીની આઠમી, નવમી અને દસમી વિકેટ 45 રનના સ્કોર પર પડી ગઈ. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને અભિષેક શર્માએ બે-બે વિકેટ લીધી. વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી.

