રણબીર કપૂરની ‘રામાયણ’ પર ભડક્યા મુકેશ ખન્ના: કહ્યું ‘રામ તો રામ છે પણ...

રણબીર કપૂરની ‘રામાયણ’ રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મનું પ્રોમોશન પણ જોરશોરથી ચાલી રહ્યું છે. આ દરમિયાન મુકેશ ખન્નાએ રણબીર કપૂરના રામ બનવાની ટિક્કા કરી છે. તેમણે કહ્યું કે ફિલ્મમાં રામને ‘ધુરંધર’ બનાવી દેવામાં આવ્યા છે. મુકેશ ખન્નાએ કહ્યું, "તમે તેમને સલમાન ખાન, અમિતાભ બચ્ચન, રજનીકાંત બનાવી દીધા છે."
મુકેશ ખન્નાએ કયા દૃશ્યોની ટીકા કરી?
મુકેશ ખન્નાએ જણાવ્યું કે રામાયણનું ટ્રેલર જોયા પછી તેમને શું સારું ન લાગ્યું. તેમણે કહ્યું કે શ્રી રામના કિરદારને ધુરંધર બનાવી દેવામાં આવ્યો છે. તેમણે ખાસ કરીને એ સિક્વન્સની ટીકા કરી જ્યાં ફિલ્મમાં ભગવાન રામને ઝાડ પર ચડતા અને તીર છોડતા બતાવવામાં આવ્યા છે.
મુકેશ ખન્ના બોલ્યા- તમે તેમને શાહરૂખ-અમિતાભ બચ્ચન બનાવી દીધા છે
‘શક્તિમાન’નું પાત્ર ભજવી ચૂકેલા મુકેશ ખન્નાએ કહ્યું, “તમે તેમને સલમાન ખાન, અમિતાભ બચ્ચન, રજનીકાંત બનાવી દીધા છે. ના સાહેબ, રામ તો રામ છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ. તેઓ સ્મિત કરતા હતા, ત્યારે સમુદ્રને પણ હાથ જોડીને કહેતા હતા, ખસી જાવ મારે આગળ જવું છે.”
મુકેશ ખન્ના બોલ્યા- રામે આ રીતે યુદ્ધ નહોતું કર્યું
તેમણે આગળ કહ્યું, "જો તમે શ્રી રામને 'મર્યાદા પુરુષોત્તમ'ના બદલે એક 'એક્શન હિરો' બતાવવા માંગો છો અને તેમને ક્લિન્ટ ઇસ્ટવુડ બનાવી દો છો, તો મને લાગે છે કે ભગવાન રામે આ રીતે લડાઈ નહોતી કરી. જો તેમણે આ રીતે યુદ્ધ કર્યું હોત, તો તેમને વાનર સેનાની મદદની જરૂર શા માટે પડત?"
VFXની પણ મુકેશ ખન્નાએ કરી ટીકા
મુકેશ ખન્નાએ ફિલ્મના VFX (સ્પેશિયલ ડિજિટલ ઈફેક્ટ્સ) અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આટલા બધા સ્પેશિયલ ઈફેક્ટ્સનો ઉપયોગ ફિલ્મને ઈન્ટરનેશનલ લેવલે સારું પરફોર્મ કરવામાં મદદ કરશે, પરંતુ ભારતના દર્શકો ફિલ્મને આસ્થાના ભાવથી જોશે. મુકેશ ખન્નાએ કહ્યું, “તે લોકો આની સરખામણી 'સ્ટાર વોર્સ' સાથે કરશે અને કદાચ કમાણી પણ કરી લેશે. પરંતુ ભારતમાં તો ભારતની આસ્થા મુજબ જ હોવું જોઈએ. આપણે સ્પેશિયલ ઈફેક્ટ્સ નહીં જોઈએ.” તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર પણ કેટલાક લોકો ફિલ્મના VFXની ટીકા કરી રહ્યા છે. તો વળી, કેટલાક લોકો રણબીર કપૂરના રામ બનવા પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.
રામાયણને ગ્લોબલ લેવલે પહોંચાડવાની તૈયારી
રામાયણની વાત કરીએ તો મેકર્સ તેને ગ્લોબલ લેવલ સુધી પહોંચાડવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. તાજેતરમાં જ મુંબઈમાં રામાયણની એક પ્રોમોશનલ ઈવેન્ટ યોજાઈ હતી. ફિલ્મમેકર્સે આ ઈવેન્ટમાં દુનિયાના સૌથી અમીર યુટ્યુબર 'મિસ્ટર બીસ્ટ' (MrBeast) ને પણ આમંત્રણ આપ્યું હતું. મિસ્ટર બીસ્ટની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સોશિયલ મીડિયા પર લોકો કહેવા લાગ્યા કે મેકર્સે મિસ્ટર બીસ્ટને બોલાવીને ઈન્ટરનેશનલ લેવલે ફિલ્મને સુપરહિત બનાવવાની શાનદાર ચાલ રમી છે.

